Mon Oct 05 2026

Logo

રાજ્યની 70 બી.એડ કૉલેજ એનસીટીઈના માપદંડોનું પાલન ન કરતી હોવાથી સરકારની રડાર પર

2026-09-12 20:42:21
Author: Pooja Shah
રાજ્યની 70 બી.એડ કૉલેજ એનસીટીઈના માપદંડોનું પાલન ન કરતી હોવાથી સરકારની રડાર પર

અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લાની એક બીએડ કોલેજમાં થયેલી ગેરરીતિઓની તપાસમાં રાજ્યભરની લગભગ 70 ખાનગી કોલેજમાં નિયમોનું ઉલંઘન થતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. નેશનલ કાઉન્સિલ ફોર ટિચર્સ એજ્યુકેશનની ફરજિયાત મંજૂરી વિના ચાલતી સંસ્થાઓ હવે સરકારી તપાસ હેઠળ આવી છે. આ કોલેજોમાં લગભગ 8,000 વિદ્યાર્થી નોંધાયેલા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. 

શિક્ષણ વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ કમિશનરેટના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં 366 બેચરલ ઓફ એજ્યુકેશન (બી.એડ)કોલેજો છે. કાઉન્સિલે ઘણી ખાનગી બી.એડ કોલેજોને મંજૂરી આપી હતી, અને તેમને જરૂરી દસ્તાવેજો કાઉન્સિલના પોર્ટલ પર અપલૉડ કરવા જણાવ્યું હતું. એનસીટીઈ પોર્ટલ પર 296 કોલેજના અહેવાલો-દસ્તાવેજો ઉપલબ્ધ છે, પરંતુ લગભગ 70 ખાનગી કોલેજો આ દસ્તાવેજો-અહેવાલો અને પ્રમાણપત્રો રજૂ કરી શક્યા નથી. 

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ કોલેજની મંજૂરીમાં બહાર આવેલી વિસંગતતાઓને પગલે આ ચકાસણી કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણાએ સંસ્થાઓને પત્ર લખીને પ્રક્રિયા ઝડપી બનાવવા અને બાકી રહેલા અહેવાલો વહેલી તકે સબમિટ કરવા નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.

બીએડ કોલેજો સાથે સંકળાયેલા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ફક્ત ફરજિયાત એનસીટીઇ મંજૂરી ધરાવતી કોલેજોને જ યુનિવર્સિટીની સંલગ્નતા મળી શકે છે. યુનિવર્સિટીઓ પાસે કોલેજોની મુલાકાત લેવા અને ખાતરી કરવા માટે સ્થાનિક તપાસ સમિતિ પણ હોય છે કે સંસ્થાઓ બધા નિયમનકારી માપદંડોને પૂર્ણ કરે છે. જો કોઈ યુનિવર્સિટીએ માન્ય એનસીટીઇ મંજૂરી છે કે નહીં તે ચકાસ્યા વિના બીએડ કોલેજોને સંલગ્નતા આપી હોય તો તેને સમાન રીતે દોષિત ઠેરવી શકાય છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પહેલાથી જ પ્રવેશ મેળવી ચૂક્યા છે, તેથી સરકારની તાત્કાલિક પ્રાથમિકતા કોલેજો વિલંબ વિના બાકી રહેલી ઔપચારિકતાઓ પૂર્ણ કરે તે રહશે. સરકાર આ મામલે કડક વલણ અપનાવી રહી છે, કારણ કે લગભગ 8,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.