Mon Jun 01 2026

Logo

આઇસક્રીમ પાર્લર સેક્સ સ્કેન્ડલ: બધા આરોપી એક પછી એક નિર્દોષ છૂટી ગયા!

2026-04-15 08:17:05
Author: પ્રફુલ શાહ
Article Image

પ્રફુલ શાહ

કેરળનો આઇસક્રીમ પાર્લર સેક્સ સ્કેન્ડલ ઢોલ-નગારાથી વધારે ગાજ્યો. એક તો છેતરપિંડી, જાતિય શોષણ અને બ્લેકમેલ આ કૌભાંડના મુખ્ય પાસાં હતાં. છોગામાં મોટા માથાની સંડોવણી અને અમુકને બચાવવા પડદા પાછળથી થયેલો ભૂંડો દોરી સંચાર. 

આ કૌભાંડમાં હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ સામે આક્ષેપો થયા, ખાસ કરીને રાજકારણી, રાજ્યના ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અને ઈન્ડિયન મુસ્લિમ લીગના નેતા પી. કે. કુન્હાલિકુટ્ટી સામે. કેટલીક પીડિતાઓએ ખુદ કુન્હાલિકુટ્ટીને પોતાના શોષણ માટે જવાબદાર ગણાવ્યા હતા. આગળ જોયું એમ તપાસમાં ઘટસ્ફોટ થયો કે સાક્ષીઓને ધમકી અને પૈસા આપીને નિવેદનો પાછા ખેંચાવાયા હતા. સાથોસાથ કાનૂની માર્ગદર્શન આપી તપાસને બદઈરાદા સાથે નબળી પાડવામાં આવી હતી.

આ મામલામાં પોલીસની કામગીરીએ ય શંકા જન્માવી હતી. આમાં અમુક મહત્ત્વપૂર્ણ બાબતો અને દિશાઓ પર ધ્યાન ન આપવું તથા ખાસ તો કથિતપણે સંડોવાયેલા મનાતા લોકોનાં મૃત્યુની તપાસમાં અસંગતતા હોવાના આરોપ મૂકાયા હતા. એક નોંધપાત્ર કેસ હતો આઇસક્રીમ પાર્લરના વોચમેનનાં મોતનો. શક્ય છે કે એ બધું કે જરૂરતથી વધુ જાણતો હતો. 

આ સેક્સ સ્કેન્ડલને માનવતા અને નૈતિકતાના અધ:પતનની પરાકાષ્ઠા ગણાય. આ સંજોગોમાં એની પૃષ્ઠભૂમિ અને પરિસ્થિતિ સમજવી જરૂરી બની જાય છે. 1990ના દાયકામાં કોઝિકોડ ઉત્તર કેરળનું ધમધમતું વ્યાપારી કેન્દ્ર હતું. મુખ્યત્વે અખાતના દેશોમાં કામ કરતા લોકો પાસેથી આવતી રકમને કારણે કોઝિકોડની આર્થિક વૃદ્ધિ થઈ હતી.આની સાથે અમુક વર્ગ હજી ગરીબીમાં સબડતો હતો. 

આ અમીરી અને ગરીબીની વિરોધાભાસી પરિસ્થિતિમાં મફત આઇસક્રીમ જેવા લોભ નાના અને મધ્યમ વર્ગની છોકરીઓ માટે આકર્ષક અને લાલચરૂપ બની ગયા. શાળાઓની નજીક હોવાથી આરકેએસ આઇસક્રીમ પાર્લરને વિદ્યાર્થીઓ સુધીની સરળ પહોંચ આપોઆપ મળી ગઈ હતી. 

કેરળમાં સ્કૂલ ડ્રોપ આઉટનો દર ઘણો ઓછો હોવાથી શહેરમાં શાળામાં જતી છોકરીઓની સંખ્યા મોટી હતી. આ વિદ્યાર્થિનીઓને આ સ્કેમ માટે ટાર્ગેટ બનાવવામાં આવી હતી. 1990ના પ્રારંભમાં શ્રીદેવીએ શરૂઆત તો સામાન્ય આઇસક્રીમ વેચાણ કેન્દ્ર તરીકે કરી હતી. અથવા એવું મનાતું હતું.

