ટીના દોશી
નામ: સિસ્ટર નિવેદિતા
ઓળખ: સ્ત્રી શિક્ષણ
ટપાલ ટિકિટ બહાર પાડ્યાની તારીખ: 27.10.1968
ટિકિટનું મૂલ્ય: 20 પૈસા
માર્ગારેટ એલિઝાબેથ નોબેલ... આ નામ સાંભળ્યું છે?
જવાબમાં ના કહેતાં પહેલાં જાણી લેજો કે ભારતમાં ભગિની નિવેદિતા કે સિસ્ટર નિવેદિતા તરીકે જાણીતાં થયેલાં મહિલા એ જ માર્ગારેટ એલિઝાબેથ નોબેલ. સ્વામી વિવેકાનંદનાં પટ્ટશિષ્ય. ભારતીય સંસ્કૃતિનાં અનુરાગી અને સેવાભાવી પરદેશી મહિલા. શિક્ષણ ક્ષેત્રે અત્યંત મહત્ત્વનું કામ કરેલું એમણે.
આયર્લેન્ડમાં 28 ઑક્ટોબર 1867ના જન્મ. મૃત્યુ 13 ઑક્ટોબર 1911ના દાર્જિલિંગમાં. મૂળ નામ માર્ગરેટ નોબેલ. માતાનું નામ મેરી અને પિતાનું નામ સેમ્યુઅલ ઇચમન્ડ નોબેલ. પિતા ખ્રિસ્તી ધર્મગુરુ, માર્ગરેટને વક્તૃત્વ અને સેવાની ભાવના પિતા પાસેથી વારસામાં મળેલાં. 1884માં તેમણે કૉલેજની છેલ્લી પરીક્ષા પસાર કરીને કેસ્વિક શહેરની એક નિશાળમાં સ્વેચ્છાએ શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. 1886માં રેક્સહામની શાળામાં શિક્ષિકાનું કામ સ્વીકાર્યું.
ગૌતમ બુદ્ધના જીવનચરિત્રની તેમના માનસ પર ઊંડી અસર થઈ. એવામાં 1895માં સ્વામી વિવેકાનંદ લંડન ગયા. તે સમયે નિવેદિતા સ્વામીજીને મળવા અને સાંભળવા ગયાં. વિવેકાનંદનાં વ્યક્તિત્વ અને વ્યાખ્યાનની ઊંડી છાપ તેમના મન પર પડી. 1896માં સ્વામીજીએ હિંદુ ધર્મના વર્ગો શરૂ કર્યા તેમાં તેઓ જોડાયાં. વેદાંતના સાર્વત્રિક સિદ્ધાંતો અને વિવેકાનંદના માનવતાવાદી ઉપદેશો પ્રત્યે આકર્ષાયાં.
1896માં ઇંગ્લૅન્ડ છોડતાં પહેલાં તેમને પોતાના ગુરુ તરીકે સ્વીકારીને, તેમણે 1898માં ભારત ગયા ત્યાં સુધી ઇંગ્લૅન્ડમાં વેદાંત ચળવળ માટે માર્ગારેટે કામ કર્યું . હિન્દુ ધર્મ વિશે તેમણે ઇંગ્લૅન્ડમાં જ ખૂબ જ્ઞાન મેળવ્યું. તે ખૂબ જ પ્રશ્ર્નો કરતાં ને ચર્ચામાં ઊતરતાં. વિવેકાનંદે આ સ્ત્રીમાં રહેલું ‘હીર’ પારખ્યું. સ્વામી વિવેકાનંદે ઇંગ્લૅન્ડમાં રહીને જ સેવા કરવાનું કામ તેમને સોંપ્યું. જ્યારે તેમની ખૂબ આતુરતા વધી ત્યારે ભારત આવવાની અનુમતિ આપી.
1898ના જાન્યુઆરીની 28મી તારીખે મુખ્યત્વે વિવેકાનંદને મહિલાઓને શિક્ષિત કરવાની તેમની યોજનાઓને સાકાર કરવામાં મદદ કરવા માટે માર્ગારેટ ભારત આવ્યાં. સૌપ્રથમ તેમણે સ્વામીજી સાથે ભારતમાં ઉત્તરનાં સ્થાનો અલમોડા, અમરનાથ, શ્રીનગર કાશ્મીરનો પ્રવાસ કર્યો. ભારતનાં ધર્મ, ઇતિહાસ, રીતરિવાજો, સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી. કોલકાતાના બેલૂરના એક મકાનમાં રહેવાનું શરૂ કર્યું.
પ્રવાસમાંથી પાછાં ફર્યા બાદ કોલકાતા બોઝપરા વિસ્તારમાં કન્યાઓ માટે 1898ના નવેમ્બરની 14મી તારીખે પ્રાથમિક શાળા શરૂ કરી. ત્યાં તેમણે ભારતીય પરંપરાઓને પશ્ચિમી વિચારો સાથે મિશ્રિત કરવાનો પ્રયાસ કર્યો. આ શાળાનું નામ ‘ભગિની નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’ રાખવામાં આવ્યું. દીન-હીન સ્થિતિમાં સબડતી ભારતની સ્ત્રીઓ અને બાલિકાઓનાં શિક્ષણ અને ઉત્કર્ષ માટે તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી, પ્રેમ, નિષ્ઠા અને આત્મસમર્પણથી આ શાળાનો વિસ્તાર માત્ર બાલિકાઓ પૂરતો સીમિત ન રહ્યો.
બાલવિધવાઓ, ત્યક્તાઓ, મોટી ઉંમરની સ્ત્રીઓ પણ આશ્વાસન, સહાય અને જ્ઞાન મેળવવા આવતી. એમાંથી જ ‘બહેનોના ઘર’ની યોજના જન્મ પામી. અહીં શિક્ષણ, ચિત્રકામ, સીવણવર્ગ ચાલતા અને વિધવાઓનું જીવન પ્રવૃત્તિમય રહે, આવક વધે, જ્ઞાન મળે એવી યોજનાઓ થતી રહેતી. શાળાની આર્થિક મુશ્કેલીમાં યુરોપ-અમેરિકાના પ્રવાસે જઈ ફંડ પણ એકઠું કર્યું.
જુદી-જુદી સંસ્થાઓના આશ્રયે તેમણે જુદા જુદા વિષયો પર ભાષણો આપ્યાં. એમાં આલ્બર્ટ હૉલમાં અપાયેલું ‘કાલી’ વિશેનું અને કાલિઘાટ મંદિરમાં અપાયેલું ‘કાલીપૂજા’ વિશેનું ભાષણ નોંધપાત્ર છે. તેમણે લખેલું પુસ્તક ‘કાલી ધ મધર’ નોંધપાત્ર છે. 25મી માર્ચ 1898ના શુક્રવારે હિંદુ ધર્મની દીક્ષા લીધી અને ‘નિવેદિતા’ નામ ધારણ કર્યું. નિવેદિતા એટલે સમર્પિત.
કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે તે અવિરત શ્રમ કરી સતત ગરીબોની વસ્તીમાં ફરતાં રહ્યાં. પૂર્વ બંગાળમાં રેલ અને દુકાળનું સંકટ આવી પડ્યું ત્યારે ડૉક્ટરની સલાહને અવગણીને પણ સેવાકાર્ય સતત ચાલુ રાખ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે ઝંપલાવ્યું ને સમગ્ર ભારતમાં ફર્યાં, વ્યાખ્યાનો આપ્યાં. બંગભંગની લડતમાં અને સ્વદેશીની ચળવળમાં પોતાની તમામ શક્તિથી જોડાયાં અને જાગૃતિ લાવવાના સતત પ્રયાસો કર્યા. પોતે સદા સ્વદેશી વસ્તુઓ જ વાપરતાં. અરવિંદ ઘોષ, ગોપાળ કૃષ્ણ ગોખલે, રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, જગદીશચંદ્ર બોઝ વગેરે સાથે તેમને ઘણા સારા સંબંધો હતા.
દરમિયાન, 1902માં વિવેકાનંદના મૃત્યુ પછી નિવેદિતાએ ભારતની રાજકીય મુક્તિ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે 1905માં બંગાળના ભાગલાનો સખત વિરોધ કર્યો. સ્વદેશી ચળવળને ટેકો આપ્યો. આયાતી બ્રિટિશ વસ્તુઓનો બહિષ્કાર કરવા અને સ્થાનિક રીતે ઉત્પાદિત હાથથી બનાવેલી વસ્તુઓને પ્રોત્સાહિત કરવાની હાકલ કરવામાં આવી. તેમણે ભારત અને વિદેશમાં પ્રવચનો આપવાનું ચાલુ રાખ્યું. ભારતીય કળા અને ભારતીય મહિલાઓના શિક્ષણને પ્રોત્સાહન આપ્યું.
જીવનનાં છેલ્લાં ત્રણ વર્ષ તેમણે ઇંગ્લૅન્ડ-અમેરિકામાં ગાળ્યાં. 1911માં ભારત પાછાં આવ્યાં. તેમનું 13 ઑક્ટોબર 1911ના રોજ દાર્જિલિંગમાં અવસાન થયું. આજે તેમનું સ્મારક રેલવે સ્ટેશનની નીચે વિક્ટોરિયા ધોધ દાર્જિલિંગના માર્ગ પર સ્થિત છે.
તેમના શિલાલેખ પર લખ્યું છે : અહીં સિસ્ટર નિવેદિતા છે જેમણે પોતાનું સર્વસ્વ ભારતને આપી દીધું. સ્વામી વિવેકાનંદે સિસ્ટર નિવેદિતાને એક કવિતા લખેલી, જેનું શીર્ષક હતું : સિસ્ટર નિવેદિતાને આશીર્વાદ. કવિ રવીન્દ્રનાથ ટાગોરે તેમના મૃત્યુ પછી તેમને લોકમાતાનું બિરુદ આપ્યું.
સિસ્ટર નિવેદિતાનું અવસાન થયું, પણ તેમનો પ્રભાવ ઓસર્યો નહીં. તેમની યાદમાં સ્મારકો ને સ્મૃતિચિહ્નો ખડાં કરવામાં આવ્યાં. 2010માં કોલકાતાના સૉલ્ટ લેક સિટીમાં પશ્ર્ચિમ બંગાળ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યુકેશનના બોર્ડનું નામ સિસ્ટર નિવેદિતાના નામ પરથી રાખવામાં આવ્યું. તમિળનાડુના ચેન્નાઈમાં તેમની સ્મૃતિને સમર્પિત સંસ્થા, સિસ્ટર નિવેદિતા ઍકૅડેમીની સ્થાપના કરવામાં આવી છે. ઘણી શાળાઓ અને કૉલેજોનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.
દક્ષિણેશ્ર્વર, કોલકાતા નજીક નિવેદિતા પૂલનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે. 2015માં કોલકાતાના અલીપુરના હેસ્ટિંગ્સ હાઉસ ખાતે એક નવી સરકારી ડિગ્રી કૉલેજનું નામ સિસ્ટર નિવેદિતાના નામ પરથી રાખવામાં આવ્યું. 2018માં કોલકાતા ખાતે બારાનાગોર રામકૃષ્ણ મિશન આશ્રમ હાઈ સ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શાળાના મકાનનું નામ સિસ્ટર નિવેદિતાના નામ પરથી ‘નિવેદિતા ભવન’ રાખવામાં આવ્યું... તેમના યોગદાનને કારણે જ ભારત સરકારે તેઓ વિદેશી મૂળના હોવા છતાં તેમના નામે ટપાલ ટિકિટ બહાર પાડેલી. વિદેશી મહિલાના નામે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હોય એવી બીજી મહિલા હતાં ભગિની નિવેદિતા!