પાલનપુર: ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 20 સપ્ટેમ્બરથી તા. 26 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મહામેળા માટે રચવામાં આવેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષો દ્વારા મેળા દરમિયાન ભાવિક ભક્તોને ઉપલબ્ધ કરાવવામાં આવનાર વિવિધ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરી પોતાની કામગીરીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ભક્તોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા
ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અંબાજી ખાતે દર્શનાર્થે તથા આશીર્વાદ લેવા આવનાર હોવાથી તેમની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને વિવિધ વ્યવસ્થાઓ અંગે બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય, સ્વચ્છતા સહિતની બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
માઁ અંબાના ધામમાં ભક્તિનો રંગ, પ્રકાશની ભવ્યતા અને આસ્થાનો અદભુત સંગમ… 🙏🏻✨
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 8, 2026
અંબાજીની પાવન ધરતી ફરી એકવાર ભક્તોના સ્વાગત માટે સજ્જ છે.
ભાદરવી પૂનમનો મેળો 2026 - 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી.
માઁ અંબાના દર્શન અને મેળાની આ દિવ્ય અનુભૂતિનો ભાગ બનવા તૈયાર છો? ❤️🚩… pic.twitter.com/rgo46Da657
તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા તાકીદ
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ભાદરવી પૂનમ મહામેળો સુચારૂ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ સુદૃઢ અને સુવ્યવસ્થિત રાખવા સૂચના આપી હતી. સાથે જ મેળામાં આવનાર ભાવિક ભક્તોને શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં સુખદ અનુભવ મળી રહે તે માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન અને સહકાર સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.