Mon Aug 17 2026

Logo

PGમાં રહેતી યુવતી પર સિક્યુરિટી ગાર્ડે ગળે વાયર બાંધી આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપ્યો

2026-08-09 11:30:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ હવે અમદાવાદમાં રહેવું મહિલાઓ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં પણ ગુનેગારોમાં કોઈ ભય દેખાતો નથી. મહિલાઓ પોતાને સુરક્ષિત નહીં અનુભવે તો શહેર સુરક્ષિત કેવી રીતે કહેવાશે? અત્યારે અમદાવાદ શહેરના એક પોશ વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આનંદનગર વિસ્તારમાં  આવેલી પીજીમાં બની ઘટના

વિગતે વાત કરવામાં આવે અમદાવાદ શહેરમાં સિક્યુરિટી ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આનંદનગર વિસ્તારમાં આવેલી એક પીજીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે પહેલા યુવતીના ગળે વાયર બાંધ્યો અને પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે જાણ થતા પોલીસે કાર્યવાહી કરતા આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ કરીને લીધી છે. 

એક અઠવાડિયા પહેલા આવેલા સિકયુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ

ઘટનાની વાત કરવામાં આવે તો પીજીમાં રહેતી એક યુવતી ધાબા પર ચાલી રહી હતી. આ દરમિયાન સોસાયટીનો સિકયુરિટી ગાર્ડ પાછળથી આવ્યો અને યુવતીના ગળે વાયર બાંધી દીધો હતો. ત્યારે એક કલાક સુધી આ નારાધમીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે જ્યારે જાણ થઈ ત્યારે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસ શરૂ હતી. આજે વહેલી સવારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 

પહેલા યુવતી સાથે વાત કરી શારીરિક સંબંધ માટે માંગણી કરેલી

પહેલા આ નારાધમી સિકયુરિટી ગાર્ડે યુવતી સાથે વાત કરીને શારીરિક સંબંધ માટે માંગણી કરી હતી. આ દરમિયાન યુવતીઓ ચોખ્ખી ના પાડી દીધી હતી અને તેને સમજાવ્યો પણ હતો. પરંતુ આરોપી પર હવસ સવાર થઈ ગઈ હતી. જેથી તેણે યુવતી સાથે પરાણે દુષ્કર્મ આચર્યું હતું. મૂળ વાત એ છે કે, આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે , તે માત્ર 7 દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો અને અહીં નોકરી પણ લાગ્યો હતો. નોકરી લાગ્યાના સાત દિવસમાં જ તેણે આ દુષ્કર્મ આચર્યું હતું. યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ આરોપી ફરારા થઈ ગયો હતો. જો કે, પોલીસે સત્વરે કાર્યવાહી કરતા તેને ઝડપી પાજ્યો છે.