ભુજઃ નખત્રાણા તાલુકાના મંજલ ગામની વાડીમાં બોરના વાયરની લૂંટ કરવાના ઈરાદે ખેતમજૂરની છાતીમાં ઊંધી કુહાડી ઝીંકી તેનું મોત નીપજાવી ફરાર થઈ ગયેલી તસ્કર બેલડી સહિત ચોરીનો માલ ખરીદનાર વેપારીને નખત્રાણા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનામાં સંડોવાયેલા બે લૂંટારુઓ અને ભુજના ભંગારના વેપારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી ભેદ ઉકેલી નાખ્યો હતો.
શું હતો મામલો
ઘટનાની વિગતો અનુસાર, ગત ૧૧ સપ્ટેમ્બરના રોજ મધરાતે ત્રણેક વાગ્યાના અરસામાં મંજલ ગામની સીમમાં આવેલી પરેશ માવાણીની વાડીમાં બોરની મોટર રિપેરિંગ અર્થે બહાર કઢાયેલી હોવાથી અંદાજે ૨૫૦ ફૂટ લાંબો વાયર પણ બહાર પડેલો હતો. આ કેબલની ચોરી ન થાય તે માટે વાડીમાં મજૂરીકામ કરતા મૂળ બોડેલી (છોટા ઉદેપુર)ના વતની કિરણ દિનેશ નાયક (ઉ.વ. ૩૫) પોતાની પત્ની સાથે ત્યાં ખાટલો ઢાળીને સૂતા હતા. તે વેળાએ બે અજાણ્યા શખ્સો વાયર ચોરવાના ઈરાદે ત્યાં ઘૂસ્યા હતા.
કુહાડીનો ઘા ઝીંક્યો હતો
અવાજ થતાં મજૂર દંપતી જાગી ગયું હતું અને પ્રતિકાર કરતાં તસ્કરોએ કિરણ સાથે ઝપાઝપી કરી તેમની છાતીના ભાગે ઊંધી કુહાડીનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો. હુમલાથી ગભરાઈ ગયેલું દંપતી દોડીને ઓરડી પાસે સૂતેલા સગીર પુત્રને સાથે લઈ અડધો કિલોમીટર દૂર રહેતા ભાણેજ રણજીતની વાડીએ પહોંચ્યું હતું. રણજીતે વાડીમાલિકને ફોન પર જાણ કરી તે દરમિયાન ખાટલા પર ઢળી પડેલા કિરણને હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની પત્નીની ફરિયાદના આધારે નખત્રાણા પોલીસે સાપરાધ મનુષ્યવધ અને લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
એક જ સપ્તાહમાં ભેદ ઉકેલાયો
નખત્રાણા પીઆઈ એ. એમ.પટેલ અને તેમની ટુકડીએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એક જ સપ્તાહમાં ભેદ ઉકેલી પોલીસે મૂળ કાઢવાંઢ (ખાવડા)ના અને હાલ માધાપરની સોનાપુરીમાં રહેતા હાસમ ઓસમાણ વાઢા (ઉ.વ. ૩૮) અને તેના સાગરીત સાએબ આમદ વાઢા (ઉ.વ. ૨૩) તેમજ ચોરીનો મુદ્દામાલ ખરીદનાર ભુજના મુક્તિનગર વિસ્તારના ઝુબેર રઝાક કુંભારને દબોચી લીધા હતા.
હાસમ વાઢા રીઢો ગુનેગાર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી હાસમ વાઢા રીઢો ગુનેગાર છે અને તેની સામે બનાસકાંઠાના પાલનપુર તેમજ પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં વાહન ચોરી, કેબલ ચોરી અને ઘરફોડ ચોરી સહિતના ૨૦ ગુનાઓ નોંધાયેલા છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે પશ્ચિમ કચ્છ પંથકમાં વધુ ૭ કેબલ ચોરીના ગુના આચર્યા હોવાની કબૂલાત આપી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)