ફૉલો-ઑન પછી શ્રીલંકાના સરસાઈ બાદ પાંચ વિકેટે માત્ર 16 રનઃ ભારત બીજી ટેસ્ટ પણ જીતવાની તૈયારીમાં
કોલંબોઃ અહીં સિરીઝની બીજી અને આખરી ટેસ્ટમાં શ્રીલંકાના બૅટ્સમેનોએ ફૉલો-ઑન (Follow On) થયા બાદ જોરદાર લડત આપી હતી, પરંતુ ભારતીય બોલરોએ (ખાસ કરીને સ્પિનર માનવ સુથારે) સમયસર વિકેટો લઈને યજમાન ટીમને મોટી મુસીબતમાં મૂકી દીધી હતી અને ભારત હવે ગુરુવારે (મેઘરાજા ન નડે તો) આ ટેસ્ટ પણ જીતીને શ્રીલંકનોનો 2-0થી વાઇટવૉશ કરી શકે એમ છે.
ભારત (India)ના પ્રથમ દાવના 9/503 ડિક્લેર્ડના જવાબમાં શ્રીલંકા (Sri Lanka)નો પ્રથમ દાવ 290 રન પર સમેટાઈ જતાં ભારતે 213 રનની સરસાઈ લીધી હતી અને શ્રીલંકાને ફૉલો-ઑન થવાની ફરજ પાડી હતી. જો શ્રીલંકનોએ વધુ 14 રન બનાવી લીધા હોત તો તેમણે ફૉલો-ઑન ન થવું પડ્યું હોત, પરંતુ નવોદિત ઑફ-સ્પિનર સારાંશ જૈને બુધવારે સવારે ટૂંકા સમયગાળામાં લાહિરુ કુમારા (12 રન) અને સેન્ચુરિયન સોનાલ દિનુશા (103 રન)ની વિકેટ લઈને શ્રીલંકાને ફૉલો-ઑન થવા મજબૂર કર્યા હતા.
માનવની વિકેટો, પંતનું સ્ટમ્પિંગ બન્યા ટર્નિંગ પૉઇન્ટ
શ્રીલંકાએ બીજા દાવમાં પાંચ જ રનના સ્કોર પર મોહમ્મદ સિરાજની ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી ત્યાર બાદ નાની-મોટી ભાગીદારીઓથી શ્રીલંકાની સ્થિતિ એકંદરે સારી રહી હતી. એક તબક્કે શ્રીલંકાનો બીજા દાવનો સ્કોર ત્રણ વિકેટે 203 રન હતો અને તેમણે સરસાઈ ઉતારવા માત્ર બીજા 10 રન બનાવવાના હતા. જોકે માનવ સુથાર ત્યારે ત્રાટક્યો હતો.
તેણે પહેલાં કૅપ્ટન ધનંજય ડિસિલ્વા (23 રન)ને ગલીના સ્થાન પર દેવદત્ત પડિક્કલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. થોડી વાર બાદ સુથારે કરીઅરની બીજી જ ટેસ્ટમાં પ્રથમ સેન્ચુરી તરફ આગળ વધી રહેલા પાસિન્દુ સૂર્યાબંડારા (92 રન, 173 બૉલ, એક છગ્ગો, દસ ચોગ્ગા)ને હાથની ઈજા છતાં ફરી ફીલ્ડિંગ કરવા આવેલા વિકેટકીપર રિષભ પંતના હાથે સ્ટમ્પ-આઉટ કરાવ્યો હતો. ઑફ-સ્ટમ્પની બહાર પડેલા બૉલમાં તે શૉટ મારવા ગયો, પણ એમાં નિષ્ફળ ગયો અને પંતે બૉલ પર કબજો કરીને બેલ્સ ઉડાડી દીધી હતી. સૂર્યાબંડારા ઘણો બહાર હતો અને ડીઆરએસની પણ જરૂર નહોતી પડી.
`પાંચમા રને પડી છઠ્ઠી વિકેટ'
શ્રીલંકાનો બીજા દાવનો સ્કોર 5/218 હતો ત્યારે (213 રનની) સરસાઈ ઉતાર્યા બાદ તેમના માત્ર પાંચ રન હતા અને ત્યારે પાંચ વિકેટ પડી ચૂકી હતી. ત્યારે ઑફ-સ્પિનર સારાંશ જૈન ત્રાટક્યો હતો અને તેણે વિકેટકીપર નિરોશન ડિકવેલા (છ રન)ને એલબીડબ્લ્યૂમાં શિકાર બનાવ્યો હતો. એ વિકેટ વખતે શ્રીલંકાનો સ્કોર સરસાઈ ઊતાર્યા બાદ છ વિકેટે પાંચ રન હતો. ત્યાર પછી બીજા 11 રન બન્યા અને વરસાદ તથા બૅડ લાઇટને કારણે રમત એક કલાક જેટલી વહેલી સમેટાઈ લેવામાં આવી ત્યારે શ્રીલંકાનો સ્કોર 6/229 હતો અને સરસાઈ બાદ સ્કોર 6/16 હતો. ભારતે માત્ર ચાર વિકેટ લેવાની બાકી હતી.

જાડેજા, ક્રિષ્નાએ તોડી ભાગીદારી
સૂર્યાબંડારાએ 92 રનની ઇનિંગ્સ દરમ્યાન કામિલ મિશારા (39 બૉલમાં 32 રન) સાથે બીજી વિકેટ માટે 58 રનની અને કામિન્ડુ મેન્ડિસ (92 બૉલમાં પંચાવન રન) સાથે ત્રીજી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. સૂર્યાબંડારા-મેન્ડિસની જોડીએ 110 મિનિટ સુધી ભારતીય બોલરોને હંફાવ્યા હતા. જોકે એમાંની પ્રથમ ભાગીદારી રવીન્દ્ર જાડેજાએ અને બીજી ભાગીદારી પ્રસિદ્ધ ક્રિષ્નાએ તોડી હતી.
પ્રથમ દાવમાં સેન્ચુરી (103 રન) પૂરી કરીને આઉટ થનાર સોનાલ દિનુશા બીજા દાવમાં સાત રને અને કેશારા નુવાન્થા ત્રણ રને રમી રહ્યા હતા. ભારતીય બોલર આ જોડીને ગુરુવારે કેટલી જલદી તોડશે અને તેમનો દાવ કેટલો જલદી સમેટી લેશે એના પર ભારતની જીતનો આધાર રહેશે.