નવી દિલ્હી: બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારની સાંજ મુસાફરો માટે ફાળ ફાટે તેવી રહી હતી. દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઈટમાં વિસ્ફોટક હોવાના સમાચાર મળતા જ એરપોર્ટ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. ફ્લાઈટ ટેક-ઓફ કરે તે પહેલાં જ મળેલી આ ધમકીને કારણે કલાકો સુધી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જેના લીધે મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટનાની શનિવારે સાંજે અંદાજે 7:00 વાગ્યે બની હતી. જ્યારે પ્લેન ઉડાન ભરવાની તૈયારીમાં હતું, ત્યારે એક મુસાફરની નજર ફ્લાઈટના વૉશરૂમમાં પડેલા એક ટિશ્યુ પેપર પર પડી હતી. આ ટિશ્યુ પેપર પર લખવામાં આવ્યું હતું કે વિમાનમાં બોમ્બ રાખેલો છે. મુસાફરે તરત જ કેબિન ક્રૂને આ અંગે જાણ કરી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા ફ્લાઈટના કેપ્ટને તુરંત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્યો હતો. પ્રોટોકોલ મુજબ, વિમાનને નિર્ધારિત જગ્યાએ ઉભું રાખી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાનના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન એરપોર્ટ પર સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કલાકો સુધી ચાલેલી સઘન તપાસ બાદ સુરક્ષા એજન્સીઓને કોઈ પણ વાંધાજનક વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યું ન હતું. આખરે આ ધમકી માત્ર એક અફવા હોવાનું સ્પષ્ટ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરક્ષા ક્લિયરન્સ મળ્યા બાદ એ જ વિમાને મોડી સાંજે દિલ્હી માટે ઉડાન ભરી હતી. હાલમાં પોલીસ અને એરપોર્ટ ઓથોરિટી એ વ્યક્તિની શોધખોળ કરી રહી છે જેણે ટિશ્યુ પેપર પર આ ધમકીભર્યો મેસેજ લખ્યો હતો.