Sat Sep 05 2026

Logo

ક્રિકેટચાહકે સૂર્યકુમાર તરફ અચાનક મોબાઈલ ફેંક્યો, જાણી લો સાચું કારણ...

2026-03-22 12:47:00
Author: Ajay Motiwala
ક્રિકેટચાહકે સૂર્યકુમાર તરફ અચાનક મોબાઈલ ફેંક્યો, જાણી લો સાચું કારણ...

મુંબઈ: આઈપીએલ (IPL) શરૂ થવાને છ દિવસ બાકી છે ત્યારે સૂર્યકુમાર યાદવ સાથે એક એવી ઘટના બની જેનો વીડિયો અને ફોટો વાઇરલ થયા છે.

મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની એક ઇવેન્ટમાં ટીમના મુખ્ય બેટ્સમેનમાંથી એક અને ભારતના ટી-20 વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન સૂર્યકુમારને બે દિવસ પહેલાં એક હળવો આંચકાજનક અનુભવ થયો.

આ ઇવેન્ટ વખતે એમઆઈના એક ચાહકે મિત્રતાના સ્વભાવ માટે જાણીતા સૂર્યકુમાર (SURYAKUMAR)ને સેલ્ફી દ્વારા પોતાના મોબાઈલના કૅમેરામાં કેદ કરી લેવા વિચિત્ર નુસખો અજમાવ્યો હતો.

ઇવેન્ટની ઇમારતમાં સૂર્યા એક બાલ્કનીમાં (ઉપરના લેવલમાં) ઊભો હતો અને નીચેથી એક ચાહકે સેલ્ફી લેવાની વિનંતી કરીને ઉપર ઊભેલા સૂર્યા તરફ અચાનક પોતાનો મોબાઈલ ફેંક્યો હતો. સૂર્યા અફલાતૂન કૅચ ઝીલવા માટે પ્રખ્યાત છે, પણ આ રીતે ઓચિંતો મોબાઈલ પોતાની તરફ આવશે એની તેને કલ્પના પણ નહોતી એટલે તે એ ઝીલી નહોતો શક્યો. ફોન નજીકમાં નીચે પડ્યો હતો અને સૂર્યાને એ આપવામાં આવ્યો અને સૂર્યાએ એમાં પોતાને અને નીચે ઊભેલા પેલા ફેન સહિતના ચાહકોને કવર કરીને સેલ્ફી લીધી હતી. બધા ખૂબ હસ્યા હતા અને સૂર્યાને ચિયર-અપ કર્યું હતું.

સૂર્યાએ આ આખી ઘટનાને મિત્રતાના ભાવે ગણીને હળવી બનાવી નાખી અને દૂર ઊભા રહીને પણ ચાહકની ઈચ્છા પૂરી કરી એ બદલ સોશ્યલ મીડિયામાં સૂર્યાની વાહ-વાહ થઈ રહી છે.

કોઈ ક્રિકેટ-કેપ્ટન તરફ અચાનક કંઈક ફેંકવામાં આવે એમ છતાં એ કેપ્ટન સ્થિતિને હળવી બનાવી નાખે એ સમજદારી અને કાબેલિયત સૂર્યાએ બતાવી એ બદલ તેની ખૂબ પ્રસંશા થઈ રહી છે.