અમૂલ દવે
બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં તાજેતરમાં સર્જાયેલું પરિવર્તન માત્ર એક સત્તાપલટો નથી, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાનાં ભૂ-રાજકીય સમીકરણોને હચમચાવી દેનારી એક ઘટના છે. શેખ હસીનાના દોઢ દાયકા લાંબા શાસનનો જે રીતે અંત આવ્યો અને જે રીતે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)એ અભૂતપૂર્વ બહુમતી સાથે સત્તાનાં સૂત્રો સંભાળ્યા છે એનાથી ભારત સહિતના પડોશી દેશોને નવી વ્યૂહરચના વિચારવા મજબૂર કર્યા છે.
આ ચૂંટણીમાં (BNP)એબે તૃતીયાંશ પ્રચંડ બહુમતી મેળવીને સાબિત કર્યું છે કે જનતામાં પરિવર્તનની લહેર કેટલી પ્રબળ હતી. આ જીત સાથે જ દાયકાઓથી દેશનિકાલ ભોગવી રહેલા અને લંડનથી પક્ષનું સંચાલન કરી રહેલા તારિક રહેમાન હવે બાંગ્લાદેશના નવા વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે, જે બાંગ્લાદેશના રાજકારણમાં એક નવા અને વિવાદાસ્પદ અધ્યાયની શરૂઆત મનાય છે.
આ સમગ્ર રાજકીય ડ્રામાની પૃષ્ઠભૂમિ વિદ્યાર્થી આંદોલન દ્વારા તૈયાર થઈ હતી. નોકરીઓમાં અનામત અને સરકારી દમન વિરુદ્ધ શરૂ થયેલું આ આંદોલન જોતજોતામાં લોકક્રાંતિમાં ફેરવાઈ ગયું અને શેખ હસીનાને રાતોરાત દેશ છોડીને ભાગવું પડ્યું. તેમની પાર્ટી અવામી લીગ, જે ઐતિહાસિક રીતે ભારતની અત્યંત નજીક રહી છે, તેને ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવી, જેના કારણે વિરોધ પક્ષો માટે મેદાન સાવ મોકળું થઈ ગયું હતું. આ સ્થિતિમાં તારિક રહેમાનનો ઉદય ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેમના પર અનેક ભ્રષ્ટાચાર અને ગુનાહિત કેસો છે અને ભૂતકાળમાં તેમનું વલણ ભારત પ્રત્યે ક્યારેય હકારાત્મક રહ્યું નથી.
ચૂંટણીનાં પરિણામોમાં એક આશ્ર્ચર્યજનક પાસું ‘જમાત-એ-ઇસ્લામી‘ નો પરાજય રહ્યો છે. કટ્ટરપંથી અને સાંપ્રદાયિક વિચારધારા ધરાવતી આ પાર્ટીને જનતાએ સ્પષ્ટપણે નકારી દીધી છે. ખાસ કરીને બાંગ્લાદેશની મહિલા મતદારોએ આ વખતે ખૂબ જ સમજદારીપૂર્વક મતદાન કર્યું છે. મહિલાઓએ અનુભવ્યું કે જમાતની વિચારધારા તેમના અધિકારો અને સ્વતંત્રતા માટે જોખમી છે, પરિણામે મોટા પાયે મહિલાઓના મતો BNP તરફ વળ્યા. આ દર્શાવે છે કે બાંગ્લાદેશનો સમાજ કદાચ કટ્ટરવાદને બદલે લોકશાહી માળખામાં વધુ વિશ્વાસ ધરાવે છે, જોકે BNP ની અંદર રહેલાં કટ્ટરપંથી તત્ત્વોે હજુ પણ ભારત માટે પડકારરૂપ છે.
આ બધા દરમિયાન નોબેલ વિજેતા મુહમ્મદ યુનુસની ભૂમિકા પણ આ સંક્રમણકાળમાં વિવાદાસ્પદ રહી. અંતરિમ સરકારના વડા તરીકે તેમણે જે રીતે ચૂંટણીમાં વિલંબ કરવાનો પ્રયાસ કર્યો અને તેમનું ભારત વિરોધી વલણ જે રીતે છતું થયું, તેનાથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ વધ્યો હતો. યુનુસ સત્તા પર પકડ જમાવી રાખવા માગતા હતા, પરંતુ જનતાના દબાણ અને વિદ્યાર્થીઓના આક્રોશ સામે તેમણે નમતું જોખવું પડ્યું અને આખરે ચૂંટણીઓ યોજાઈ.
ભારત માટે આ પરિવર્તનની અસરો અત્યંત ગંભીર છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4,000 કિલોમીટરથી વધુ લાંબી સરહદ છે, જે સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. શેખ હસીનાના શાસનમાં ભારતનાં ઈશાન રાજ્યોમાં આતંકવાદને કાબૂમાં લેવામાં મોટી સફળતા મળી હતી , કારણ કે હસીના સરકારે ભારત વિરોધી જૂથોને આશરો આપવાનું બંધ કર્યું હતું. હવે, BNPની સરકારમાં જમાત જેવાં તત્ત્વોનો પ્રભાવ વધશે, તો ભારતની પૂર્વીય સરહદ પર ફરીથી આતંકવાદી પ્રવૃત્તિઓ માથું ઊંચકી શકે છે. આ સુરક્ષા પડકાર ભારતની આંતરિક શાંતિ માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે.
આર્થિક મોરચે પણ બાંગ્લાદેશ ભારતનું મોટું વેપારી ભાગીદાર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશ વચ્ચે કનેક્ટિવિટી અને એનર્જી સેક્ટરમાં મોટા પ્રોજેક્ટ્સ શરૂ થયા હતા. તારિક રહેમાનની સરકારમાં બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન અને ચીન તરફ વધવાની પૂરેપૂરી શક્યતા છે, જે ભારતનાં વ્યૂહાત્મક હિતોને નુકસાન પહોંચાડી શકે છે. બાંગ્લાદેશમાં ચીન પોતાનાં રોકાણો વધારીને ભારતને ઘેરવાની કોશિશ કરશે, જે દક્ષિણ એશિયામાં શક્તિનું સંતુલન બગાડી શકે છે. આ ઉપરાંત, બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુઓ પર થતા હુમલાઓ અને તેના કારણે ઉદભવતી શરણાર્થીઓની સમસ્યા ભારત માટે સામાજિક અને રાજકીય માથાનો દુખાવો બની શકે છે.
નિષ્કર્ષમાં, બાંગ્લાદેશમાં થયેલો આ સત્તાપલટો ભારત માટે એક નવી કસોટી સમાન છે. ભારતને હવે તેની ‘નેબરહુડ ફર્સ્ટ’ પોલિસીમાં મોટા ફેરફારો કરવા પડશે. તારિક રહેમાનની નવી સરકાર સાથે તણાવમુક્ત સંબંધો જાળવવા અને તે જ સમયે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન કરવી એ ભારતની વિદેશ નીતિ માટે સૌથી મોટો પડકાર રહેશે. બાંગ્લાદેશનું આ નવું રાજકીય ચિત્ર આગામી વર્ષોમાં દક્ષિણ એશિયાની શાંતિ અને પ્રગતિની દિશા નક્કી કરશે ....