Thu Oct 01 2026

Logo

ચાના એક કપ કરતા પણ સસ્તા મરચાં: કિલોના માત્ર રૂ. 5 મળતા ખેડૂતો પાયમાલ, ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યો

2026-09-18 11:19:00
Author: Mayur Patel
ચાના એક કપ કરતા પણ સસ્તા મરચાં: કિલોના માત્ર રૂ. 5 મળતા ખેડૂતો પાયમાલ, ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યો

ભાવનગરઃ મરચાંના ભાવમાં આવેલા ભારે ઘટાડાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. એક તરફ ખેતીમાં સતત વધતા ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ મરચાંનો બજાર ભાવ તળિયે પહોંચતાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ વસૂલ કરવો મુશ્કેલ બની રહ્યો છે. હાલ ખેડૂતોને મરચાંના પ્રતિ કિલોના માત્ર રૂ. 5ની આસપાસ ભાવ મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ ભાવ ચાના એક કપ કરતા પણ ઓછો હોવાથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. મરચાની ખેતી કરનાર ખેડૂતોના જણાવ્યા મુજબ, સિઝનની શરૂઆતમાં મરચાંના ભાવ સારા રહ્યા હતા અને પ્રતિ કિલો આશરે રૂ. 60 સુધીના ભાવ મળ્યા હતા.

એક વીઘામાં 40 હજારનો ખર્ચ

શરૂઆતના સારા ભાવને જોતા ખેડૂતોને મરચાંની ખેતીમાંથી યોગ્ય આવક થવાની આશા જાગી હતી. પરંતુ જેમ જેમ બજારમાં મરચાંની આવક વધતી ગઈ તેમ તેમ ભાવમાં સતત ઘટાડો થતો ગયો અને હવે ભાવ ઘટીને માત્ર રૂ. 5ની આસપાસ પહોંચી ગયા છે.ખેડૂતો માટે સૌથી મોટી ચિંતા ઉત્પાદન ખર્ચની છે. એક વીઘા જમીનમાં મરચાંનું વાવેતર, બિયારણ, ખાતર, દવા, પાણી, મજૂરી સહિતના ખર્ચ પાછળ રૂ. 40 હજાર કરતાં પણ વધુ ખર્ચ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આટલો ખર્ચ કર્યા બાદ જો મરચાંના પ્રતિ કિલો માત્ર રૂ. 5 મળે તો ખેતીમાંથી આવક તો દૂર રહી, મૂળ ખર્ચની રકમ પણ પરત મેળવવી મુશ્કેલ બની જાય છે.ભાવમાં આવેલા ઘટાડાને કારણે મરચાં પકવતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ખેડૂતોએ શું કહ્યું

કાનજીભાઈ ભગવાનભાઈ સોલંકીએ જણાવ્યું કે આ વર્ષે એક વીઘાની મરચી કરેલી છે.જેમાં અંદાજિત ખર્ચો આપણે 40 થી 45 હજારનો ખર્ચ થયો છે.ઉત્પાદનેય સારું આવે છે, પણ અત્યારે આપણને ભાવની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક કિલો દીઠ 5 રૂપિયા મળી રહ્યા છે. મરચાં વેચીને આપણે ચા નો કપ પીવા જઈએ  તો પણ દસ રૂપિયા લે છે.શરૂઆતમાં ચાલુ થયા ત્યારે ભાવ 40 રૂપિયા કરતા પણ વધુ હતા. પરંતુ હાલ ભાવ ઘટી જતા ખર્ચ પણ ઊભો થઇ શકે તેમ નથી. ખરે ખર ભાવ 50 રૂપિયા ઉપર મળવો જોઈએ તોજ ખેડૂતોને ફાયદો થાય તેમ છે.

ખેડૂત લાલજીભાઈ સોલંકીએ જણાવ્યું કે આ વર્ષે સારા ઉત્પાદન ની આશા સાથે મરચી નું વાવેતર કર્યું હતું પરંતુ હાલ ભાવ યોગ્ય નથી મળી રહ્યો. ખેતી માં દવા, ખાતર, બિયારણ સહિત અનેક ખર્ચાઓ વધી રહ્યા છે પરંતુ પાક ના ભાવ નહીં, હાલ અમને ફક્ત 5 રૂપિયા ની આસપાસ મરચાના પ્રતિ કિલોએ ભાવ મળી રહ્યા છે જે ખરેખર ખૂબ ઓછા છે. હાલ અમે 40,000 હજાર કરતા પણ વધુ ખર્ચ વિધે કર્યો છે. અમને ખરે ખર પ્રતિ કિલો એ 50 રૂપિયા સુધી ભાવ મળવા જોઈએ તોજ ફાયદો થાય તેમ છે.