બોલિંગમાં હોલ્ડર અને બૅટિંગમાં હોપ ઝળક્યોઃ નેપાળી બૅટ્સમૅન એઇરીની આક્રમક હાફ સેન્ચુરી પાણીમાં
મુંબઈઃ ટી-20 વર્લ્ડ કપમાં બે વખત ટાઇટલ જીતનાર વેસ્ટ ઇન્ડિઝ (WEST INDIES)ની ટીમ આ વખતની ટૂર્નામેન્ટના સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે, જ્યારે ટૂર્નામેન્ટની શરૂઆતમાં લડાયક રમત બતાવનાર, પરંતુ ઉપરાઉપરી ત્રણ મૅચ હારી જનાર નેપાળની ટીમ વિશ્વ કપની બહાર થઈ જનારી ઓમાન પછીની બીજી ટીમ બની છે.
વેસ્ટ ઇન્ડિઝે શાઇ હોપ (61 અણનમ, 44 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ના સુકાનમાં 134 રનનો લક્ષ્યાંક 15.2 ઓવરમાં માત્ર એક વિકેટના ભોગે મેળવી લીધો હતો. હોપની સાથે શિમરૉન હેટમાયર (46 અણનમ, 32 બૉલ, બે સિક્સર, ચાર ફોર) વચ્ચે 91 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. એ પહેલાં, ઓપનર બે્રન્ડન કિંગ (બાવીસ રન, 17 બૉલ, ચાર ફોર) સાથે હોપની 43 રનની પાર્ટનરશિપ થઈ હતી. નેપાળના છ બોલરમાંથી પેસ બોલર નંદન યાદવ એક વિકેટ લઈ શક્યો હતો.
PTI
ટાઇટલ જીતવા માટે હવે ભારત અને સાઉથ આફ્રિકા ઉપરાંત હવે વેસ્ટ ઇન્ડિઝ પણ મજબૂત દાવેદાર છે. કૅરિબિયન ટીમના પીઢ પેસ બોલર જેસન હોલ્ડરે 27 રનમાં ચાર વિકેટ લઈને નેપાળને 8/133 રન સુધી સીમિત રખાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. વેસ્ટ ઇન્ડિઝના અન્ય ચાર અકીલ હોસૈન, મૅથ્યૂ ફોર્ડે, શમાર જોસેફ અને રૉસ્ટન ચેઝને એક-એક વિકેટ મળી હતી. નેપાળના બૅટ્સમેનોમાં દીપેન્દ્રસિંહ એઇરી (58 રન, 47 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ને એક પણ સાથી બૅટ્સમૅનનો લાંબા સમય સુધી સાથ નહોતો મળ્યો.
આ મૅચની પ્રથમ ઓવરથી છેક મૅચના અંત સુધી કૅરિબિયનોએ નેપાળીઓ પર વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ચાર વિકેટ લેનાર જેસન હોલ્ડર (JASON HOLDER)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. વેસ્ટ ઇન્ડિઝ હવે સુપર-એઇટ રાઉન્ડમાં 23 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને પહેલી માર્ચની મૅચ રમશે અને એની હરીફ ટીમ હવે પછી નક્કી થશે.
PTI