ઉત્સવ

ઓલ્યો સઈ ચોરે કપડું ને સોની ચોરે રતી, ગાંયજો બાપડો શું ચોરે? માથું છે ખાલી

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

દુહો – દુહા લોકપ્રિય સાહિત્ય પ્રકાર તરીકે જનમાનસમાં જાણીતો છે. ગુર્જર કથાગીતોમાં દુહાનું સ્થાન અલાયદું છે. દુહાની વિશિષ્ટતા એ છે કે, પ્રત્યેક દુહો કાવ્ય સ્વરૂપે હોય છે. ઘણી વાર એક દુહો સમજવા માટે બીજા દુહાની આવશ્યકતા નથી રહેતી. સંસ્કૃત સુભાષિત જેવો જ ઠાઠ લોકસાહિત્યમાં દુહાનો રહ્યો છે. કાઠિયાવાડી દુહા વિશે કહેવાય છે કે નહીં ગાણું નહીં ગીત, નહીં રાગ નહીં રાગણી. ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે તેમ, લોકવાર્તાઓમાં દુહા વચ્ચે વચ્ચે ટાંકવામાં આવે છે. એમ કરવાથી વાર્તા કે કથા પ્રસંગ રસમય અને સંવેદનાસભર બને છે. આજે મનુષ્યના અંગત અને સામાજિક જીવનને કાવ્યાત્મક શૈલીથી રજૂ કરતા કેટલાક ઉદાહરણ જોઈએ. ભવાન પટેલે ભેંસ લીધી ને મોટાં શિંગડે મોહ્યાં, બોઘરણું લઈને દોહવા બેઠા ને પોકે પોકે રોયા. ગામના શ્રેષ્ઠીને શ્રીમંતાઈનો બરો બહુ. ગજવું મોટું એટલે અક્ક્લ પણ લાંબી ચાલે એવી ગેરસમજમાં ઉછરેલા. ‘ભેંસ વેચવાની છે’ એવી હાકલ સાથે બહારગામથી કોઈની ગામમાં પધરામણી થઈ. ભવાન પટેલને થયું કે એક ભેંસ ખરીદી લઈએ જેથી ફાયદો થાય. ભેંસ પણ દેખાવે અલમસ્ત અને મોટા શિંગડાવાળી હતી. પટેલ એના પર મોહી પડ્યા અને ‘બહુ બધું દૂધ રોજ મળશે’ એવી ગણતરીએ વેચનારને મોં માગ્યા દામ આપી કોઈની સલાહ લીધા વિના ખરીદી લીધી. બીજે દિવસે સવારે લીલુંછમ નીરણ નાખ્યું અને થોડીવાર પછી હોંશે હોંશે બોઘરણું લઈ દૂધ દોહવા બેઠા. અચાનક કોઈ ગામવાસીની નજર પડી અને તેણે ભવાન પટેલની મશ્કરી કરતા કહ્યું કે એ ભલા માણસ, પાડો તે દૂધ દેતો હશે? પોતે સાવ છેતરાઈ ગયા એ પટેલને સમજાઈ ગયું અને પોક મૂકી એવું રોયા કે બોઘરણામાં દૂધ નહીં, પણ ભવાન પટેલની આંખોમાંથી ટપકેલા બોર બોર જેવા આંસુ ટપક્યા. વ્યવસાયલક્ષી ટીખળ – મશ્કરી પણ દુહામાં જોવા મળે છે. સઈ ચોરે કપડું ને સોની ચોરે રતી, ગાંયજો બાપડો શું ચોરે? માથું છે ખાલી. સઈ એટલે દરજી અને ગાંયજો એટલે વાળંદ. એવી માન્યતા છે કે દરજી અને સોની ધંધામાં થોડું આઘુંપાછું કરતા જ હોય. દોઢ મીટર કાપડની જરૂર હોય ને પોણા બે મીટર મગાવે અને ઉપરના પૈસા રળી લે. એવી જ રીતે ઘરેણાં ઘડવા માટે આપેલા સોનામાંથી સોની રતી ભાર (નજીવું માપ) સોનું સેરવી લે અને એમ કરી કમાણી વધારે. સઈ – સોની જેવી ઉસ્તાદી ગાંયજો એટલે કે વાળંદ ક્યાંથી કરે જ્યારે એની પાસે વાળ ઉતરાવવા આવેલી વ્યક્તિનું માથું બોડું (ટાલીયું – વાળ વિનાનું) હોય. તાત્પર્ય એટલું જ કે દરેકને સેરવી લેવાની તક નથી મળતી. મનુષ્ય જીવનમાં સુખ – દુ:ખની ઘટમાળ તો ચાલતી જ રહે છે. મોટાભાગના સુખમાં છકી જતા હોય છે અને અનેક લોકો દુ:ખમાં રોદણાં રડવા બેસી જતા હોય છે. તુલસીદાસજી સાફ શબ્દોમાં સમજાવે છે કે તુલસી પર ઘેર જાય કે દુ:ખ ન કહીએ રોઈ, માન ગુમાવે આપણો, બાંટ ન લેવે કોઈ. શુદ્ધ ગુજરાતીમાં આ જ વાત મનવા પર ઘર પહોંચી દુ:ખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ આપણું વહેંચી ન લેતું કોઈ રીતે જાણીતી છે. પારકે ઘરે જઈ પોતાની વ્યથા – વીતકકથા ઠાલવી આંસુ ન સારવા, કારણ કે એમ કરવાથી આબરૂના ધજાગરા થાય છે અને એ દુ:ખમાં કોઈ સહભાગી નથી થતું. મુસીબત માથે પડે ત્યારે સ્વસ્થ રહી, હસતા મોઢે એનો સામનો કરવાનો હોય અને અંગત – પોતાના લોકોની સલાહ મુસીબતમાં માર્ગ ચીંધનારી સાબિત થઈ શકે છે.

