Wed Aug 19 2026

Logo

સરકારી અંધશાળાના મુદ્દે દિવ્યાંગ સંગઠનોની કલેક્ટરને આખરી રજૂઆત, 13 ઓગસ્ટ સુધી કામ નહીં થાય તો ધરણાની ચીમકી

2026-08-03 11:54:00
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ ભુજ સ્થિત સરકારી અંધશાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ, જર્જરિત ઇમારત અને શાળાના હેડમાસ્ટર સામે કરાયેલા ગંભીર આક્ષેપો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં કચ્છ દિવ્યાંગ ફેડરેશન અને નેત્રહીન બંધુઓમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આખરી રજૂઆત કરી આગામી 14 ઓગસ્ટથી અનિશ્ચિત મુદતના શાંતિપૂર્ણ ધરણાં યોજવાની ચીમકી આપવામાં આવી છે.

રાપરના રામજી મલા ગોઠી સહિતના દિવ્યાંગ અગ્રણીઓએ કલેક્ટરને સુપરત કરેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અગાઉ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. અંધશાળાની જર્જરિત ઇમારતના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત, ઇમારતનું નિષ્ણાતો દ્વારા પુનઃ નિરીક્ષણ કરાવવા તેમજ વિવિધ આક્ષેપોનો સામનો કરી રહેલા હેડમાસ્ટર સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાની માંગણી દોહરાવવામાં આવી હતી.

આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો તારીખ 13 ઓગસ્ટ સુધીમાં તંત્ર દ્વારા કાયદેસરની અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી 14 ઓગસ્ટથી તમામ નેત્રહીન બંધુઓ અને કચ્છ દિવ્યાંગ ફેડરેશનના સભ્યો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અનિશ્ચિત મુદતના આંદોલનાત્મક ધરણાં પર બેસશે.

આ ધરણાં દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી સાથે દિવ્યાંગ સંગઠનોએ ઉમેર્યું હતું કે, જો આંદોલન કરવાની ફરજ પડશે તો તેની તમામ નૈતિક અને કાયદાકીય જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે. સમગ્ર મામલાની ગંભીરતા સમજીને વહીવટીતંત્ર તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)