મુંબઈ/નાંદેડઃ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં દુષ્કાળ અને પાકના નુકસાનની સમીક્ષા બેઠકનો એક વીડિયો વાયરલ થયા પછી નવો વિવાદ થયો છે. વીડિયોમાં બેઠક દરમિયાન કેટલાક સાંસદો, ધારાસભ્યો અને અધિકારીઓ કાજુ-બદામ ખાતા જોવા મળ્યા હતા, જે મુદ્દો વિવાદમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ ગંભીર સવાલો ચલાવ્યા છે.
આ મામલે ભાજપના નેતા રાવસાહેબ દાનવેએ નેતાઓ અને અધિકારીઓનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે બેઠક કે પ્રવાસ દરમિયાન કોઈને ખાવા-પીવાની વસ્તુ આપવામાં આવે તો તેના આધારે માત્ર નેતાઓને જવાબદાર ઠેરવી શકાય નહીં. તેમના જણાવ્યા અનુસાર, કોઈ નેતા કોઈના ઘરે જાય ત્યારે લોકો ચા-નાસ્તો કે ભોજન આપે છે અને ત્યાર બાદ તેનો ફોટો લઈને મુદ્દો બનાવવામાં આવે છે.
દરમિયાન, નાંદેડના દાભડ ગામના ખેડૂત આત્મારામ ટેકાળેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ સૂકાઈ ગયેલા સોયાબીનના છોડ બતાવીને પોતાની સમસ્યા રજૂ કરતા જોવા મળે છે. ખેડૂત આત્મારામ ટેકાળેએ સરકારને પડકાર આપતા કહ્યું હતું કે તેના દોઢ એકર ખેતરમાંથી એક કિલો સોયાબીનનું ઉત્પાદન કરીને બતાવે, ત્યારબાદ તેઓ ફાળો એકત્ર કરીને તેમને એક ક્વિન્ટલ કાજુ-બદામ આપશે.
ખેડૂતે અધિકારીઓના વારંવાર થતા પ્રવાસ અને સમીક્ષા બેઠકોની અસરકારકતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ખેડૂતો મહિનાઓ સુધી મહેનત કરીને પાક તૈયાર કરે છે, પરંતુ મહત્વના સમયે વરસાદની અછતને કારણે પાક સુકાઈ જાય છે. એક તરફ ખેડૂતો પાકના નુકસાનને કારણે મુશ્કેલીમાં છે, જ્યારે બીજી તરફ દુષ્કાળની સમીક્ષા બેઠકમાં નેતાઓ ડ્રાયફ્રૂટ્સ ખાતા જોવા મળતા હોવાના વીડિયોને લઈને હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે.