Wed Apr 29 2026

Logo

તીર્થયાત્રાઃ તીર્થયાત્રા જીવનને કોહવાટથી મુક્ત રાખવાનું ઉત્તમ માધ્યમ છે

2026-04-27 09:35:00
Author: BhaanDev
Article Image

ભાણદેવ

માનવજીવન વિકાસની પ્રક્રિયા છે. જીવવું એટલે વિકસવું. જીવન વિકાસનાં અનેક સાધનો છે. માધ્યમો છે. તેમાંનું એક સાધન છે  તીર્થયાત્રા. જીવન જયારે વિકાસના રહસ્યને ચૂકી જાય છે ત્યારે તેમાં કોહવાટ પેદા થાય છે. કોહવાટથી મુક્ત રહેવા માટે જીવનને સતત ગતિમાન રાખવું જોઇએ. ગતિ એટલે દોડાદોડી નહીં, પણ પ્રગતિ-વિકાસ. તીર્થયાત્રા જીવનને કોહવાટથી મુક્ત રાખવાનું, જીવનના સ્વાસ્થ્યને જાળવી રાખવાનું ઉત્તમ માધ્યમ છે.

એક વાર એક મિત્રે પોતાના પુત્ર અંગે ફરિયાદ કરી કે પુત્ર નબળો, માયકાંગલો, નિષ્પ્રાણ અને ભીરુ છે. પુત્રની ઉંમર પચીસ વર્ષની છે, પણ તેનામાં પગ પર ઊભા રહેવાની જરા પણ શક્તિ નથી. સતત માતા-પિતાનો આધાર જોઇએ. માતા-પિતાના આધાર વિના રહી શકતો નથી. ઘરની બહાર એકલા જવાની હિંમત કરતો નથી. પુત્ર ભલો છે. બુદ્ધિમાન છે. પોતાના કાર્યમાં સાવધાન અને કુશળ છે, પણ તેજસ્વિતા, હિંમત, મર્દાનગી નથી અને તેવા ગુણો વિના પુરુષ શોભે નહીં. 

તેમણ મને ઉપાય પૂછયો. મેં ઉપાય બતાવ્યો કે તેને યાત્રા માટે મોકલો, એકલો જ મોકલો. નાની-નાની સરળ યાત્રાથી પ્રારંભીને સમગ્ર ભારતની અને હિમાલયની યાત્રાએ એકલા જ અને વારંવાર મોકલો. યુવાનોમાં રહેલી સુષુપ્તા પ્રાણશક્તિને બહાર લાવવા માટે પ્રવાસ-યાત્રા ઉત્તમ માધ્યમ બની શકે છે. વ્યક્તિની અંદર રહેલી તેજસ્વિતાની તેને પોતાને જાણ નથી હોતી. તેને યાત્રા દ્વારા તે શક્તિની જાણ થાય તેવા સંયોગો ઉત્પન્ન કરો.

પ્રાચીન ભારતની શિક્ષણવ્યવસ્થામાં યાત્રાનું સ્થાન અનિવાર્ય હતું, જયાં સુધી બ્રહ્મચારી આર્યાવર્ત ની યાત્રા પૂરી ન કરે ત્યાં સુધી તે સ્નાતક ગણાતો નહીં. ચાર દીવાલની વચ્ચેનું શિક્ષણ અને ચાર દીવાલની બહારનું શિક્ષણ, બંને મળીને શિક્ષણ પૂરું થાય છે. બંને એકબીજા વિના અધૂરાં છે અને બંને એકબીજાનાં પૂરક છે.

વિદ્યાર્થી ભૂગોળનાં પુસ્તકમાં હિમાલય અંગે વાંચે અને હિમાલયમાં યાત્રા માટે જાય, તે બંનેમાં ઘણો ભેદ છે. પુસ્તક દ્વારા અધ્યયયનનું મૂલ્ય છે, પણ પુસ્તક સ્વયં પર્યાપ્ત સાધન નથી. શિક્ષણની પરિપૂર્ણતા માટે પુસ્તકની બહાર નીકળવું જ પડે છે.

