મુંબઈ/બીડ (મહારાષ્ટ્ર): મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેએ બુધવારે બીડ જિલ્લાના પાટોદા શહેરમાં મુંબઈ તરફની તેમની યાત્રા અટકાવી દીધી હતી. અહીં તેઓ સતત ચાલી રહેલા ઉપવાસને કારણે ઉદ્ભવેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સારવાર લઈ રહ્યા છે.
તેઓ મહારાષ્ટ્રની રાજધાની તરફની તેમની યાત્રા ચાલુ રાખશે કે કેમ તે અંગે અત્યારે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આર્થિક રાજધાનીમાં તેમણે તેમનો વિરોધ ચાલુ રાખવાની યોજના બનાવી હતી. આ પહેલાં દિવસની શરૂઆતમાં, જરાંગેએ કહ્યું હતું કે બગડતા સ્વાસ્થ્યને કારણે તેમણે મુંબઈમાં વિરોધ પ્રદર્શન લઈ જવાની યોજના પડતી મૂકવી પડી શકે છે. આ પહેલાં મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે તેમને આંદોલન પાછું ખેંચવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે સરકાર વાતચીત માટે તૈયાર છે.
બીડ જિલ્લાના સિવિલ સર્જન ડૉ. સતીશકુમાર સોલંકેએ જણાવ્યું હતું કે, ઉપવાસના ૧૯મા દિવસે વહેલી સવારે પાટોદા પહોંચેલા જરાંગેને સરકારી ગ્રામીણ હોસ્પિટલની બાજુમાં આવેલા એક મકાનમાં તબીબી સારવાર આપવામાં આવી રહી હતી.
ડૉ. સોલંકેએ કહ્યું હતું કે, "તેમના બ્લડ પ્રેશર અને બ્લડ સુગરના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને તેઓ ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત)થી પીડાતા હતા. જોકે, હાલમાં તેમની સ્થિતિ જોખમની બહાર છે અને ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે."
૪૪ વર્ષના કાર્યકર્તા જરાંગે-પાટીલ મંગળવારે કારના કાફલા સાથે જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામથી મુંબઈ જવા નીકળ્યા હતા, જે અહીંથી ૪૦૦ કિમીથી વધુ દૂર છે. સવારે પાટોદા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે તેમને પેટ અને પગમાં ભારે બળતરા થઈ રહી છે.
તેમણે કહ્યું હતું કે, "જો હું સારવાર લઉં છું, તો સરકાર સંપૂર્ણપણે નિશ્ચિંત થઈ જાય છે. જો હું સારવાર બંધ કરું છું, તો તેઓ ચિંતિત થઈ જાય છે. મુંબઈની આ યાત્રા મારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી રહી છે. જો હું ઠીક હોઉં તો હું આગળ વધી શકું છું, પરંતુ ઉપવાસ દરમિયાન આટલી લાંબી મુસાફરી કરવી યોગ્ય નથી. જો કોઈ વિકલ્પ ન હોય તો યાત્રા રદ પણ કરી શકાય છે." તેમણે તેમના સમર્થકોને તેમને એકલા મુંબઈ જવા દેવાની અપીલ પણ કરી હતી.
મુંબઈ પોલીસે કુણબી જાતિની વંશાવળી ધરાવતા મરાઠાઓ માટે ઓબીસી ક્વોટામાં અનામતની માંગણી કરી રહેલા જરાંગેને તેમના ચાલુ વિરોધ પ્રદર્શનને આઝાદ મેદાનમાં લઈ જવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. પોલીસે તેમની અરજી નામંજૂર કરવા માટે ગણેશ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેની ચિંતાઓનું કારણ આપ્યું હતું.
પટોદા ખાતે આગમન બાદ ડૉ. સોલંકેના નેતૃત્વમાં તબીબી ટીમે જરાંગેની તપાસ કરી અને ચેતવણી આપી કે તેમની સ્થિતિ ગંભીર છે. ડૉ. સોલંકેએ જણાવ્યું હતું કે માત્ર સલાઈન (મીઠાના પાણીનું દ્રાવણ) આપવાથી તેઓ મુસાફરી કરવા માટે સક્ષમ નહીં બને અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે.
ગયા વર્ષે, આઝાદ મેદાન ખાતે જરાંગેના ઉપવાસ આંદોલનને કારણે દક્ષિણ મુંબઈમાં જનજીવન થંભી ગયું હતું કારણ કે તેમના હજારો સમર્થકો શહેરમાં ઉમટી પડ્યા હતા. સરકારે તેમની આઠમાંથી છ માંગણીઓ સ્વીકારી લીધા બાદ અને કુણબી વર્ગીકરણ પ્રમાણપત્રો માટે પગલાં શરૂ કર્યા બાદ બીજી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ આ આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
જોકે, આ વખતે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે. તેમણે ગણેશ ઉત્સવ દરમિયાન આંદોલન કરવાની જરૂરિયાત અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો.
ફડણવીસે કહ્યું હતું કે સરકારે મરાઠા આંદોલનકારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ૧૩ 'કાયદેસર રીતે માન્ય' માંગણીઓમાંથી ૧૨ માંગણીઓ સ્વીકારી લીધી હતી. જરાંગે રાયગઢ જિલ્લાના અહિલ્યાનગર, પુણે અને ખોપોલી થઈને ૧૯ સપ્ટેમ્બરે મુંબઈ પહોંચવાના હતા.
મરાઠા અનામત મુદ્દા પર કેબિનેટની પેટા-સમિતિનું નેતૃત્વ કરતા મંત્રી વિખે પાટીલે કાર્યકરને ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને તેમનું મુંબઈ આંદોલન પાછું ખેંચવા વિનંતી કરી હતી.
"આંદોલનને રોકવા માટે બળપ્રયોગ કરવાની કોઈ યોજના નથી. વાતચીત અને ચર્ચા દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવી શકાય છે. અમે એવા લોકો સાથે વાત કરી રહ્યા છીએ જેમણે અનામતના મુદ્દાનો અભ્યાસ કર્યો છે," એમ તેમણે કહ્યું.
તેમણે ઉમેર્યું કે સરકાર સમુદાય અને તેના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. અન્ય એક મંત્રી આશિષ શેલારે કહ્યું કે કાર્યકર દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી ૧૪ માગણીઓમાંથી ૧૩ માગણીઓ દેવેન્દ્ર ફડણવીસ સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે.
"તમારે (જરાંગે) તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. અમને તમારા સ્વાસ્થ્યની ચિંતા છે. અમને આશંકા છે કે આંદોલનથી હિન્દુ તહેવારોમાં અવરોધ ઊભો થશે. સમગ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો પુણે અને મુંબઈમાં ઉમટી પડે છે. મરાઠા સમુદાય પણ (તહેવારોમાં અવરોધ) ઈચ્છતો નથી. તમારે પણ આવું ન કરવું જોઈએ. મનોજજીને (આંદોલન મુલતવી રાખવા માટે) અમારી આ વિનંતી તેમજ સૂચના છે," એમ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે, કુણબી જ્ઞાતિની વંશાવળી ધરાવતા મરાઠાઓ માટે ઓબીસી શ્રેણી હેઠળ અનામતની જરાંગેની વર્તમાન માગણી પાછળ કોઈ તર્કસંગત આધાર નથી.
શેલારે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકારની (જરાંગે અને તેમના સમર્થકો દ્વારા) ટીકા આવકાર્ય છે, પરંતુ મુખ્યમંત્રી કે તેમના નાયબો વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ અસ્વીકાર્ય છે.