Fri May 01 2026

Logo

શો-શરાબાઃ ક્રિટિક્સ વર્સેસ ઓડિયન્સ: આખરી જજ કોણ?

2026-05-01 09:41:00
Author: Divyakant Pandya
Article Image

દિવ્યકાંત પંડ્યા

‘માઇકલ’ ફિલ્મને લઈને હાલ જે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે તે ફરી એકવાર બતાવે છે કે સિનેમા હંમેશાં બે અલગ દુનિયામાં જીવતું આવ્યું છે એક ક્રિટિક્સની દુનિયા અને બીજું ઓડિયન્સનું જગત ... આ બંને વચ્ચે મતભેદ તો હંમેશાં રહ્યા છે, પરંતુ આ વખતે જે ગેપ અંતર જોવા મળે છે તે થોડો વધારે સ્પષ્ટ અને તીવ્ર લાગે છે. 

‘માઇકલ’ રિલીઝ થતાં જ જબરદસ્ત બોક્સ ઓફિસ કમાણી કરી રહી છે. શરૂઆતના જ દિવસોમાં તે વિશ્વભરમાં 200 મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી ગઈ, પરંતુ બીજી બાજુ ક્રિટિક્સે તેને ખાસ પસંદ નથી કરી, જ્યાં તેનો ‘રોટન ટોમેટોઝ’ પર ક્રિટિક્સ સ્કોર આશરે 35 થી 40 ટકા વચ્ચે છે. ત્યાં જ ઓડિયન્સ સ્કોર 96 થી 97 ટકા સુધી પહોંચી ગયો છે. આ માત્ર નાનો મતભેદ નથી, પરંતુ એ બતાવે છે કે એક જ ફિલ્મને લોકો અને ક્રિટિક્સ કેટલી અલગ રીતે જુએ છે.

(બાય ધ વે, ‘રોટન ટોમેટોઝ રિવ્યૂ’ કે ‘ટોમેટોમીટર’ સ્કોર એટલે વ્યાવસાયિક વિવેચકોની સમીક્ષાઓની ટકાવારી.. ) 

‘માઇકલ’ના કેસમાં ખાસ વાત એ છે કે બંને પક્ષ ખોટા નથી. તે બસ અલગ રીતે ફિલ્મને જોઈ રહ્યા છે. ઘણા ક્રિટિક્સ કહે છે કે ફિલ્મમાં માઇકલ જેક્સનની જિંદગીના કોન્ટ્રોવર્શિયલ અને ડાર્ક પાસાઓને અવગણવામાં આવ્યા છે અને તેને ખૂબ સેફ રાખવામાં આવી છે. તેમના માટે આ ફિલ્મ એક બાયોપિક છે, જેમાં સચ્ચાઈ અને ડેપ્થ હોવી જોઈએ. જ્યારે ઓડિયન્સ માટે આ ફિલ્મ એક સેલિબ્રેશન છે. તેમના માટે સંગીત, નોસ્ટેલ્જિયા અને તે ભાવ કે તે બધા ફરી એકવાર પોતાના ફેવરિટ આઇકનને અનુભવી રહ્યા છે, તે વધુ મહત્ત્વનું છે એટલે જ જ્યાં ક્રિટિક્સ સ્ટોરી અને પ્રામાણિકતા પર ફોકસ કરે છે, ત્યાં ઓડિયન્સ અનુભવ અને ઇમોશન પર રિએક્ટ કરે છે હાઈએસ્ટ બાયોપિક ગ્રોસર બનાવી દે છે.

આવો ગેપ નવો નથી. હોલિવૂડમાં ઘણા સમયથી એ જોવા મળે છે. ઉદાહરણ તરીકે ‘બોહેમિયન રેપ્સોડી’ જેવી ફિલ્મને લો.

ક્રિટિક્સે તેને મિક્સ રિવ્યૂ આપ્યા હતા અને કહ્યું હતું કે ફિલ્મ બહુ ફોર્મ્યુલા જેવી છે અને તેમાં ઘણા ફેક્ટ આધારિત ફેરફારો છે. આમ છતાં ઓડિયન્સે તેને દિલથી સ્વીકારી અને ફિલ્મે લગભગ 900 મિલિયન ડૉલર કમાણી કરી.

આ જ પેટર્ન અન્ય ફિલ્મ્સમાં પણ જોવા મળે છે. ‘જોકર’ ફિલ્મે ઘણા ક્રિટિક્સને ડિવાઇડ કર્યા, કેટલાકે તેને ‘બોલ્ડ’ ગણાવી. તો કેટલાકે તેને ‘પ્રોબ્લેમેટિક’ કહી, પરંતુ ઓડિયન્સ સાથે તેનું કનેક્શન એટલું મજબૂત રહ્યું કે ફિલ્મે એક બિલિયન ડૉલરથી વધુ કમાણી કરી. બીજી બાજુ ‘બ્લેડ રનર 2049’ જેવી ફિલ્મ ક્રિટિક્સને ખૂબ ગમી, પરંતુ સામાન્ય ઓડિયન્સને એટલી ખેંચી શકી નહીં. આથી સ્પષ્ટ થાય છે કે ક્રિટિકલ પ્રશંસા અને ઓડિયન્સ એંગેજમેન્ટ બે અલગ બાબત છે.

