હેન્રી શાસ્ત્રી
વિષમ વાતાવરણમાં રોજના 12થી 16 કલાક કામ કરતા શ્રમિકો બહેતર પરિસ્થિતિમાં આઠ કલાક કામ કરે એ આશય સાથે યુએસના શિકાગો શહેરમાં પહેલી મે, 1886માં કામદારો હડતાળ પર ઉતર્યા હતા. એ કોશિશને પગલે યુએસમાં 1890થી પહેલી મે ‘લેબર ડે’ તરીકે ઉજવાય છે. આપણા દેશમાં કામદારોના હક અંગે જાગૃતિ ફેલાવવા લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાન દ્વારા મદ્રાસ (ચેન્નઈ)માં 1923ની પહેલી મેથી શ્રમિક દિનની ઉજવણીનો પ્રારંભ થયો હતો.
ભારતીય અને વિશેષ કરીને હિન્દી ચિત્રપટ ઉદ્યોગ સાથે શ્રમદાન કરનારો એક મોટો વર્ગ સંકળાયેલો હોય છે જેમાં લાઈટ્સમેન, સ્પોટબોય સહિત અનેક લોકોનો સમાવેશ થાય છે. શ્રમિકો અને તેમની સમસ્યાઓને વાચા આપતી ફિલ્મો બનાવવાના પ્રયાસ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળ્યા છે. આજે પહેલી મે છે એ નિમિત્તે કેટલીક જાણીતી ફિલ્મોનું આચમન કરીએ જેમાં મજદૂર વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો.
દો બીઘા જમીન:
ફિલ્મ કેવળ મનોરંજન માટે જ નહીં, બલકે જીવનનું સત્ય પડદા ઉપર ઉતારવાનું માધ્યમ પણ હોવી જોઈએ એવું પ્રસિદ્ધ ફિલ્મમેકર બિમલ રોય માનતા હતા. 1954માં રિલીઝ થયેલી ‘દો બીઘા જમીન’માં દેવું ચૂકવવા રિક્ષા હાંકવાનું કામ મજબૂરીથી કરતા ખેડૂતની વ્યથા કથા છે. શ્રમિક વર્ગના શોષણની આ ક્લાસિક કથાના ચિત્રપટમાં બલરાજ સાહનીએ શોષિત શંભુ નામના ખેડૂતની ભૂમિકા ભજવી છે.
ગામની જમીન રેઢી મૂકી બે પૈસા જોડવા કલકત્તા આવી રિક્ષા ચલાવવાનું કામ કરતા શંભુનો રઝળપાટ અને શાહુકારો અને શ્રીમંત વેપારીઓ દ્વારા એને નીચોવી લેવાની વૃત્તિ એ સમયના ભારતમાં અનેક ઠેકાણે નજરે પડતી હતી. આજની તારીખમાં પણ ‘દો બીઘા જમીન’ જોશો તો એની વ્યથા તમારા મનને સ્પર્શી જશે. 1954માં આયોજિત પ્રથમ ફિલ્મફેર એવૉર્ડમાં શ્રેષ્ઠ ચિત્રપટ અને શ્રેષ્ઠ દિગ્દર્શકના એવૉર્ડ આ ફિલ્મને એનાયત થયા હતા.
દિલીપકુમાર - (નયા દૌર, પૈગામ અને મજદૂર):
શહેરી બાબુ (અંદાઝ, લીડર) હોય કે ગામડાનું પાત્ર (ઉડન ખટોલા, ગંગા જમના) હોય, દિલીપ કુમાર દરેક પાત્રમાં સુંદર રીતે ઢળી જતા. ગ્રામ્ય પરિવેશની તેમની કેટલીક ફિલ્મો યાદગાર છે જેમાં નંબર વન પર નિર્વિવાદપણે ‘ગંગા જમના’ જ આવે. આજે એવી ત્રણ ફિલ્મ વિશે જાણીએ જેમાં દિલીપકુમાર શ્રમિક વર્ગનું અને એની ફરતે વીંટળાયેલી રોજગારની સમસ્યાનું પ્રતિનિધિત્વ કરે છે.
1957માં રિલીઝ થયેલી બી. આર. ચોપડાની ‘નયા દૌર’ની કથા સ્વતંત્ર ભારતના એક ગામડામાં આકાર લે છે. સમયના વહેણ સાથે બદલાતા જનજીવનની વાત છે જેમાં મશીનથી ચાલતી બસ અને પરંપરાગત ઘોડાગાડી-બળદગાડાનો સંઘર્ષ કેન્દ્રસ્થાને છે. સૂક્ષ્મરૂપે મશીન માણસનો રોજગાર છીનવી લે એની વાત છે. આજે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના સ્વરૂપમાં એ જ સમસ્યા ફરી મોં ફાડી ઊભી હોય એવું નથી લાગતું?