પરંતુ 1997 પહેલા અમુક અસામાન્ય બાબતો નોંધાઈ હતી. મોડીરાત સુધી આઇસ્ક્રીમ પાર્લરનું ખુલ્લું રહેવું, નાની ઉંમરની છોકરીઓની વધુ પડતી અવરજવર, આઇસ્ક્રીમના સામાન્ય ગ્રાહકો કરતા અલગ પ્રકારના લોકોની હાજરી વગેરે અજુગતી બાબતો હતી. પરંતુ કોઈ તપાસના અભાવે આવી પ્રવૃત્તિઓ લાંબા સમય સુધી ચાલતી રહી.

પરંતુ વહેલું મોડું તો પાપ છાપરે ચડીને પોકાર્યા વગર રહે? ફરિયાદ મુજબ તો સૌ પ્રથમ માસૂમ છોકરીઓને મફત આઇસક્રીમ, ભેટો અથવા નોકરીના વચનો આપીને ફસાવવામાં આવતી હતી. પછી તેમને ખાનગી જગ્યાએ લઈ જઈ યૌન શોષણ કરવામાં આવતું. ત્યાર બાદ બ્લેકમેલ. 

અંતે 1997માં આઇસ્ક્રીમ પાર્લર પર પોલીસ રેડ પછી મીડિયામાં મામલો ગાજ્યો. સ્થાનિક અખબારોમાં વિસ્તૃત રિપોર્ટિંગને પગલે રાષ્ટ્રીય સ્તરે પણ આ કેસ ચર્ચાવા લાગ્યો. રાજકીય પક્ષો અને મહિલા સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યા અને નિષ્પક્ષ તપાસની પણ માગણી કરી.

વધુ ચોંકાવનારી હકીકત એ બહાર આવી કે આ સ્કેન્ડલમાં પીડિતાઓ મુખ્યત્વે 13થી 17 વર્ષની તરુણીઓ હતી અને એ પણ આર્થિક રીતે નબળા પરિવારોની. 

પોલીસે આઇસ્ક્રીમ પાર્લરની માલિક શ્રીદેવીની ધરપકડ કરી. પોલીસને તપાસમાં ડાયરી અને નોંધપોથી મળી જેમાં ગ્રાહકોના નામની યાદી હતી. પછી 200થી વધુની પૂછપરછ કરવામાં આવી. આખરે 1998માં ચાર્જશીટ દાખલ થઈ, પરંતુ ધડાધડ સાક્ષીઓએ નિવેદનો પાછાં ખેંચવાં માંડ્યાં. 

પુરાવાના ફાંફા પડી ગયા. સરવાળે 2006માં સ્થાનિક કોર્ટએ તમામેતમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. ત્યાર બાદ હાઈ કોર્ટે અને સુપ્રીમ કોર્ટએ પણ એ જ ચુકાદાને બહાલી આપી હતી. 

હકીકતમાં કાનૂની પ્રક્રિયા દાયકાઓ સુધી ચાલી. 2011માં નવા સાક્ષીનાં નિવેદનોના આધારે કેસ ફરી ખોલાયો, પરંતુ મોટા આરોપીઓ સામે પુરાવાની અછતને કારણે મર્યાદિત કાર્યવાહી થઈ. 2016માં સુપ્રીમ કોર્ટએ સીબીઆઈ તપાસની માગને નકારી કાઢી અને તેને રાજકીય પ્રેરિત ગણાવી.

જરા વિચારો કે સત્તાવારપણે આરોપી તરીકે નામ નહોતું એ રાજકારણી પી. કે. કુન્હાલિકુટ્ટીએ પ્રધાનપદ છોડી દીધું અને બધા આરોપીઓ નિર્દોષ છૂટી ગયા! ફારસ તો જુઓ કે શાસક યુતિ ડાબેરી લોકતાંત્રિક મોરચા અને કુન્હાલિકુટ્ટીના પક્ષ ઈન્ડિયન મુસ્લિમ લીગે આ કેસને રાજકીય ષડયંત્ર ગણાવ્યો હતો. કહેવાની જરૂર નથી કે પીડિતાઓને માનસિક અને સામાજિક નુકસાન થયું. 

એક આશ્વાસન લઈ શકાય કે સમાજમાં બાળ સુરક્ષા અંગે જાગૃતિ વધી. સાથે રાજકીય અને ન્યાયિક પ્રણાલીની વિશ્વસનીયતા પર ભયંકર સવાલો ઊભા થયા પણ એવી ક્ષુલ્લક બાબતો માટે વિચારવાનો રાજકારણીઓ પાસે સમય જ ક્યાં છે? આ કેસનો પ્રભાવ એટલો બધો છે કે આજે ય કેરળની રાજનીતિમાં ચર્ચાનો વિષય તરીકે જીવંત છે.  
(સમાપ્ત)