(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈના રબાળે એમઆઈડીસી પરિસરમાં આવેલી એક કંપનીમાં રવિવારે સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.
નવી મુંબઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ રબાળેમાં એમઆઈડીસીમાં ભીમ નગર પરિસરમાં ભૂષણ હૉટલ પાછળ સ્પંજ બનાવતી કંપની આવેલી છે. વહેલી સવારના લગભગ સાત વાગ્યાની આસપાસ અહીં ફેકટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા રબાળે એમઆઈડીસી, કોપરખૈરાણે અને ઐરોલીથી ફાયરબિગ્રેડની સાતથી આઠ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી આગને નિયંત્રણમાં લાવવામાં ફાયરબ્રિગ્રેડને નાકે દમ આવી ગયો હતો.
ફાયરબ્રિગ્રેડના અધિકારીના જણાવ્યા મુજબ કંપનીમાં ગાદી માટે સ્પંજ બનાવવાનું કામ કરવામાં આવતું હતું. તેથી કંપનીમાં પૉલીયુરેથેન ફોમ સહિત અન્ય જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેથી આગે થોડી મિનિટોમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભીષણ આગને પગલે નીકળતા કાળા ધુમાડા દૂરથી પણ દેખાતા હતા. રવિવારની રજા હોવાથી ફેકટરીમ્ાાં કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
આગને મોડેથી નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી, પણ કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. સદ્નસીબે આગની દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું, પણ કંપનીમાં રહેલાં સાધનો અને રો-મટીરિયલને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતુું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.
રબાળે એમઆઈડીસીએ થાણે-બેલાપુર ઈન્ડસ્ટ્રિયલ પટ્ટામાં મહત્ત્વનો ઔદ્યોગિક વિસ્તાર છે. આ પરિસરમાં મોટા પ્રમાણમાં મેન્યુફેકચરિંગના કારખાના તેમ જ કેમિકલ સહિત વિવિધ વ્યવસાયિક કંપનીઓ આવેલી છે.