અમદાવાદઃ લુપ્તતાના આરે પહોંચેલા અતિ દુર્લભ પક્ષી ઘોરાડ (ગ્રેડ ઈન્ડિયન બસ્ટર્ડ)ને લઈ સારા સમાચાર આવ્યા છે. નલિયાના ઘાસિયા મેદાનોમાં ઘોરાડના નર બચ્ચાનો જન્મ થયો છે. જેના કારણે ગુજરાતમાં આ પ્રજાતિના પુનર્જીવનની નવી આશા જાગી છે.
600 મીટર સુધી ઉડવા લાગ્યું
21 મેના રોજ જન્મેલું આ બચ્ચું શરૂઆતના અત્યંત જોખમી 40 દિવસો પાર કરીને મહત્વપૂર્ણ ત્રણ મહિનાનો તબક્કો વટાવી ચૂક્યું છે અને હવે તે 600 મીટર સુધી ઉડવા લાગ્યું છે. તેના પર નજર રાખી રહેલા સૂત્રોઓ જણાવ્યું હતું કે તેના માથા અને ગરદન પરના પીંછા તેની પાલક માતા કરતાં વધુ સફેદ દેખાવા લાગ્યા છે. બચ્ચું નર હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. તેના પીંછા અને શારીરિક વિકાસ નર પક્ષીના લક્ષણો સાથે મેળ ખાય છે.
1990ના દાયકાના અંતમાં ગુજરાતમાં 50થી વધુ ઘોરાડ હ
આ સમાચારે ગુજરાતમાં આ લુપ્તપ્રાય પ્રજાતિના પુનર્જીવન માટે આશાઓ જીવંત કરી છે. 1990ના દાયકાના અંતમાં ગુજરાતમાં 50થી વધુ ઘોરાડ હતા, પરંતુ અત્યારે માત્ર ત્રણ પુખ્ત માદા ઘોરાડ જ બચી છે. રાજ્યમાં છેલ્લો જાણીતો નર ઘોરાડ ડિસેમ્બર 2018માં ગાયબ થઈ ગયો હતો, જેના કારણે કુદરતી રીતે પ્રજનનની શક્યતા સાવ સમાપ્ત થઈ ગઈ હતી.
માદા ઘોરાડ દ્વારા ઉછેરવામાં આવેલું બીજું બચ્ચું
આ બચ્ચું 'જમ્પ-સ્ટાર્ટ' પદ્ધતિ હેઠળ તે જ માદા ઘોરાડ દ્વારા ઉછેરવામાં આવેલું બીજું બચ્ચું છે. માદાના બિનફળદ્રુપ ઈંડાને બદલીને તેની જગ્યાએ રાજસ્થાનથી લાવવામાં આવેલું ફળદ્રુપ ઈંડું મૂકવામાં આવ્યું હતું. આ પહેલાં 24 માર્ચે જન્મેલું પહેલું “જમ્પ-સ્ટાર્ટ” બચ્ચું 24 દિવસ પછી ગુમ થઈ ગયું હતું, જેના કારણે વન વિભાગની ટીકા થઈ હતી અને બીજા પ્રયાસ માટે દેખરેખ વધુ કડક બનાવવામાં આવી હતી.
50 વનકર્મીઓએ ત્રણ શિફટમાં કરી કામગીરી
આ વખતે લગભગ 50 વનકર્મીઓએ ત્રણ શિફ્ટમાં કામ કરીને સ્પોટિંગ સ્કોપ, બાયનોક્યુલર અને ટ્રાઈપોડથી સજ્જ વોચટાવર પરથી 24 કલાક સતત બચ્ચા પર નજર રાખી હતી. અધિકારીઓએ દૃશ્યતા વધારવા માટે ગાંડા બાવળની ઝાડીઓ દૂર કરીને શિકારી પ્રાણીઓનું જોખમ ઘટાડ્યું હતું. આ ઉપરાંત રખડતા કૂતરા અને શિયાળને દૂર રાખવા માટે આસપાસના કૃત્રિમ જળાશયો ખાલી રાખવામાં આવ્યા હતા.
કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે અગાઉ ટ્વીટ કરીને પુષ્ટિ કરી હતી કે બચ્ચું 40 દિવસ જીવી જતાં નલિયાનો આ જમ્પ-સ્ટાર્ટ પ્રયાસ સફળ રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ નર પક્ષી ભવિષ્યમાં રાજ્યમાં ઘોરાડની વસ્તી ફરી વધારવાના ગુજરાતના પ્રયાસોમાં અત્યંત મદદરૂપ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે વન વિભાગના સૂત્રોએ અગાઉ આ ટેકનિક દ્વારા જિલ્લામાં ઘોરાડની સંખ્યા 20થી વધુ લઈ જવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. નિષ્ણાતો અને વોચર્સની ટીમ દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા સાથે સતત મોનિટરિંગ છતાં પ્રથમ બચ્ચાનું મોત થતા ગુજરાતના વન્યજીવ સંરક્ષણ પ્રયાસો માટે મોટો આંચકો હતો. જોકે બીજું બચ્ચું સફળતાપૂર્વક અત્યંત જોખમી 40 દિવસોનો તબક્કો પસાર કરી લેતાં ફરી આશા જીવંત થઈ છે.