Mon Jun 01 2026

Logo

કચ્છના તુણા ટેકરા પર ₹472 કરોડના પ્રોજેક્ટને શિપિંગ મંત્રાલયે આપી  લીલી ઝંડી

2026-03-20 11:55:00
Author: MayurKumar Patel
Article Image

 

ભુજઃ પશ્ચિમ કાંઠાના મહાબંદર દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) હેઠળના તુણા ટેકરા ખાતે માળખાગત સુવિધાઓને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય શિપિંગ મંત્રાલય દ્વારા તુણા ટેકરા ખાતે રૂ.૪૭૨ કરોડના ખર્ચે અત્યાધુનિક રોડ ઓવરબ્રિજના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રકલ્પ આગામી સમયમાં પોર્ટ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષમતામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

પ્રાપ્ત વિગતો મુજબ, તુણા ટેકરા ખાતે હાલમાં ડીપી વર્લ્ડ દ્વારા મેગા કન્ટેનર ટર્મિનલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ ટર્મિનલની વાર્ષિક ક્ષમતા ૨.૧૯ મિલિયન ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ છે, જ્યારે તેની સાથે નિર્માણ પામી રહેલી મલ્ટિપર્પઝ કાર્ગો જેટીની ક્ષમતા ૧૮.૩૩ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ રહેવાની ધારણા છે. આ વિશાળ પ્રકલ્પને મજબૂત કનેક્ટિવિટી પૂરી પાડવા અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ રોડ ઓવરબ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

કેન્દ્રીય પ્રદાન સર્વાનંદ સોનોવાલે આ પ્રકલ્પ અંગે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું સામુદ્રી ક્ષેત્ર પરિવર્તનકારી તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ પરિયોજનાથી પોર્ટ આધારિત વિકાસ મજબૂત બનશે અને લોજિસ્ટિક ક્ષમતામાં નોંધપાત્ર સુધારો આવશે. હેવી ડ્યુટી પોર્ટ ટ્રાફિકનું સંચાલન સરળ બનશે અને રેલમાર્ગ તેમજ ટ્રાફિકજામના પડકારોનો કાયમી ઉકેલ આવશે, લોજિસ્ટિક 'ટન એરાઉન્ડ' સમયમાં ઘટાડો થવાથી બંદરના સંચાલનમાં અભૂતપૂર્વ ઝડપ આવશે તેમ આ પ્રકલ્પની મુખ્ય વિશેષતાઓ અને અસરો અંગે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું.

આ બ્રિજનું નિર્માણ ઈન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે, જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ રોડ ઓવરબ્રિજ પરિયોજના માત્ર સ્થાનિક વિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે 'મેરીટાઈમ ઇન્ડિયા વિઝન ૨૦૩૦' અને 'મેરીટાઇમ અમૃતકાલ વિઝન ૨૦૪૭' ના રોડમેપને અનુરૂપ છે. 

ઉલ્લેખનીય છે કે, મેગા કન્ટેનર ટર્મિનલનું ૪૫ ટકા નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને ટર્મિનલ કાર્યરત થાય તે પૂર્વે જ આ રોડ ઓવરબ્રિજ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ૧૦ વર્ષ સુધીની જાળવણીની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

આ પ્રકલ્પ પૂર્ણ થવાથી કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઔદ્યોગિક ગતિવિધિઓને નવું બળ મળશે અને ભારતની નિકાસ ક્ષમતામાં પણ વધારો થશે તેવો વિશ્વાસ કેન્દ્રીય પ્રધાને વ્યક્ત કર્યો હતો. 

(ઉત્સવ વૈદ્ય)