HEAT IS ON

હજી તો ચૈત્રની શરૂઆત છે (આજે સુદ છઠ) પણ વાતાવરણમાં વૈશાખનો બળબળતો તાપ નજરે પડે છે. તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે, The temperature is soaring high. Heat is a noun which signifies the physical condition. હિટ સંજ્ઞા છે જે ભૌતિક અવસ્થા દર્શાવે છે. The heat in summer is intense. ઉનાળામાં બહુ આકરો તાપ પડે. હિટ સંબંધિત ઘણા રૂઢિપ્રયોગ જોવા મળે છે. The Heat is on. If you say the heat is on, you mean that a time of great activity and/or pressure has begun. એકદમ સક્રિય થવાનો સમય આવી ગયો છે કે દબાણ વધી રહ્યું છે એ આ રૂઢિપ્રયોગનો અર્થ છે. He always performs well when the heat is on. મુશ્કેલ પરિસ્થિતિમાં એની કામગીરી હંમેશા સારી હોય છે. The heat of battle means the most extreme or exciting stage of an activity. કોઈ પણ પ્રવૃત્તિ કે મુકાબલાનો સૌથી રોમાંચક કે કસોટી કરતો સમય હિટ ઓફ ધ બેટલ તરીકે ઓળખાય છે. In the heat of battle, sometimes tempers fly. મુકાબલો રોમાંચક તબક્કે હોય એવે વખતે ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો હોય છે. If you say or do something in the HEAT OF THE MOMENT, you say or do it without thinking because you are very angry or excited. આવેશમાં કે આક્રોશમાં વગર વિચાર્યું બોલી જવાતું હોય છે કે ન કરવાનું કામ થઈ જતું હોય છે. In the heat of the moment, usually the language spoken is rough. આવેશમાં હોઈએ ત્યારે ઘણી વાર જીભ પર કાબૂ નથી રહેતો અને એલફેલ બોલાઈ જાય છે. હવે એક રસપ્રદ ઉદાહરણ જાણીએ. અંગ્રેજીમાં સમાન અક્ષર, પણ અલગ જ અર્થ ધરાવતા બે અલગ અલગ શબ્દ ANAGRAM તરીકે ઓળખાય છે. NOW and OWN are anagrams. નાઉ એટલે હવે, પણ ઓન એટલે માલિકીનું  હોવું. આ વ્યાખ્યા અનુસાર HATE is the anagram of HEAT. હેટ અને હિટ સરખા અક્ષરો ધરાવતા શબ્દો છે, પણ એના અર્થમાં અંતર છે. હિટ એટલે ગરમી, પણ હેટ એટલે ધિક્કારવું. When you HATE something, HEATED exchange is likely. તમે જ્યારે કોઈ બાબતને ધિક્કારતા હો ત્યારે બોલચાલમાં ગરમી (ગુસ્સો – આવેશ) વ્યક્ત થવાની સંભાવના ભારોભાર રહેલી છે.

