Thu Jul 23 2026

Logo

સુસવાટાભર્યા પવન ફૂંકાતા હોવાથી બિલ્ડરોને કામ સ્થગિત કરવાનો બીએમસીનો આદેશ

2026-07-06 19:50:34
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈમાં રેડ અલર્ટની ચેતવણી વચ્ચે ભારે વરસાદ અને કલાકના ૭૦થી ૮૦ કિલોમીટરની ઝડપે પવનો ફૂંક્ાઈ રહ્યા હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ સોમવારે ડેવલપર્સ અને કોન્ટ્રાક્ટરોને  તમામ પ્રોજેક્ટ સ્થળોએ જોખમી બાંધકામ પ્રવૃત્તિઓ સ્થગિત કરવા અને કડક સલામતીના પગલાં સુનિશ્ર્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

પાલિકાએ જણાવ્યું હતું કે આપેલા નિર્દેશનું  પાલન ફરજિયાત રહેશે. પાલિકાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મજૂરોે, પડોશી રહેવાસીઓ અને સામાન્ય લોકોની સલામતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ડેવલપર્સ, આર્કિટેક્ટ, લાઇસન્સ પ્રાપ્ત સર્વેયર, કોન્ટ્રાક્ટરો, પ્રોજેક્ટ મેનેજરો અને સાઇટ એન્જિનિયરોને જારી કરાયેલી સલાહમાં પાલિકા પ્રશાસને તેમને સ્કેફોલ્ડિંગ (બાંધકામ માટે ઊભા કરાયેલા તાત્પૂરતા મચાન), ટાવર ક્રેન, રો મટીરીયલ, સેફ્ટી નેટ, ફોર્મવર્ક, ટીન શીટ્સ અને અન્ય કામચલાઉ માળખાનું નિરીક્ષણ કરવા કહ્યું હતું જેથી ખાતરી કરી શકાય કે તે સ્થિર અને સુરક્ષિત રીતે બાંધેલા છે.

પાલિકાએ નિર્દેશ આપ્યો હતો કે ભારે પવન દરમ્યાન અકસ્માતો અટકાવવા માટે ઉપરના માળ, ટેરેસ અને એલિવેટેડ પ્લેટફોર્મ પર છૂટક સામગ્રી દૂર કરવામાં આવે અથવા મજબૂત રીતે સુરક્ષિત કરવામાં આવે. જ્યાં હવામાનની પરિસ્થિતિઓ જોખમ ઊભું કરે છે ત્યાં ઊંચાઈ પર લિફ્ટિંગ કામગીરી અને કામ સ્થગિત કરવાની રહેશે.
 
પાલિકાએ બિલ્ડરોને તાત્કાલિક સાઈટ પર ઈન્સ્પેકશન કરવા, કામદારો દ્વારા નિર્ધારિત વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોનો ઉપયોગ કરવાની અને હવામાન સામાન્ય સ્થિતિમાં આવે નહીં ત્યાં સતત નિરીક્ષણ કરવા સૂચના પણ આપી હતી.