નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે હોર્મુઝની સ્ટ્રેટના લીધે વિશ્વમાં ઉભા થયેલા ઉર્જા સંકટ અંગે ભારતનો મત સ્પષ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત સલામત અને અવરોધ વિનાના દરિયાઈ વેપાર માર્ગોની મજબૂત હિમાયત કરે છે. તેમજ વેપારી જહાજો પર કોઇ પણ પ્રકારના હુમલા સ્વીકારી શકાય તેમ નથી. એસ. જયશંકરે આ વાત જાપાન દ્વારા આયોજિત AZEC-પ્લસ એશિયા ઝીરો એમિશન કોમ્યુનિટીની વર્ચ્યુઅલ મીટિંગમાં જણાવી હતી.
વેપારી જહાજો પરના હુમલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય
આ બેઠક બાદ એક્સ પર વિગતો શેર કરતા વિદેશ મંત્રીએ લખ્યું કે, જાપાન દ્વારા આયોજિત એશિયા ઝીરો એમિશન કોમ્યુનિટીની બેઠકમાં ભાગ લીધો. મેં સ્પષ્ટ કર્યું કે વેપારી જહાજો પરના હુમલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. દરિયાઈ ગુંડાગીરી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. વૈશ્વિક આર્થિક પ્રગતિ માટે ઊર્જા બજારો પર કોઈ દબાણ ન લાવવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે ભારત વિશ્વના સૌથી મોટા ઊર્જા ગ્રાહકોમાંનો એક છે. ભારત સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે સમાન વિચારધારા ધરાવતા રાષ્ટ્રો સાથે સહયોગમાં કામ કરશે.
ફિલિપાઇન્સમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા ઇંધણના ભાવમાં ભારે ઉછાળો
આ વર્ચ્યુઅલ સમિટમાં અનેક એશિયન નેતાઓએ ભાગ લીધો હતો. તેમાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ, ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર અને થાઇ વડાપ્રધાન અનુતિન ચાર્નવિરાકુલનો સમાવેશ થાય છે. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને પણ પોતાના વિચારો રજૂ કર્યા. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસ જુનિયરે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા બાદ તેમના દેશમાં ઇંધણના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ફિલિપાઇન્સ જેવા ટાપુ રાષ્ટ્રો માટે આ પરિસ્થિતિ વધુ ભયાનક બની જાય છે કારણ કે દેશ સંપૂર્ણપણે આયાતી ક્રૂડ પર નિર્ભર છે.