PM મોદી હાલારી પાઘડી પહેરીને સભાસ્થળે પહોંચ્યા
ભાજપથી નારાજ ક્ષત્રિયોને રિઝવવા મોદીનો માસ્ટરસ્ટ્રોક, જામસાહેબ સાથે કરી મુલાકાત
જામનગર: ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ ભાજપના પ્રચારની કમાન ખુદ સંભાળી છે. ગુજરાતમાં પીએમ મોદીનો આજે પ્રચારનો બીજો દિવસ છે. ગુજરાતમાં આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં સંબોધી હતી. જામનગરમાં સભાને સંબોધતાં પહેલાં પીએમ મોદીએ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. બાપુએ પીએમને પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું.
PM મોદી હાલારી પાઘડી પહેરીને સભા સ્થળે પહોંચ્યા હતા. જે બાદ પીએમએ કહ્યું કે, તમને બધાને એમ થયું હશે કે નરેન્દ્ર ભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા? હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. મારા પર તેમનો અનન્ય પ્રેમ રહ્યો છે. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કઈ બાકી જ ન રહે. જામ સાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ છે. ભુપેન્દ્ર ભાઈ પાઘડી પહેરાવતા હતા ત્યારે મે કહ્યું મેં પહેરેલી પાઘડી ઉતારાય તેમ નથી.
ભાજપથી નારાજ ક્ષત્રિય સમાજને રિઝવવા PM મોદીએ કહ્યું ‘મેં કહ્યું મારા ક્ષત્રિય સમાજના બલિદાન સાથે હું હર હંમેશ રહ્યો છું. મે કાર્યક્રમને વધાવ્યો પણ હતો. માન્યતા એવી હતી કે જે મુખ્યમંત્રી ભૂચરમોરી સ્થળની મુલાકાત લે તેમની મુખ્યમંત્રીની ખુરશી જતી રહેતી હતી. આ ઉપરાંત તેમણે જામનગરના મહાન રાજવી દિગ્વિજયસિંહને યાદ કર્યા હતા. મોદીએ કહ્યું હું આજે જામ સાહેબને મળીને આવ્યો તેઓ એ કહ્યું વિજયી ભવઃ કહ્યું હવે પૂરું.’
જામ સાહેબ સાથેની આ મુલાકાતથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે, પીએમ મોદીની જામનગરના રાજવી સાથેની આ મુલાકાત ઘણી સુચક મનાય છે. PM મોદીએ નારાજ ક્ષત્રિય સમાજને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. જો કે આ મુલાકાતથી ક્ષત્રિયો પર કેટલી અસર થાય છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.