વિશેષઃરાજેશ યાજ્ઞિક
કોઈ તમને કહે કે તમે બુધરી તાતીનું નામ સાંભળ્યું છે? તો તમે માથું ખંજવાળશો. આપણે વંચિતોની સેવામાં જીવન સમર્પિત કરનાર આ લાડકીની પ્રેરક કથા જાણવી જોઈએ...
છત્તીસગઢ રાજ્યમાં દંતેવાડા અને અબુઝમાઢની વાત આવે ત્યારે આપણને શું યાદ આવે? ત્યાં દાયકાઓથી વકરેલો નક્સલવાદ જ યાદ આવે. આ આવા નક્સલ પ્રભાવિત ક્ષેત્રમાં રહેતી બુધરી તાતીને આ વર્ષે પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યાં ત્યારે દેશનાલોકોને તેમણે ચાર દાયકાથી કરેલી સેવાની જાણ થઇ.
છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના ગીદમ નજીક હિરાનારના એક આદિવાસી પરિવારમાં જન્મેલા બુધરી તાતીએ લગભગ ચાર દાયકા પહેલા યુવાનીમાં સમાજ સેવાનો માર્ગ પસંદ કર્યો હતો. બુધરીના પિતા ચૈતુ તાતી, તેમના જન્મના એક વર્ષ પછી મૃત્યુ પામ્યા. માતા સોની તાતીએ તેમનાં ચાર સંતાનોને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઉછેર્યાં. તેના ભાઈ-બહેનોમાં સૌથી નાની બુધરી છ વર્ષની ઉંમરે ગુમરગુંડામાં સદા પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં આવી હતી. મહારાજ આદિવાસી કલ્યાણ અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતા હતા અને તાતી પરિવારના સગા પણ હતા.
અહીં જ તેના મનમાં પોતાના વિસ્તારના વંચિતો અને શોષિતોના કલ્યાણ માટે કામ કરવાનાં બીજ રોપાયાં. બુધરી તાતીએ આશ્રમમાં રહીને દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. બસ્તર જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં આટલું ભણતર તો ભયોભયો કહેવાય... તેમાં પણ ગરીબ પરિવારની દીકરીને આશ્રમના પ્રતાપે આટલું શિક્ષણ પ્રાપ્ત થયું. તેમને આગળ અભ્યાસ કરવાની અને રોજગાર શોધવાની તક હતી, પરંતુ વનવાસીઓની દુર્દશા તેમને વ્યથિત કરતી હતી. દૂર દૂરના દેશોમાંથી આશ્રમમાં આવતાં બાળકોને જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠતું હતું. આખરે તેમણે આજીવન અવિવાહિત રહેવાનો અને જીવનભર તેમની સેવા કરવાનો સંકલ્પ કર્યો.
બુધરી તાતીએ દાંતેવાડાના હિરાનાર ગામમાંથી જ સમાજસેવા શરૂ કરી. તે સમયે આ વિસ્તાર શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓની દ્રષ્ટિએ ખૂબ જ પછાત હતો. સંસાધનોનો અભાવ, નિરક્ષરતા અને સામાજિક પડકારો હોવા છતાં, તેમણે હાર માની નહીં. બુધરી તાતીએ આદિવાસી મહિલાઓને સશક્ત બનાવવા માટે બચત, સ્વરોજગાર અને જૂથ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું. તેમણે તેમને આર્થિક સશક્તીકરણનું મહત્ત્વ શીખવ્યું અને તેમને પોતાના પગ પર ઊભા રહેવા માટે પ્રેરણા આપી.
આ સાથે, વ્યસન મુક્તિ અભિયાનના ભાગ રૂપે, તેમણે ગામડે ગામડે પ્રવાસ કર્યો, પરિવારો સાથે વાતચીત કરીને વ્યસનનાં ખરાબ પરિણામો વિશે જાગૃતિ લાવી. તેઓ માને છે કે સમાજમાં કાયમી પરિવર્તન ત્યારે જ શક્ય છે જ્યારે પરિવારો પોતે પહેલ કરે.