ભારતીય સાધનામાં તીર્થયાત્રાને પણ એક સાધના ગણાવી છે. તેમાં પણ હિમાલયની યાત્રાની તો શી વાત કરવી! તીર્થયાત્રા સ્વરૂપત: બહિરંગ સાધના છે, પણ બહિરંગમાંથી જ અંતરંગમાં જવાય છે. જો યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો તીર્થયાત્રા એક અનુષ્ઠાન છે. જીવન વિકાસનું એક માધ્યમ છે.

આપણા દેશમાં પ્રાચીનકાળથી જ યાત્રાનું મહત્ત્વ અને મૂલ્ય ખૂબ રહ્યું છે. આટલા વિશાળ હિમાલયમાં આટલાં તીર્થોની સ્થાપના, આટલી પગદંડીઓની ખોજ એકલદોકલ માણસનાં બે-પાંચ વર્ષોના પુરુષાર્થનું ફળ નથી, પણ હજારો વર્ષથી એક આખી પ્રજાના પુરુષાર્થનું એ પરિણામ છે. ભારતમાં મોટાં તીર્થોની સંખ્યા 2,200 છે. 

આપણા દેશનાં તીર્થોના વર્ણન માટે એક ખાસ પુરાણની રચના થઇ છે. ‘સ્કંદપુરાણ’ તીર્થોનું જ પુરાણ છે. એ પણ નોંધવું જોઇએ કે ‘સ્કંદપુરાણ’ સૌ પુરાણોમાં મોટું છે, તેથી જ તેને ‘મહાપુરાણ’ પણ કહે છે. ભારતનાં તે કાળે પ્રચલિત એવાં બધાં તીર્થોનુ વર્ણન ‘સ્કંદપુરાણ’માં જોવા મળે છે. એક રીતે જોઇએ તો ‘સ્કંદપુરાણ’ તીર્થોનો સર્વસંગ્રહ છે.

શ્રી ચૈતન્ય મહાપ્રભુએ ભારતનાં તીર્થોની વ્યાપક અને દીર્ઘ યાત્રાઓ કરેલી છે. શિવાજીના ગુરુ સમર્થ સ્વામી રામદાસજીએ બાર વર્ષ સુધી ભારતભરની પગપાળા યાત્રાઓ કરી હતી. મોટા ભાગના મહાપુરુષોનાં જીવનમાં તેમના જીવનના કોઇ કાળે તીર્થયાત્રાઓ થઇ હોય છે.

એવી કથા છે કે ભગવાન પરશુરામને માતૃહત્યાનો દોષ લાગ્યો હતો. આ દોષથી મુક્ત થવા માટે તેમને તીર્થયાત્રાની આજ્ઞા મળી. તીર્થયાત્રા કરતાં-કરતાં અરુણાચલ પ્રદેશના બ્રહ્મકુંડમાં સ્નાન કરતાં તેઓ માતૃહત્યાના દોષથી મુક્ત થયેલા.

ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામજીને પણ સૂતજીના વધનો દોષ લાગેલો. બ્રાહ્મણોએ તીર્થયાત્રારૂપી પ્રાયશ્ર્ચિત્તથી દોષમુક્તિનો ઉપાય બતાવ્યો. આ ઉપાય  તેમણે અજમાવેલો અને દોષમાંથી મુક્ત પણ થયેલા. એટલે તીર્થયાત્રાનું મૂલ્ય આંકીએ તેટલું ઓછું છે.

તીર્થયાત્રા એ માત્ર બહિરંગ ક્રિયા જ નથી, પણ એક વિશિષ્ટ મનોભાવ પણ છે. કોઇ વેપારી બદરીનાથમાં દુકાન રચીને વેપાર માટે ત્યાં રહે તો તેને તીર્થવાસ ગણાય નહીં. આકસ્મિક સંજોગોને કારણે કોઇ પોલીસને વારાણસીમાં પાંચ દિવસ રોકાવાની નોકરી આવે અને તે રહે પણ ખરો, છતાં તે તીર્થયાત્રા ન ગણાય. તીર્થયાત્રામાં હેતું, મનનો ભાવ અને ચિત્તની અભિમુખતા મહત્ત્વનાં છે. તીર્થયાત્રા માત્ર બહિરંગ ક્રિયાકલાપથી થતી નથી.

