Mon Jul 27 2026

Logo

દિલ્હીથી સાન ફ્રાંસિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 8 કલાક હવામાં ચક્કર માર્યા બાદ પરત આવી, ખામી મળતા ખળભળાટ

2026-05-27 16:49:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ નવી દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાંસિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI173 માં ટેકનિકલ ખામી ઊભી થતા 8 કલાક સુધી હવામાં રહ્યા બાદ ગ્રાઉન્ડેડ થઈ છે. દિલ્હીથી ટેકઓફ થયા બાદ સતત આઠ કલાક સુધી આ ફ્લાઈટ હવામાં રહી હતી. આ પછી સુરક્ષાના કારણોસર ફ્લાઈટને ફરી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરાવી દેવામાં આવી હતી. આ વિમાન કુલ 230 પ્રવાસીઓ બેઠા હતા. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ સમગ્ર ઘટના અંગે પુષ્ટિ કરી છે. 

દિલ્હી પરત ફર્યું વિમાન
એર ઈન્ડિયાએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, દિલ્હીથી સાન ફ્રાંસિસ્કો જઈ રહેલી ફ્લાઈટ AI173માં ટેકનિકલ ખામી ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પછી દિલ્હીમાં લેન્ડ થવા માટે પાયલટે ફરી વાતચીત કરી હતી.સુરક્ષા નિયમ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ કર્યા બાદ પ્રવાસીઓને સુરક્ષિત સ્થાને લઈ જવાયા હતા.દિલ્હી એરપોર્ટ પર આ વિમાનમાં શું ટેકનિકલ ખામી છે એની તપાસ કરવામાં આવશે. એર ઈન્ડિયાએ પ્રવાસીઓને પડેલી મુશ્કેલીઓ બદલ ખેદ વ્યક્ત કર્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે આવું પહેલીવાર થયું નથી. 

ચીનથી વિમાન પરત ફર્યું
ગત માર્ચ મહિનામાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. 19 મી માર્ચે દિલ્હીથી વાનકુવર જઈ રહેલી એર ઈન્ડિયાની જ ફ્લાઈટ AI185 પણ આઠ કલાક સુધી હવામાં રહ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર ફરીવાર લેન્ડ થઈ ગઈ હતી. એ પછી ખ્યાલ આવ્યો હતો કે, ખોટા વિમાનને કેનેડાના વાનકુવર માટે રવાના કરી દેવામાં આવ્યું હતું. હકીકતમાં જે વિમાન નક્કી થયું હતું એના બદલે બીજી ફ્લાઈટમાં પેસેન્જર્સને બેસાડી દેવામાં આવ્યા હતા. આ વિમાન પાસે કેનેડાની એરસ્પેસમાં જવાની મંજૂરી પણ ન હતી. આ વિમાન ચીનથી પરત ફર્યું હતું. એ સમયે પણ એર ઈન્ડિયાની મોટી ભૂલ સામે આવી હતી. આ વખતે એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, અમારા માટે પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા છે. 

ફ્લાઈટ સિક્યોરિટીનો મોટો પ્રશ્ન
એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ ટીમ તમામ પ્રવાસીઓને પ્રાથમિક સુવિધાથી લઈને જરૂરી એવી સુવિધાઓ આપી રહી છે. હોટેલમાં રોકાવવાની અને બીજી ફ્લાઈટ શેડ્યુલ કરવાની પ્રક્રિયા સામેલ છે. આ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગવાની ઘટના પણ બની હતી. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ સિક્યોરિટીને લઇ ફરી એક મોટો પ્રશ્ન ચર્ચામાં છે. જેના કારણે પ્રવાસીઓને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.