પોતાના કાર્યને વધુ અસરકારક બનાવવા માટે બુધરીએ નાગપુરના વનવાસી કલ્યાણ આશ્રમમાંથી તાલીમ મેળવી. ત્યારબાદ તેમણે રાયપુર અને જગદલપુરમાં રહીને અનુભવ મેળવ્યો. જગદલપુરના ભાનપુરી વિસ્તારમાં, તેમણે ભાડાના મકાનમાં એક નાનું છાત્રાલય શરૂ કર્યું, જે પાછળથી ‘રાણી દુર્ગાવતી છાત્રાલય’ તરીકે જાણીતું બન્યું. આ છાત્રાલયમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ હવે ડોક્ટર, શિક્ષકો અને વિવિધ સરકારી સેવાઓમાં કાર્યરત છે.
આ દીદી છેલ્લા 36 થી વધુ વર્ષોથી નિરંતર આ સેવાયજ્ઞ ચલાવી રહ્યાં છે. આ દરમિયાન તેમણે પગપાળા પ્રવાસ કર્યો અને બસ્તર વિભાગના 570 થી વધુ ગામડાઓ સુધી પહોંચ્યાં અને આદિવાસી સમુદાયને શિક્ષણ અને આરોગ્ય સાથે જોડ્યો. બુધરી તાતીએ સિકલ સેલ, એનિમિયા, કમળો, માથાનો દુખાવો, નબળાં બાળકો અને કિડનીમાં પથરી જેવા રોગો વિશે જાગૃતિ ફેલાવી. તેમણે હર્બલ ઔષધિઓ વડે ન માત્ર સ્વયં ઉપચાર કર્યો, પરંતુ ગ્રામજનોને સારવાર લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા. તેમના પ્રયાસોથી નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત એવા અબુઝમાઢમાં જ લગભગ 565 મહિલાઓને તેમણે આત્મનિર્ભર બનાવી છે.
તાતીએ સમાજ સેવા માટે હિરાનારમાં મા શંખિની મહિલા ઉત્થાન સંસ્થાની સ્થાપના કરી છે. ગરીબ પરિવારોનાં ત્રીસ બાળકો અહીં રહે છે અને શિક્ષણ મેળવે છે. આ માટે તે સરકાર પાસેથી કોઈ મદદ લેતા નથી. તે પહેલાં, બુધરી તાતીએ બચત ગટ્ટા નામના જૂથો બનાવીને મહિલાઓને બચત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આજે, સેંકડો મહિલાઓ આ જૂથની સભ્ય છે.
આ આદિવાસી સમાજસેવિકાને તેમના ઉમદા કાર્ય માટે માઓવાદીઓ તરફથી ધમકીઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ એ ક્યારેય ડગમગ્યાં નહીં. એ પોતાના ધ્યેય તરફ દૃઢતાથી આગળ વધતા રહ્યાં. 2005 માં માઓવાદી હિંસા વિરુદ્ધ સલવા જુડુમ અભિયાન દરમિયાન હિંસાના પીડિતો માટે બુધરી તાતી એક ટેકો બનીને ઊભાં રહ્યાં હતાં. આજે પણ 61 વર્ષની ઉંમરે પણ એમની સેવા અવિરત ચાલુ છે. બસ્તરના લોકો બુધરી તાતીને સ્નેહથી ‘બડી દીદી ’ કહીને બોલાવે છે.
ભારત દેશમાં આવી અનેક મૂક સેવકો છે, જે છેવાડાના લોકોની વ્યથા સમજીને તેમના ઉથ્થાન માટે જીવન સમર્પિત કરી દે છે. આ જ તો છે, સાચો ગાંધી ચીંધ્યો માર્ગ!