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે મહારથી દિલીપકુમાર-રાજકુમાર ની પ્રથમ ફિલ્મ ‘પૈગામ’ (1959)માં બે ભાઈની વાત છે. દિલીપકુમાર શહેરમાં ભણીગણી આવેલા યુવાનના રોલમાં છે, જ્યારે રાજકુમાર ફેક્ટરી કામદાર તરીકે છે. વાર્તા વળાંક લે છે અને દિલીપકુમાર ફેકટરીમાં યુનિયન બનાવી હડતાળ કરાવે છે અને બંને ભાઈ વચ્ચે તણખા ઝરે છે. જો તમને મુંબઈ શહેરની મિલ સંસ્કૃતિ અને એની હડતાળ વિશે જાણકારી હોય તો આ ફિલ્મ તમને વધુ ગમશે.
આજ રીતે બી. આર. ચોપડાના પુત્ર રવિ ચોપડા દિગ્દર્શિત ફિલ્મ ‘મજદૂર’માં મજૂર વર્ગની વ્યથાને વાચા આપવામાં આવી છે. મિલ મજૂરોની વિટંબણા સાથે જૂની પેઢીના મિલમાલિકની ઉદારતા અને સુકાન નવી પેઢીના હાથમાં આવ્યા પછી મજૂરને બદલે નફાને પ્રાધાન્ય આપવાની વૃત્તિ પર ફોક્સ કરવામાં આવ્યું છે. દિલીપકુમાર મજૂરોના હિતમાં બળવો કરતા કામદારના રોલમાં છે જે પછી મિલમાલિક બની જાય છે. યોગ્ય મહેનતાણું અને કામ કરવા માટે સાનુકૂળ વાતાવરણ જેવા સર્વકાલીન મુદ્દા અહીં પણ હાજર છે. દિલીપ કુમારની અદાકારી ફિલ્મને પ્રેક્ષણીય બનાવે છે.
નમકહરામ:
ૠષિકેશ મુખરજી હળવીફૂલ સંવેદનશીલ કોમેડી ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત હતા. અલબત્ત તેમણે ‘સત્યકામ’, ‘અભિમાન’, ‘મિલી’ જેવી ફિલ્મો સુધ્ધાં બનાવી છે. હા, રાજકારણ કે કાવાદાવા હોય એવી ફિલ્મથી તેઓ મોટેભાગે દૂર રહ્યા. અલબત્ત, ‘નમકહરામ’ એમાં અપવાદ હતી. દેશભર ની મિલો અને કામદારોના યુનિયન વચ્ચેના સંઘર્ષની પાર્શ્વભૂમિ પરની આ ફિલ્મ શરૂ થાય છે બે મિત્રોના સ્નેહથી જે સમય-સંજોગોને કારણે મિલ કામદાર-મિલ માલિકના સંઘર્ષની કથા બની જાય છે. મિત્રના ક્ષેમકુશળ માટે ફેકટરીના કામદારોમાં તિરાડ પાડવા ગયેલા સોમુ (રાજેશ ખન્ના)માં મજૂરોની વિષમતા હૃદય પરિવર્તન થાય છે. રાજેશ ખન્ના-અમિતાભ બચ્ચને સાથે કામ કર્યું હોય એવી આ બીજી અને અંતિમ ફિલ્મ (પહેલી ‘આનંદ’ ) હતી.
Norma Rae - schindeler"s List- હોલિવૂડમાં ઈન્ટરનેશનલ લેબર ડે-મજૂરને કેન્દ્રમાં રાખી ફિલ્મો બની છે, પણ જૂજ ફિલ્મોને વ્યાપક પ્રસિદ્ધિ - એવૉર્ડ મળ્યા છે. આ સંદર્ભમાં બે ફિલ્મનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. એક છે 1979માં આવેલી Norma Rae અને બીજી છે જગવિખ્યાત schindeler"s List 1979ની ફિલ્મમાં નોર્મા નામની ફેક્ટરી વર્કર કેન્દ્રમાં છે જે ટેક્સટાઈલ મિલમાં મજૂરોના યુનિયન માટે લડત ચલાવે છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ ટંકશાળ સાબિત થઈ હતી. 4.5 મિલિયન ડોલરના બજેટની ફિલ્મ 22 મિલિયન ડોલરનું કલેક્શન કરવામાં સફળ રહી હતી.
સિવાય બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ મ્યુઝિકના ઓસ્કર એવોર્ડ પણ એનાયત થયા હતા. સ્ટીવન સ્પીલબર્ગની ‘શિંડલર્સ લિસ્ટ’ રૂઢ અર્થમાં મજદૂર પ્રશ્નો પર આધારિત ફિલ્મ નહોતી. એ હોલોકાસ્ટ ફિલ્મ હતી, મતલબ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના નાઝીઓ દ્વારા 60 લાખ જ્યુઈશ લોકોના નરસંહારની દર્દનાક કથા પર આધારિત ફિલ્મ હતી. ઓસ્કર શિંડલર નામનો ફેક્ટરી માલિક પોલેન્ડના જ્યુઈશ લોકોને કેવી રીતે બચાવી લે છે એ એનું કથાબીજ હતું. બાવીસ મિલિયન ડૉલરના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ 322 મિલિયનનો અદ્ભુત વકરો કરવામાં સફળ રહી હતી. ઓસ્કરમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર સહિત સાત એવૉર્ડ એનાયત થયા હતા.