Mon Oct 05 2026

Logo

સુરતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી,  ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો 20.30  લાખનો જથ્થો જપ્ત

2026-09-15 18:25:19
Author: Chandrakant Kanoja
સુરતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી,  ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો 20.30  લાખનો જથ્થો જપ્ત

સુરત : ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત ભેળસેળયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ અંગે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ભેળસેળ યુક્ત ખાદ્ય તેલના ઉત્પાદન અને વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 

આ અંગે મળતી માહિતી મુજબ  ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ સુરત જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની સંયુક્ત ટીમે કામગીરી હાથ ધરી હતી. જેમાં માહિતી મુજબ કામરેજના નવાગામ જીઆઈડીસીમાં આવેલા નવકાર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ચાલતી એક ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો.નવાગામમાં કંપની 'શિવ ટ્રેડિંગ કંપની'ના નામે ચલાવવામાં આવતી હતી. 

બ્રાન્ડ વાળા સિંગતેલના સ્ટીકરોવાળા ટીનમાં પેક કરીને વેચતો 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જયેશ હિરપરા આ સ્થળેથી ભેળસેળ યુક્ત  સીંગતેલ અને અન્ય ખાદ્ય તેલના પેકેજિંગ અને વેચાણની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. 
આ તપાસ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સ્થળેથી સન પ્લસ, સૌરાષ્ટ્ર સિંગતેલ,પાલ સિંગતેલના સ્ટીકરોવાળા ટીનમાં પેક કરીને વેચવામાં આવતું હતું.

16.80  લાખ રૂપિયાની કિંમતનું  સોયાબીન તેલ જપ્ત 

આ દરોડા દરમિયાન  ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા જથ્થામાં અંદાજે 1.07 લાખ રૂપિયાની કિંમતનું 500  કિલો સીંગતેલ, 1.29  લાખ રૂપિયાની કિંમતનું 703  કિલો કપાસિયા તેલ, 1.14  લાખ રૂપિયાની કિંમતનું  540 કિલો સૂર્યમુખી તેલ અને 16.80  લાખ રૂપિયાની કિંમતનું 12,000  કિલો સોયાબીન તેલનો સમાવેશ થાય છે.

કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી

ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું હતું કે સ્થળ પરથી જપ્ત કરાયેલી તૈયાર પ્રોડક્ટ્સ અને સાધનોની કુલ કિંમત 20.30  લાખ રૂપિયા છે. અધિકારીઓએ જપ્ત કરાયેલા તેલની ગુણવત્તા  ચકાસવા માટે તેના નમૂના લીધા છે. આ કૌભાંડના સંદર્ભમાં જયેશ હિરપરા સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.