Fri Apr 24 2026

Logo

રાજસ્થાન વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી

2026-04-24 12:15:00
Author: Vimal Prajapati
Article Image

જયપુરઃ રાજસ્થાન વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી મળ્યા બાદ જયપુરમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઈમેલ દ્વારા મળેલી આ ધમકીના કારણે સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક વિધાનસભા સંકુલ ખાલી કરાવ્યું છે. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલમાં સઘન શોધખોળ ચાલી રહી છે. આ પહેલા પણ રાજસ્થાન વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. 

ઈમેઈલની જાણ થતા જ પોલીસનો કાફલો તૈનાત

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ધમકીભર્યા ઈમેઈલની જાણ થતા જ પોલીસનો કાફલો આવી પહોચ્યો હતો. સુરક્ષાને ધ્યાને રાખતા વિધાનસભા પરિસરને સંપૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. વિધાનસભાના કર્મચારીઓને પણ બહાર કાઢી દેવામાં આવ્યાં હતાં. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સતત બે કલાક સુધી પાર્કિગ, ગાર્ડન અને દરેક કાર્યાલયોની તપાસ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી તપાસ કરવામાં આવી પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. 

સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો

કોઈ શંકાસ્પદ વસ્તુ ના મળી આવી હોવાથી સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જે મેઈલ કરવામાં આવ્યો તેમાં ખૂબ જ વાંધાજનક વાતો લખવામાં આવી હતી. આ મેઈલમાં માંગણી કરવામાં આવી કે, વિધાનસભામાં કામ કરતા દરેક મુસ્લિમ કર્મચારીઓને બહાર નીકાળી દેવામાં આવે. આ મેઈલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આઈએસઆઈના બે આતંકવાદી આત્મઘાતી હુમલો કરવા માટે જયપુર આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આજથી 10 દિવસ પહેલા પણ આવી જ ધમકી મળી હતી.