Fri May 01 2026

Logo

નર્મદા પ્રોજેક્ટના લેણાં વસૂલવા ગુજરાત આક્રમક: પાડોશી રાજ્યો પાસેથી ₹20,000 કરોડ મેળવવા કવાયત તેજ

2026-05-01 10:52:00
Author: MayurKumar Patel
Article Image

ગાંધીનગર: સરદાર સરોવર ડેમ રાજ્યની જીવાદોરી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના આશરે ત્રણ દાયકા જૂના વિવાદનો ઉકેલ લાવવા રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. પાડોશી રાજ્યો પાસેથી લેવાના નીકળતા ₹20,000 કરોડથી વધુની લેણી રકમ વસૂલવાના પ્રયાસો તેજ કરાયા છે. ઉપરાંત પાણીની વહેંચણીની વ્યવસ્થા અંગે ફરીથી વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી આંતરરાજ્ય મુલાકાતો અને સત્તાવાર સંપર્કો દ્વારા ચાલી રહેલી વાતચીતમાં આ બેઠક એક મહત્વનું પગલું માનવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચર્ચાનો મુખ્ય વિષય નાણાકીય પતાવટ અને નર્મદાના પાણીની ફાળવણી હતો. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પાણીમાં મોટો હિસ્સો મેળવવા માટે પ્રયત્નશીલ છે. આ પ્રોજેક્ટ ઘણો જૂનો અને જટિલ હોવાથી ઘણા વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો સામે આવ્યા છે, જેના માટે સંકલિત ઉકેલની જરૂર છે.

સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત

સરદાર સરોવર ડેમ એ ભારતના સૌથી મોટા આંતરરાજ્ય નદી પ્રોજેક્ટ્સમાંનો એક છે, જે ગુજરાતના 12 જિલ્લાઓમાં, ખાસ કરીને પાણીની અછત ધરાવતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિંચાઈ માટે અત્યંત મહત્વનો છે. રાજ્ય સરકાર ઘરેલું વપરાશ (પીવાના પાણી) માટે પણ તેનો ઉપયોગ વધારવા માંગે છે, ખાસ કરીને ઉનાળાના પરાકાષ્ઠાના સમયે જ્યારે પાણીની તંગી વધી જાય છે.

સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ પાણીની વહેંચણી પર નજર કરવામાં આવે તો મધ્ય પ્રદેશનો સૌથી વધુ હિસ્સો છે. મધ્ય પ્રદેશને   18.25 મિલિયન એકર ફીટ (MAF),  ગુજરાતને 9 MAF, રાજસ્થાનને 0.50 MAF તથા મહારાષ્ટ્રને 0.25 MAF પાણીનો જથ્થો મળે છે. 

જ્યારે હાયડ્રોપાવરમાં પણ હિસ્સો અલગ છે. મધ્યપ્રદેશને 57 ટકા અને મહારાષ્ટ્રને 27 ટકા હિસ્સો મળે છે. ડેમ ગુજરાતમાં હોવા છતાં માત્ર 16 ટકા હિસ્સો જ રાજ્યને મળે છે. 

અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં ₹70,000 કરોડથી વધુનું રોકાણ થઈ ચૂક્યું છે અને ડેમ તેમજ નહેરનું મોટાભાગનું નેટવર્ક તૈયાર છે. ગુજરાતનો આ નવો આક્રમક અભિગમ નાણાકીય દાવાઓ અને પાણીના હિતોને સુરક્ષિત કરવા તેમજ લાંબા સમયથી પડતર આંતરરાજ્ય વિવાદનો ઉકેલ લાવવા તરફનો સંકેત આપે છે.