Sat Apr 18 2026

Logo

નિકાસકારોને આરઓડીટીઈપીનાં સંપૂર્ણ લાભ આપવા વાણિજ્ય મંત્રાલયની બાંયધરીઃ ફિઓ

2026-03-07 19:01:57
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ હાલમાં પશ્ચિમ એશિયાના દેશોમાં પ્રવર્તી રહેલી કટોકટીને કારણે નિકાસકારો પડકારોનો સામનો કરી રહ્યા છે આથી નિકાસકારોને ટેકો આપવા માટે વાણિજ્ય મંત્રાલયે નિકાસને ટેકો આપતી સ્કીમ આરઓડીટીઈપી (રેમિસન ઑફ ડ્યૂટીઝ ઍન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ) હેઠળનાં તમામ લાભો આગામી પહેલી એપ્રિલથી પુનઃ અમલ કરવાની બાંયધરી આપી હોવાનું ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિઓ)એ જણાવ્યું છે. 

નોંધનીય બાબત એ છે કે સરકારે ગત 23મી ફેબ્રુઆરીથી કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ચીજોને બાદ કરતાં તમામ ચીજો પર આરઓડીટીઈપી સ્કીમ હેઠળ ડ્યૂટી દરમાં મળતા લાભ અડધા અથવા તો 50 ટકા કરી નાખ્યા હતા. જોકે, હવે નિકાસકારો માટે ખુશખબર એ છે કે આરઓડીટીઈપી ના હાલના 50 ટકાના દર માત્ર 31મી માર્ચ, 2026 સુધી અમલી રહેશે અને આગામી પહેલી એપ્રિલથી આરઓડીટીઈપી સ્કીમ હેઠળનાં સંપૂર્ણ લાભ મળતા થશે જેથી નિકાસકારોને આવશ્યક એવો ટેકો મળશે, એમ ફિઓના પ્રમુખ એસ સી રલ્હને જણાવતા ઉમેર્યું હતું કે આ બાંયધરી ફિઓ સાથે સાથે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ સાથે થયેલી બેઠકમાં આપવામાં આવી છે. 

અગાઉ નિકાસકારોએ સ્કીમ હેઠળના દરમાં કરવામાં આવેલા ઘટાડા અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને વાણિજ્ય મંત્રાલયને આ નિર્ણય અંગે ફેરવિચારણા કરવાનો પણ અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ સ્કીમ વર્ષ 2021માં અમલી કરવામાં આવી હતી. તેમ જ આ સ્કીમ અંતર્ગત નિકાસકારો દ્વારા ચીજોનું ઉત્પાદન, પ્રક્રિયા અને વિતરણ કરતી વખતે ભરવામાં આવેલ ડ્યૂટી, વેરા અને લેવીઓ જેનું કેન્દ્ર, રાજ્ય અથવા સ્થાનિક સ્તરે રિફંડ ન મળતું હોય તેનું 0.3થી 3.9 ટકા સુધીનું રિફંડ આપવામાં આવતું હતું. 

જોકે, વર્ષ 2025-26નાં અંદાજપત્રમાં આ સ્કીમ હેઠળ થતી ફાળવણી જે રૂ. 18,232 કરોડની હતી તે વધારીને રૂ. 21,707 કરોડ કરવાનો પ્રસ્તાવ હતો, પરંતુ અંદાજપત્રીય ફાળવણી રૂ. 10,000 કરોડની થઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર વાણિજ્ય મંત્રાલયે એક્સપેન્ડિચર ફાઈનાન્સ કમિટી (ઈએફસી)ને ફાળવણી વધારવા માટે નોટ્સ મોકલવામાં આવી છે. 

અગાઉ નિકાસકારો અમેરિકી ટૅરિફના પડકારોનો સામનો કરી રહ્યા હતા, જ્યારે હવે ગયા મહિનાના અંતે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલા કર્યા હોવાથી પશ્ચિમ એશિયાના દેશોની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ વિવાદને કારણે દરિયાઈ તથા હવાઈ નૂર ભાડામાં વધારો થયો છે. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહે તો વૈશ્વિક બજારમાં ભારતીય નિકાસકારોને ભાવસ્પર્ધાત્મકતાનો વધુ સામનો કરવો પડશે. નોંધનીય બાબત એ છે કે ભાવ સંવેદનશીલ ક્ષેત્રોમાં થતી નિકાસમાં એકથી બે ટકાનો ભાવવધારો પણ નિકાસ પર માઠી અસર પાડતો હોય છે.