કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયા છે. ચૂંટણી પંચની વેબસાઈટ પ્રમાણે, બપોરે 1.30 સુધીમાં 287 સીટ પૈકી ભાજપ 188, તૃણમુલ કોંગ્રેસ 94 સીટ તથા અન્ય 5 સીટ પર આગળ ચાલી રહ્યા છે. સ્ટ્રીટ ફાઈટરથી સત્તાના શિખરે પહોંચેલા મમતા બેનર્જીને હરાવવા લોઢાના ચણા ચાવવા સમાન હતું પરંતુ ભાજપે દીદીના ગઢના કાંગરા ખેરવીને સત્તા મેળવી છે.
18 વર્ષની છોકરીએ દેશનું રાજકારણ હચમચાવ્યું હતું
5 જાન્યુઆરી, 1955ના રોજ કોલકાતાના મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા મમતા બેનર્જીએ સ્ટુડન્ટ રાજનીતિથી જ ચર્ચામાં આવ્યા હતા. 20 જાન્યુઆરી,1975ના રોજ કટોકટી દરમિયાન 18 વર્ષની વયે મમતા જયપ્રકાશ નારાયણની કારના બોનેટ પર કૂદ્યા હતા. આ ઘટનાથી તેઓ દેશભરમાં ચમક્યા હતા. આ કારણે 1984માં કોંગ્રેસે તેમને સોમનાથ ચેટર્જી જેવા ધૂરંધર સામે મેદાનમાં ઉતાર્યા હતા. તેને હરાવીને જાયંટ કિલક બન્યા હતા. ત્યાંથી મમતાના આક્રમક સફરની શરૂઆત થઈ હતી. જેણે આગળ જઈને દેશના રાજકારણમાં હલચલ મચાવી હતી.
સસંદમાં જ્યોર્જ ફર્નાન્ડિસનો પકડયો કોલર
1984ની જીત બાદ મમતાએ પાછું વળીને જોયું નથી. વર્ષ 1998માં તેમના રાજકારણનો એ ચહેરો જોવા મળ્યો જેણે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો હતો. બંગાળમાં ડાબેરી હિંસા સામે અવાજ ઉઠાવતા મમતાએ સંસદની અંદર ટેબલ પર માનવ ખોપરીઓ અને હાડકાં વેરવિખેર કરી દીધા હતા. તેઓ જણાવવા માંગતા હતા કે બંગાળમાં ડાબેરી હિંસા કેટલી હદે ખતરનાક બની ગઈ છે. સત્તાને હચમચાવી દેનારી આ એક એવી 'શોક ટ્રીટમેન્ટ' હતી જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી.
આ જ સમયગાળા દરમિયાન, મહિલા અનામત બિલ પરની ચર્ચા વખતે તેમનો ગુસ્સો એટલો ફાટી નીકળ્યો કે તેમણે તત્કાલીન કેન્દ્રીય પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસની કોલર પકડી લીધો હતો. આ ઘટનાઓએ સ્પષ્ટ કરી દીધું કે મમતા એવા ફાઈટર છે જે પોતાની વાત મનાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
નેનો પ્લાન્ટના વિરોધમાં 26 દિવસના ઉપવાસ
પરંતુ મમતા બેનર્જીના 'અજેય કિલ્લા'નો પાયો વર્ષ 2006માં સિંગુર આંદોલન દરમિયાન નખાયો હતો. ટાટા નેનો પ્લાન્ટ માટે જમીન સંપાદનના વિરોધમાં મમતા કોલકાતાના રસ્તા પર સતત 26 દિવસ સુધી ભૂખ હડતાળ પર બેસી રહ્યા હતા. લથડતી તબિયત અને ડોક્ટરોની ચેતવણી છતાં તેઓ મક્કમ રહ્યા. તેમના આ અદમ્ય સાહસે 34 વર્ષ જૂના ડાબેરી શાસનના પાયા હચમચાવી દીધા અને 2011માં તેઓ પ્રથમ વખત બંગાળની સત્તાના શિખરે પહોંચ્યા.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મમતાની જે આક્રમકતા ક્યારેક તેમની તાકાત હતી, તે જ હવે તેમની સામે 'એન્ટી-ઈનકમ્બન્સી'નું કારણ બની ગઈ હતી. ભ્રષ્ટાચારના આરોપો, સંદેશખાલી જેવી ઘટનાઓ અને રોજગારના મુદ્દાઓએ તેમની એ 'રક્ષક' તરીકેની છબીને નુકસાન પહોંચાડ્યું હતું.
ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો બોજ
શિક્ષક ભરતી કૌભાંડ, પશુ તસ્કરી અને રાશન કૌભાંડ જેવા ગંભીર આરોપોથી પાર્ટીની છબી ખરડાઈ હતી. મોટા નેતાઓની ધરપકડ અને કરોડોની રોકડ મળવાથી જનતામાં ભ્રષ્ટાચાર પાયા સુધી ફેલાયેલો હોવાનો મેસેજ ગયો હતો.
સિન્ડિકેટ રાજ અને 'કટ મની'
બંગાળમાં સરકારી કામો અને મકાન બાંધકામમાં સ્થાનિક 'સિન્ડિકેટ'નો દબદબો વધ્યો હતો. ગરીબોની આવાસ યોજનાઓમાં 10 થી 25 ટકા 'કટ મની' (કમિશન) લેવાની પ્રથાથી સામાન્ય માણસનો ભરોસો ઉઠી ગયો હતો.