ભુજ: વૈશ્વિક સ્તરે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે પ્રવર્તી રહેલા યુદ્ધના તણાવને કારણે ઈરાન દ્વારા સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ સામુદ્રધુની માલવાહક જહાજો માટે બંધ કરી દેતાં દરિયાઈ વ્યાપારમાં મોટા અવરોધો ઊભા થયા છે, આવી કપરી પરિસ્થિતિ વચ્ચે કચ્છના દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ અસાધારણ કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ કંડલા બંદરે ગત વર્ષની સરખામણીએ 18 દિવસ વહેલા 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો આંકડો વટાવીને દેશના તમામ મહાબંદરોમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે.
ડીપીએના ચેરમેન સુશિલકુમાર સિંઘે આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સફળતા પોર્ટની ઓપરેશનલ શ્રેષ્ઠતા અને સીમલેસ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટનું પરિણામ છે. તેમણે આ શ્રેય પોર્ટ વપરાશકર્તાઓ, શિપિંગ એજન્ટો, કસ્ટમ અધિકારીઓ અને ખાસ કરીને સમર્પિત શ્રમિકોના સામૂહિક પ્રયાસોને આપ્યો હતો.
બદલાતી ભૂ-રાજકીય સ્થિતિમાં પણ પોર્ટ પોતાની સ્થિતિસ્થાપકતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે. બંદર પ્રશાસન આગામી લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે સજ્જ છે. આગામી 72 કલાકમાં 35 થી વધુ જહાજોનું સંચાલન કરવાની તૈયારી સાથે પોર્ટ વહીવટીતંત્ર કાર્યરત છે. આ સીમાચિહ્ન માત્ર આંકડાકીય સિદ્ધિ નથી, પરંતુ 'વિકસિત ભારત- 2047'ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મજબૂત ડગલું છે. ભારતની વધતી જતી દરિયાઈ શક્તિના પ્રતીક સમાન આ બંદર રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મહત્વનું પ્રદાન આપી રહ્યું છે.
કંડલા પોર્ટ લિક્વિડ ટેન્ક ટર્મિનલ એસોસીએશનના ઉપપ્રમુખ દિનેશ ગુપ્તાએ ચેરમેન અને તેમની ટીમને આ ભવ્ય સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26માં દેશના તમામ મુખ્ય બંદરોમાં કંડલા બંદર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવ્યું છે, જે સમગ્ર કચ્છ અને દેશ માટે ગૌરવની વાત છે તેમ ઉમેર્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)