Sat Apr 18 2026

Logo

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતીય કૅપ્ટને બાંગ્લાદેશી સુકાની સાથે હાથ ન મિલાવીને દેશભાવના બતાવી...

Bulawayo   2026-01-17 11:34:00
Author: ajaybhai motiwal
Article Image

બુલવૅયો (ઝિમ્બાબ્વે): પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ (Bangladesh) પણ ભારત (India)નો દુશ્મન-દેશ છે એટલે ક્રિકેટના મેદાન પર આ બીજા પાડોશી દેશ સાથે પણ ભારતીય ક્રિકેટરોએ સખત વલણ અપનાવવું પડ્યું છે જેની છેલ્લામાં છેલ્લી ઘટના શનિવારે બુલવૅયોમાં અન્ડર-19 વર્લ્ડ કપની મૅચના આરંભ પહેલાં બની હતી જેમાં ભારતીય ટીમના સુકાની આયુષ મ્હાત્રેએ બાંગ્લાદેશની ટીમનું નેતૃત્વ સંભાળતા ઝવાદ અબ્રાર સાથે હાથ મિલાવવાનું (Handshake) ટાળ્યું હતું.

બાંગ્લાદેશનો મુખ્ય કૅપ્ટન મોહમ્મદ અઝીઝુલ બીમાર હોવાથી ઝવાદ ટૉસ વખતે મેદાન પર આવ્યો હતો. વરસાદને લીધે મૅચ મોડી શરૂ થઈ હતી. ટૉસ પહેલાં અને પછી બન્ને કૅપ્ટન એકબીજાથી અલગ જોવા મળ્યા હતા. ઝવાદે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. બન્ને ટીમ તરફથી આ ઘટના સંબંધમાં સત્તાવાર રીતે કોઈ જ નિવેદન બહાર નહોતું પાડવામાં આવ્યું.

ગયા વર્ષે આવું જ બન્યું હતું. એશિયા કપમાં પાકિસ્તાન સામેની મૅચ વખતે ભારતીય સુકાનીએ પાકિસ્તાની કૅપ્ટન સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

દરમ્યાન, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય સંબંધો ખૂબ તંગ થઈ ગયા છે. બાંગ્લાદેશમાં લગભગ દરરોજ એક કે એકથી વધુ હિન્દુ નાગરિકની હત્યા થઈ રહી છે જેને લીધે ભારતભરમાં બાંગ્લાદેશ પર ક્રોધ છે.