આપણું સદ્ભાગ્ય છે કે આપણે ભારતમાં જન્મ્યા છીએ. ભારત એટલો વિશાળ દેશ છે અને ભારતમાં દર્શનીય સ્થાન એટલી મોટી સંખ્યામાં છે કે જીવનભર યાત્રા કર્યા કરીએ તો પણ પાર પામી શકાય તેમ નથી અને ‘ઐતરેય બ્રાહ્મણ’ના चरन् वै मधु विन्दति’ નું રહસ્ય જેના મનમાં વસી ગયું તેની ગતિ ચાલુ જ રહે છે.

જયારે કોઇ જાગૃત અને જીવનનિષ્ઠ વ્યક્તિના પગ હિમાલય તરફ ચાલે છે ત્યારે ઊર્ધ્વલોક તરફ ચાલે છે તેમ સમજવું. (‘स्थावराणां हिमालयः|’ श्रीमद्भगवद्गीता १०-२५ ) ને સમજી અને ઉચિત મનોદશાથી કોઇ વ્યક્તિ  હિમાલયની યાત્રાનો પ્રારંભ કરે તો તે તેના જીવનવિકાસના એક નવા અધ્યાયનો પ્રારંભ બની શકે છે.

આટલી ભૂમિકા પરથી આપણાં મનમાં સવાલ ઊભો થાય છે કે તીર્થ એટલે શું અને તીર્થયાત્રાનું યથાર્થ સ્વરૂપ શું છે. કોઇપણ પવિત્ર સ્થાનને તીર્થ કહેવામાં આવે છે. અવતારોની લીલાભૂમિ (અયોધ્યા, વૃંદાવન, નવદ્વીપ) મહાપુરુષોનાં જન્મસ્થાન (આપેગાંવ, લુમ્બિની, પોરબંદર) મહાપુરુષોનાં સમાધિસ્થાન  (ગોરખપુર, આણંદી, અંજાર, પોંડિચેરી) પવિત્ર પહાડ (કૈલાસ, ગિરનાર, શત્રુંજય) પવિત્ર નદીઓ (ગંગા, યુમના, સરયૂ), પવિત્ર સરોવર (માનસરોવર, પુષ્કર, નારાયણસરોવર, પંપાસરોવર), સંગમસ્થાન, (પ્રયાગરાજ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, વિષ્ણુપ્રયાગ), પવિત્ર મંદિરો (રામેશ્વર, તિરુપતિ, વારાણસી, વૈષ્ણોદેવી), આ બધાં જુદાં-જુદાં સ્વરૂપના  તીર્થો છે. 

કોઇ વિશેષ સંયોગોને લીધે કોઇ સ્થાન વિશેષ પાવિત્ર્ય ધારણ કરે છે  અને તેથી તે તીર્થ બને છે. સાંઇબાબાના પ્રાગટયથી શીરડી તીર્થ બન્યું છે. તીર્થના વાતાવરણમાં ડૂબકી મારવા માટે, તેના દર્શન કરવા માટે, ત્યાં સ્નાન કરવા માટે એક વિશિષ્ટ મનોભાવપૂર્વક વ્યક્તિ તીર્થમાં જાય છે તેને તીર્થયાત્રા કહે છે.

હિમાલય તો તીર્થભૂમિ છે. હિમાલયનો સમગ્ર વિસ્તાર જ તીર્થ છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. હિમાલયમાં આવેલાં તીર્થોનો વિચાર કરીએ તો પણ  ગણ્યાં ગણાય નહીં અને જોયે પાર ન આવે તેટલાં તીર્થો છે.   
(ક્રમશ:)