Mon Oct 05 2026

Logo

ગુજરાતની શાળાઓમાં હવે લાગશે ‘સુગર બોર્ડ’! દરેક શાળાએ ફરજિયાતપણે કરવું પડશે આનું પાલન

2026-09-19 10:03:00
Author: Mumbai Samachar Team
ગુજરાતની શાળાઓમાં હવે લાગશે ‘સુગર બોર્ડ’! દરેક શાળાએ ફરજિયાતપણે કરવું પડશે આનું પાલન

Ai Image


ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નાના બાળકોમાં નાની ઉંમરથી જ વધતા જતા  ટાઈપ-2 ડાયાબિટીસના જોખમને ડામવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિણામલક્ષી પગલું લેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આદેશ અનુસાર રાજ્યની તમામ શાળામાં વિદ્યાર્થીઓને વધુ પડતી ખાંડના સેવનથી થતુ નુકસાન સમજાવવું પડશે. 

સુગર બોર્ડની સ્થાપના જરૂરી
ખાંડના જોખમથી માહિતગાર કરવા માટે સુગર બોર્ડની સ્થાપના કરવાની રહેશે. દૈનિક જરૂરિયાતમાં અનેકગણી ખાંડનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. NCPCRના એક અભ્યાસમાંથી એવો ખુલાસો થયો છે કે,4થી 10 વર્ષના બાળકોમાં ડેઈલી કેલેરી ઈનટેક વધી રહ્યા છે.

4થી 10 વર્ષના બાળકોમાં 13, 11થી 18 વર્ષના કિશોરમાં 15 ટકાનો સીધો વધારો જોવા મળ્યો છે.આ વયમાં શરીરને માત્ર 5 જ ટકા ખાંડની જરૂરિયાત હોય છે. શાળાની આસપાસના જંકફૂડ, ઠંડાપીણા તથા પ્રોસેસ્ડ ફૂડ-ુપેકેજ્ડ ફૂડ પાછળનું વધતુ જતુ આકર્ષણ આખરે બાળકોના શરીરને નુકસાન કરે છે. આનાથી માત્ર સ્થૂળતા જ નહીં પણ દાંતની પણ ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. મેટાબોલિક વિકૃતિઓ તરફ બાળપણ ધકેલાઈ રહ્યું છે. જેને અટકાવવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર રવાના કર્યો છે.

ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે
નવા સુગરબોર્ડમાં દૈનિક ખાંડનું નિર્ધારિત પ્રમાણ, સામાન્ય ખાદ્ય પદાર્થમાં ખાંડનું પ્રમાણ, ખાંડથી થતા નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપવાની રહેશે. વિદ્યાર્થીઓને આ માહિતી સમજાવવાની રહેશે. શાળાઓમાં આની જાગૃતિ આવે એ માટે ખાસ સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન કરવાનું રહેશે. આ અભિગમને ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે તે સ્કૂલમાં પણ સુગર બોર્ડ લગાવવાનું રહેશે.  નાની ઉંમરમાં વધુ પડતી ખાંડનું સેવન વજન વધવું, દાંતની સમસ્યાઓ અને મેટાબોલિક સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સાથે જોડાયેલ છે.

ખાસ કરીને ઠંડાં પીણાં, જંકફૂડ, પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડના વધતા સેવનને ધ્યાનમાં રાખીને શાળાકક્ષાએ જ બાળકોમાં ખોરાક અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાળપણમાં ખોરાકની આદતો લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બાળકો અને કિશોરોમાં અતિશય ખાંડ, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ અને મીઠાં પીણાંના સેવન અંગે આરોગ્ય નિષ્ણાતો અને બાળ આરોગ્ય સંસ્થાઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.