આપણે ત્યાં-ઇન્ડિયામાં આ ગેપ વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. કારણ કે અહીં સિનેમા સાથે લોકોનો સંબંધ થોડો અલગ છે. અહીં સ્ટાર પાવર, ઇમોશન અને મસાલો ખૂબ મહત્ત્વ ધરાવે છે. ‘કબીર સિંહ’ જેવી ફિલ્મને લો. ક્રિટિક્સે તેની ભારે ટીકા કરી, કારણ કે તેમાં ઘણા પ્રોબ્લેમેટિક એલિમેન્ટ્સ હતા, છતાં તે બ્લોકબસ્ટર બની. 

‘ગદર: એક પ્રેમ કથા’ અને તેની સિક્વલ ‘ગદર 2’ને પણ ક્રિટિક્સે ઓવર ધ ટોપ ગણાવી, પરંતુ ઓડિયન્સે તેને ઐતિહાસિક સફળતા આપી. તાજેતરમાં ‘એનિમલ’ ફિલ્મ પણ આવી જ ચર્ચામાં રહી. ઘણા ક્રિટિક્સે તેને મોરલી-નૈતિકતાના ધોરણે પ્રશ્નાસ્પદ ગણાવી, પરંતુ ઓડિયન્સે તેને સારો રીતે વધાવી પરિણામે ફિલ્મે જબરદસ્ત કમાણી કરી. બીજી બાજુ ‘તમાશા’ અને ‘સ્વદેશ’ જેવી ફિલ્મ્સને ક્રિટિક્સે વખાણી પણ શરૂઆતમાં ઓડિયન્સનો મોટો સપોર્ટ ન મળ્યો. જોકે સમય જતાં તે કલ્ટ બની ગઈ. આ બધું બતાવે છે કે લોકો હંમેશાં ક્રિટિક્સ જે કહે છે તે જ શોધતા નથી.

આ ગેપ કેમ બને છે તેનું મુખ્ય કારણ છે એક્સપેક્ટેશન- અપેક્ષા... ક્રિટિક્સ ફિલ્મને એક આર્ટ ફોર્મ તરીકે જુએ છે. તેમના માટે સ્ટોરી, થિમ અને મેસેજ મહત્ત્વના હોય છે. જ્યારે ઓડિયન્સ માટે ફિલ્મ એક અનુભવ છે. તેમના માટે મજા, ઇમોશન, કનેક્શન અને નોસ્ટેલ્જિયા વધુ મહત્ત્વના છે. ‘માઇકલ’ના કેસમાં પણ આ જ થયું છે. લોકો ફિલ્મ જોવા જાય છે, કારણ કે તે બધા ફરી એકવાર માઇકલ જેક્સનનો જાદુ અનુભવવા માગે છે અને ફિલ્મ તેમને એ અનુભવ આપે છે.

આ ઉપરાંત આજના સમયમાં ઓડિયન્સ વધુ ગ્લોબલ અને અવાજદાર બની ગઈ છે. સોશ્યલ મીડિયા પર લોકો પોતાનો મત તરત જ શેર કરે છે. લોકો પોતાના ફેવરિટ સ્ટાર અથવા આઇકન સાથે ઇમોશનલ રીતે જોડાયેલા હોય છે. જ્યારે ક્રિટિક્સ તેની ટીકા કરે છે ત્યારે ઘણા લોકો તેને વ્યક્તિગત રીતે લે છે. ભારતમાં તો ફેન કલ્ચર ખૂબ મજબૂત છે. લોકો પોતાના સ્ટારને સપોર્ટ કરે છે ભલે ફિલ્મ કેવી પણ હોય. હોલિવૂડમાં પણ ‘વેનમ’ જેવી ફિલ્મ્સ આ કારણે સફળ થાય છે, કારણ કે તે ફેન્સને જે જોઈએ છે તે આપે છે.

જોકે આનો અર્થ એ નથી કે ક્રિટિક્સ બિનજરૂરી થઈ ગયા છે. તેમનું કામ આજે પણ મહત્ત્વનું છે. તે ફિલ્મમેકર્સને વધુ સારી અને હિંમતભરી ફિલ્મ્સ બનાવવા માટે પ્રેરણા આપે છે. જો માત્ર ઓડિયન્સની પસંદગી પર બધું ચાલે તો કદાચ સિનેમા વધુ સેફ અને ફોર્મ્યુલાયુકત બની જાય. તેથી બંને વચ્ચેનું સંતુલન જરૂરી છે.

લાસ્ટ શોટ
હું ફિલ્મ્સ ક્રિટિક્સ માટે બનાવતો નથી, હું ઓડિયન્સ માટે બનાવું છું. -  કવેન્ટીન ટેરેન્ટિનો