माकडाची लाकडं आणि चुलीला साकडं

દરેક ભાષાની જે પણ કહેવતો કે રુઢિપ્રયોગો હોય છે એ ભાષાજ્ઞાન વધારી ગહન બાબત સરળતાથી સમજાવવાની ક્ષમતા ધરાવે છે. આ કહેવત કઈ રીતે અસ્તિત્વમાં આવી એની પાછળની કથા ક્યારેક હેરત પમાડનારી હોય છે. माकडाची लाकडं आणि चुलीला साकडं મરાઠી કહેવતમાં વાનર, લાકડા અને ચૂલો વચ્ચેનો રસપ્રદ સંબંધ દર્શાવાયો છે. ગાત્રો થીજાવી દે એવી ઠંડી હોય ત્યારે જંગલમાં વસતા વાનરો એક સ્થાને ભેગા થાય. આવનાર પ્રત્યેક વાનર પાસે એક એક લાકડું હોય. આ લાકડાં વર્તુળાકારે ગોઠવી તાપણું તૈયાર કરી બધા વાનરો ગોળાકારે બેસી માનવીની જેમ હાથ આગળ કરી શેક કરતા હોય છે. અલબત્ત એ વખતે તાપણું કંઈ સળગેલું નથી હોતું. શરીરમાં જાણે કે ગરમાવો આવી ગયો હોય એમ થોડી વાર પછી વાનર લાકડાં ત્યાં જ રહેવા દઈ એક પછી એક એ સ્થળેથી ચાલતી પકડે છે. જો કોઈ મનુષ્ય વાનરો મૂકી ગયેલા લાકડાં એકઠા કરી એને પેટાવવાની કોશિશ કરે તો એ સળગતા નથી. એના પર પેટ્રોલ કે ઘાસલેટ નાખ્યા પછી પણ એ અગ્નિ નથી પકડતા. જંગલના આદિવાસીઓ આ વાતથી વાકેફ હોવાથી એ આ લાકડાંને હાથ પણ નથી અડાડતા. એ લાકડાં જો સગડીમાં નાખવામાં અને તો પણ કોઈ ફાયદો નથી થતો. આખી વાત વાર્તા કે ગપ્પા જેવી લાગે, પણ મહારાષ્ટ્રના જાણીતા વન્ય જીવનના અભ્યાસુ મારુતિ ચિતમપલ્લીએ તેમના પુસ્તકમાં આ બાબતની નોંધ કરી છે. એના પરથી આ કહેવતનો જન્મ થયો છે.

गुजराती कहावत हिंदी में

ગુજરાતી કહેવતોના હિન્દી રૂપાંતરની આ સફર આગળ વધારી ભાષાજ્ઞાન વધારી સમજણનો વિસ્તાર પણ વ્યાપક બનાવીએ. નહીં બોલ્યામાં કે ન બોલ્યામાં નવ ગુણ હિન્દીમાં सब से भली चुप સ્વરૂપમાં નજરે પડે છે. બોલવું નહીં અને ચૂપ રહેવું સમાનાર્થી છે. આમ તો મોઢું સીવેલું રાખવું સારું લક્ષણ નથી ગણાતું પણ અમુક પ્રસંગે હોઠ બંધ રાખવા હિતાવહ હોય છે. તામિલનાડુની 14 વર્ષની વિનિશા જયશંકરે ‘ક્લાઈમેટ ચેન્જ’ જેવા વિષય પર જે ડહાપણભરી વાત કરી એ સાંભળી ‘નાના મોઢે મોટી વાત’ જેવી પ્રતિક્રિયા આવી હતી. આ કહેવત હિન્દીમાં इतनी सी जान गज भर की ज़ुबान સ્વરૂપ ધારણ કરે છે. ગજભર શબ્દ વાપરી જીભ લાંબી છે મતલબ કે ઘણું બોલે છે એવું દર્શાવવાનો પ્રયાસ છે. પેટમાં બિલાડા દોડતા હોય એવે સમયે ભાગ્યે જ કોઈનું ચિત્ત ઈશ્વર ભક્તિ કે સ્તુતિમાં ચોંટતું હોય છે. ભૂખ્યા પેટે ભજન ન થાય કહેવતમાં આ વાત સુપેરે પ્રગટ થાય છે. હિન્દી સ્વરૂપમાં તો આ વાત સીધી ઈશ્વરને સંબોધી કરવામાં આવે છે કે भूखे भजन न होई गोपाला, ले तेरी कंठी ले तेरी माला. હે ઈશ્વર, ભૂખ્યા પેટે ભજન નહીં થાય. રાખ તારી આ કંઠી અને માળા. (પેટપૂજા કરી લીધા પછી ભક્તિ થશે એ ભાવના અપ્રગટ છે). ભાવાર્થ જાળવી કહેવત અલગ અલગ ભાષામાં કેવા સ્વરૂપ ધારણ કરે છે એ જાણવા – સમજવા જેવું છે. પીડા ભોગવી હોય એ જ દરદ જાણે એ ભાવ ઘાયલની ગત ઘાયલ જાણે દ્વારા પ્રગટ થાય છે. હિન્દી ભાષામાં આ કહેવત जाके पाँव न कटी बिवाई, वो क्या जाने पीर पराई તરીકે પ્રગટ થાય છે. પગમાં વાઢિયાં પડ્યા હોય એને જ પીડાનો ખ્યાલ આવે એવી વાત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza