Wed Aug 19 2026

Logo

પતિને મારીને પત્નીએ ફ્લૅટની બાલ્કનીમાં જ 'કબર' બનાવી, પણ...

2026-08-07 22:34:00
Author: Yogesh C. Patel
Article Image

AI Generated Images


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પુણેમાં બનેલી આંચકાજનક ઘટનામાં પતિને પતાવી નાખ્યા પછી ફ્લૅટની બાલ્કનીમાં જ તેની કબર બનાવવાની યોજના પત્નીએ બનાવી હતી. આ માટે તેણે ત્રણ દિવસ સુધી પતિને ઊંઘની દવા પિવડાવ્યા પછી તેના માથે બૅટ ફટકારી હતી. પછી પતિ મૃત્યુ પામ્યો હોવાનું માની તેને દાટવા માટે બાલ્કનીમાં ચણતર પણ કરાવ્યું, પરંતુ અચાનક ભાનમાં આવેલા પતિને કારણે પત્નીએ લૉકઅપભેગા થવું પડ્યું હતું.

બારામતી સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર શ્રીશૈલ ચિવડશેટ્ટીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ઘટના 30 જુલાઈની રાતે 11.30 વાગ્યાથી પહેલી ઑગસ્ટની સવાર દરમિયાન બની હતી. આ પ્રકરણે મહિલાના સસરાએ બુધવારે ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસ બાદ ફરિયાદીની પુત્રવધૂની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બારામતીના જામદાર રોડ પર આવેલી ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતો પ્રવીણ જગતાપ (41) પત્નીને અતિશય ત્રાસ આપતો હતો. મોબાઈલ, ભોજન સહિતના વિવિધ કારણોસર પત્ની સાથે ઝઘડા કરીને તેની મારઝૂડ પણ કરતો હતો. દરેક વાતે ટોક્યા કરતા પતિથી કંટાળીને પત્નીએ છુટકારો મેળવવાનો વિચાર કર્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર બી. ફાર્મસીનું ભણેલી પત્ની છેલ્લા ત્રણેક દિવસથી પતિ પ્રવીણને ઊંઘની દવા આપતી હતી, જેની જાણ પ્રવીણને નહોતી. તે સતત ઘેનમાં રહેતો હતો. પછી પત્નીએ પ્રવીણના માથા પર ક્રિકેટ બૅટ ફટકારી હતી.

કહેવાય છે કે પતિ મૃત્યુ પામ્યો હોવાનું માની પત્નીએ કડિયાઓને બોલાવી હૉલની બહારની બાલ્કનીમાં ઈંટથી ચણતર કરવાનું કામ સોંપ્યું હતું. પાણીની ટાંકી મૂકવા માટે લંબચોરસ કબર જેવું બાંધકામ કરાવ્યું હોવાનું પત્નીએ મજૂરોને કહ્યું હતું. પછી બીજે દિવસે એ બાંધકામને ઢાંકવા મોટો કડપ્પો ગોઠવવાનો હતો. 

બીજે દિવસે કડિયા આવે તે પહેલાં ઈંટના બાંધકામમાં પતિને સુવડાવી દેવાયો હતો. પછી તેના પર ગાદી-ચાદર-તકિયા જેવી જૂની વસ્તુઓ, વાસણો અને ઘાસ નાખવામાં આવ્યું હતું, જેથી નીચે પ્રવીણ હોવાની કોઈને જાણ ન થાય. જોકે બીજે દિવસે મજૂરો કડપ્પો ગોઠવી રહ્યા હતા ત્યારે અચાનક ગાદી-ચાદર નીચે હલનચલન થતું નજરે પડ્યું હતું. બધો સામાન હટાવવામાં આવતાં પ્રવીણ નજરે પડ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે પ્રવીણને સામાન નીચે દાટવામાં આવ્યો હોવાની જાણ મજૂરોને નહોતી. ભાનમાં આવેલા પ્રવીણનો હાથ હલવાને કારણે તેમને આ અંગે જાણ થઈ હતી. ડરી ગયેલા મજૂરો ત્યાંથી જતા રહ્યા હતા. પ્રવીણ સાથે પરિવારજનોએ ચર્ચા પછી તેના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. અત્યારે પ્રવીણ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.