આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગર્દુલ્લાઓની ટોળકીએ ઝેરી ઇન્જેકશન આપ્યા બાદ પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ

મુંબઈ: રેલવે ટ્રેક પર પોતાનો મોબાઇલ પાછો મેળવવા માટે સંઘર્ષ કરતી વખતે ચોર-ગર્દુલ્લાઓની ટોળકીએ ઝેરી ઇન્જેકશન આપતાં 30 વર્ષના પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું.

પોલીસ કોન્સ્ટેબલની ઓળખ વિશાલ પવાર તરીકે થઇ હોઇ તે થાણેનો રહેવાસી હતો અને મુંબઈ પોલીસના લોકલ આર્મ્સ વિભાગમાં કાર્યરત હતો. પવારને થાણેની હોસ્પિટલમાં સારવારાર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ત્રણ દિવસ બાદ 1 મેના રોજ તેનું મૃત્યુ થયું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે 28 એપ્રિલે રાતે 9.30 વાગ્યે આ ઘટના બની હતી. પવાર રાતે ડ્યૂટી પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો. એ સમયે પવાર સાદા કપડાંમાં હતો અને ટ્રેનમાં દરવાજા નજીક ઊભા રહીને મોબાઇલ પર વાત કરી રહ્યો હતો. ટ્રેન સાયન અને માટુંગા સ્ટેશન વચ્ચે ધીમી પડતાં ટ્રેક પર ઊભેલા અજાણ્યા શખસે પવારના હાથ પર ફટકો માર્યો હતો, જેને કારણે તેનો મોબાઇલ નીચે પડી ગયો હતો.

આપણ વાંચો: સિંહને પાંજરામાં ફસાવીને માર્યો’ મુખ્તાર અન્સારીના મોત પર યુપી પોલીસ કોન્સ્ટેબલનું વિવાદીત સ્ટેટસ,સસ્પેન્શનનો આદેશ જારી

પવારનો મોબાઇલ લઇને શખસ ટ્રેક પર ભાગવા લાગ્યો હતો. ટ્રેન ધીમી હોવાથી પવાર પણ નીચે ઊતર્યો હતો અને એ શખસનો પીછો કરવા લાગ્યો હતો. થોડા અંતરે પહોંચ્યા બાદ ગર્દુલ્લાઓની ટોળકીએ પવારને ઘેરી લીધો હતો અને તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી.

તેમણે પવાર સાથે ધક્કામુક્કી કરીને તેની મારપીટ કરવાની શરૂ કરી હતી. એ સમયે એક ગર્દુલ્લાએ પવારની પીઠ પર ઝેરી ઇન્જેકશન મારી દીધું હતું. તેમણે પવારના મોઢામાં લાલ રંગનું દ્રવ્ય રેડ્યું હતું. પવાર બાદમાં બેભાન થયો હતો અને બીજે દિવસે સવારે ભાનમાં આવ્યા બાદ પવાર જેમતેમ કરીને પોતાના ઘરે પહોંચ્યો હતો.

દરમિયાન પવારની તબિયત લથડતાં પરિવારજનોએ તેને થાણેની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. કોપરી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પવારનું નિવેદન નોંધ્યા બાદ અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ કેસ બાદમાં દાદર જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ પવારની તબિયત વધુ બગડી હતી અને બુધવારે તેનું મૃત્યુ થયું હતું. (પીટીઆઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…