Sat Mar 14 2026

Logo

ઔર યે મૌસમ હંસીં...: વાંચનનો શોખ ખરેખર ઘટવા લાગ્યો છે?

3 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

દેવલ શાસ્ત્રી

આજકાલ એક ચિંતા સૌના હૈયામાં છે, માતૃભાષા દિવસ આવી રહ્યો છે ત્યારે એ ચિંતા છે કે ખરેખર વાંચનનો શોખ ઘટવા લાગ્યો છે કે પછી એ સમય સોશ્યલ મીડિયાએ લઇ લીધો છે ? પુસ્તકો અને સોશ્યલ મીડિયા વચ્ચે હરીફાઈ થઇ રહી છે કે પછી પુસ્તકમાંથી રસ ઘટવા લાગ્યો છે.? 

હું જયારે લાઈબ્રેરીમાં જઉં છું ત્યારે મને અનેક યુવાનો કલાકો સુધી લાઈબ્રેરીમાં પુસ્તકો ફંફોસતા જોવા મળે છે. મોટાભાગની કોલેજોમાં ભાષાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે છતાં સમાજની દ્રષ્ટિએ વાંચનનું ઘટવું ચિંતાની નિશાની પણ છે.

ભારતીય વાંચન અને સાહિત્યના ઇતિહાસ વિશે વાત કરીએ તો તે અનંત કથા છે, જે પ્રાચીન વેદોની મૌખિક પરંપરાથી શરૂ થઈને આધુનિક ડિજિટલ ઇ-બુક્સ સુધી પહોંચે છે. ભારતમાં વાંચન માત્ર જ્ઞાનનું સાધન નથી, પરંતુ તે સમાજ, ધર્મ, રાજકારણ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આપણા ઇતિહાસમાં શ્રુતિ અને સ્મૃતિનું અનેરું મહત્વ છે. આપણને કોઈપણ ઉંમરમાં વાંચેલા સાહિત્ય અંગે પૂછવામાં આવતું હોય છે. ભારતમાં કોલમ વાંચવી કે પુસ્તકોનું જ્ઞાન હોવું એ વ્યક્તિની પ્રતિષ્ઠા અને સમજદારી સાથે જોડાયેલું છે. શ્રુતિ અને સ્મૃતિમાં સંસ્કૃત, તમિળ, પાલી, પ્રાકૃત, અપભ્રંશ અને આધુનિક કહી શકાય એવી હિન્દી, બંગાળી, ગુજરાતી ભાષાનો સમાવેશ થાય છે.

દેશ આઝાદ થયા પછી વાંચન વધુ બહુભાષી અને વૈવિધ્યસભર બન્યું. આર.કે. નારાયણ, પ્રેમચંદ, પન્નાલાલ પટેલ કે પછી ચેતન ભગત અને અરુંધતી રોય જેવા લેખકોએ અંગ્રેજીમાં લખીને વૈશ્વિક વાંચકોને આકર્ષ્યા. ગુજરાતી ભાષામાં ગ્રામ્યજીવનથી માંડીને આધુનિક વિચારધારા સહિત અનેક વિષયો પર ખેડાણ થયું છે. 

વિશ્વની સૌથું વધુ વંચાતી આત્મકથા ‘સત્યના પ્રયોગો’  ગુજરાતી ભાષાની દેણ છે. એક હજાર વર્ષ જૂની ભાષાનો સમૃદ્ધ વારસો હોવા છતાં પ્રત્યેક ગુજરાતી પરિવારોની એક ચિંતા છે કે વાંચન ઘટવા લાગ્યું છે. સ્વાભાવિક છે કે વાંચન ઘટવાથી મૌલિક લેખન અને તંદુરસ્ત ચર્ચાઓ ઘટવા લાગી છે.

એક અભ્યાસ મુજબ આધુનિક ડિજિટલ યુગમાં ભારતમાં વાંચનનો દર વધી રહ્યો છે. ‘વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ’ અનુસાર ભારત વાર્ષિક સરેરાશ 10.7 કલાક વાંચનમાં આગવો ક્રમ ધરાવે છે. આ વાતનો અર્થ એવો થયો કે વાચક સારું સાહિત્ય શોધતો હોય છે.

આમ છતાં પ્રશ્ન તો ઊભો જ છે કે શું વાંચન ખરેખર ઘટી રહ્યું છે? જવાબ છે હા અને તે વૈશ્વિક સમસ્યા છે. અમેરિકામાં‘ નેશનલ એન્ડોમેન્ટ ફોર ધ આર્ટ્સના 2022ના સર્વે અનુસાર 48 ટકા પુખ્ત વયસ્કો વર્ષમાં ઓછામાં ઓછું એક પુસ્તક વાંચે છે, જે 2012માં 54 ટકા પ્રમાણ હતું. ‘યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા’ અને ‘યુનિવર્સિટી કોલેજ લંડન’ ના અભ્યાસમાં જણાવાયું છે કે 2003થી 2023 સુધીમાં આનંદ માટે વાંચન કરતા લોકોની સંખ્યા 28 ટકાથી ઘટીને 16 ટકા થઈ ગઈ છે.

ભારતમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે. ‘વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ’ ના રેન્કિંગ અનુસાર ભારત વાર્ષિક 16 પુસ્તકો વાંચીને અમેરિકા પછી બીજા ક્રમે છે. આ આંકમાં ડિજિટલ વાંચનનો પણ સમાવેશ થાય છે અને ડિજિટલ દુનિયામાં વાંચન માટે કોઈ ગુણવત્તા હોતી નથી એ વાતની બધાને ખબર છે. ‘નેશનલ લિટરસી ટ્રસ્ટ’ ના 2024ના સર્વેમાં જણાવાયું છે કે બાળકો અને કિશોરવયમાં માત્ર 34 ટકા જ આનંદ માટે વાંચન કરે છે, જે પહેલાની તુલનામાં લગભગ 9 ટકા જેટલો ઘટાડો છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ ઘણી નબળી છે.
 
આ માટે સૌથી મહત્ત્વનું એક કારણ હોઈ શકે છે કે વ્યક્તિમાં એકાદ બે દિવસ સુધી સમય ફાળવીને પુસ્તક વાંચવાની ધીરજ રહી નથી. સોશ્યલ મીડિયા જે ખરી-ખોટી માહિતી બે મિનિટમાં આપી શકે એના માટે આ પેઢી પુસ્તક વાંચવા તૈયાર નથી.

આમ તો ડિજિટલ મીડિયા વાંચનને ક્યારેક સારી અસર પણ કરે છે. ઇ-બુક્સ, ઓડિયોબુક્સ અને રીડિંગ એપ્સને લીધે લોકોનું વાંચન વધ્યું છે. એક અભ્યાસ મુજબ સ્ક્રીન વાંચનમાં વ્યક્તિ એટલું ધ્યાન લગાવી શકતો નથી તેથી વાંચનના અંતે પૂરતો બોધપાઠ લઇ શકતો નથી. 

ભારતમાં ડિજિટલ મીડિયાની અસર વધુ છે, કારણ કે સરેરાશ ભારતીય 3થી 4 કલાક સોશ્યલ મીડિયા પર વિતાવે છે. આમ છતાં ડિજિટલ મીડિયાના વાંચનમાં એક ગંભીર સમસ્યા છે કે સોશ્યલ મીડિયાના પ્રતાપે વ્યક્તિની વિચારવાની ક્ષમતા બાયસ થઈ જાય છે. પોતે જે માનતો હોય એની વિરુદ્ધ માહિતી આવે તો એ તેને એવોઈડ કરવા લાગે છે. ડિજિટલ આલ્ગોરિધમ તેને ગમતું સાહિત્ય વાંચવા માટે પ્રેરે છે.

એક અભ્યાસ મુજબ ફેક ન્યૂઝ સામાન્ય માહિતી કરતાં 6 ગણી વેગથી ફેલાય છે. ભારતમાં, વ્હોટ્સએપ અને ફેસબુક પર ફેક ન્યૂઝ વાંચનને નિરુત્સાહિત કરે છે કારણ કે લોકો શોર્ટ ક્ધટેન્ટ પર આધાર રાખે છે. આ કારણે સમાજમાં પોલરાઇઝેશન વધે છે અને વાંચન જેવી મૌલિક બાબત પર ગંભીર અસર કરે છે. વાંચન સાથે અભ્યાસક્રમમાં મીડિયા લિટરસીનો અભ્યાસ જરૂરી છે.

મૂળ વાત, વાચક ઘટી રહ્યા છે એ ચર્ચા કરીને છટકી જવું નથી. ડિજિટલ યુગમાં ટેક્નોલોજીને વિરોધી માનવાને બદલે સહયોગી બનાવવો જોઈએ. ઈ-બુક, ઓડિયો બુક, વાંચન એપ્સનો સ્વીકાર કરવો જોઈએ. જ્યારે માણસને પોતાની ભાષામાં વિચારવા અને વાંચવાની તક મળે છે, ત્યારે વાંચન વધુ આત્મીય બને છે. લેખકો અને પ્રકાશકોને પણ સરળ, રસપ્રદ અને સમયસૂચક વિષયો પર લખવા પ્રોત્સાહન આપવું જોઈએ. વાંચન વધારવાનો સૌથી મહત્ત્વનો માર્ગ છે કે વાંચનને ફાયદા કરતાં અનુભવ સાથે જોડવો જોઈએ.

વાંચનને એકલું છોડી દઈએ તો તે ક્યારેક સામાન્ય પ્રવૃત્તિ જેવું લાગે પણ તેની સાથે લેખન, વિચાર અને ચર્ચા જોડાય છે, ત્યારે વાંચનનું પ્રમાણ અને ગુણવત્તા વધારો થાય છે. પુસ્તક સંબંધિત ચર્ચા કરવાથી અન્યના મત સમજાય છે સાથોસાથ વિચારો વ્યક્ત કરી શકાય છે અને પૂર્વગ્રહો દૂર કરવા માટે મદદરૂપ થાય છે. વાંચવા લખવા અને ચર્ચા કરવાથી જીવનને વધુ સમૃદ્ધ અને અર્થપૂર્ણ બનાવી શકાય.

ધ એન્ડ:
પુસ્તકો વ્યક્તિના સ્વપ્નનું નિર્માણ કરવા સમર્થ છે  (અવિજિત દાસ)