તેમના પુત્ર સુપ્રિયા સુલેની પુત્રી સાથે લગ્ન કરવાના છે
નાગપુર: ઉદ્યોગપતિ અને 18 જૂને મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની ચૂંટણીમાં ચંદ્રપુર-વર્ધા-ગઢચિરોલી બેઠકના ભાજપના ઉમેદવાર અરુણ લાખાણીએ સોમવારે કહ્યું હતું કે રાજકારણ અને પારિવારિક સંબંધો અલગ બાબતો છે.લાખાણીના પુત્ર સારંગના લગ્ન 20 જૂને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેની પુત્રી રેવતી સાથે થવાના છે.‘સુપ્રિયા તાઈએ મને અભિનંદનનો સંદેશો મોકલ્યો છે. પવાર પરિવારનો ઉલ્લેખ સ્વાભાવિક છે કારણ કે તે એક મોટો રાજકીય પરિવાર છે અને અમે વેવાઈઓ છીએ. મને તેમાં કંઈ અસામાન્ય દેખાતું નથી,’ એમ ભાજપના ઉમેદવાર તરીકે નામાંકિત થયા બાદ તેમણે એક મરાઠી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.
પવાર પરિવાર સાથેના તેમના રાજકીય જોડાણ અને પારિવારિક સંબંધોએ એક અનોખું સમીકરણ બનાવ્યું છે કે કેમ તે પૂછવામાં આવતા, લાખાણીએ કહ્યું કે રાજકારણ અલગ છે અને બંને પક્ષો પોતપોતાની વિચારધારાઓ પ્રત્યે પ્રતિબદ્ધ છે.ઉદ્યોગપતિએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત મહારાષ્ટ્ર ભાજપના નેતાઓએ તેમના પર મૂકેલા વિશ્ર્વાસથી તેઓ સન્માનિત થયા છે.
પોતાની ચૂંટણીની સંભાવનાઓ વિશે, લાખાણીએ કહ્યું કે લોકશાહીમાં મતદારો એવા ઉમેદવારોને પસંદ કરે છે જે તેમના માટે કામ કરશે અને સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવામાં મદદ કરશે.ભાજપના ઉમેદવારે સ્વીકાર્યું કે ચંદ્રપુર-વર્ધા-ગઢચિરોલી મતવિસ્તાર વિશાળ અને વૈવિધ્યસભર છે, જેમાં ત્રણ જિલ્લાઓની અલગ-અલગ લાક્ષણિકતાઓ સાથે આવરી લેવામાં આવ્યા છે, જેમાં પછાત જિલ્લો ગઢચિરોલી અને ગાંધીવાદી ગઢ વર્ધાનો સમાવેશ થાય છે.
જોકે, તેમણે એવા સૂચનોને ફગાવી દીધા કે આ ભૂપ્રદેશ મુશ્કેલીઓ ઊભી કરશે.‘લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટ સાથેના મારા કાર્યકાળ દરમિયાન મેં અગાઉ આ પ્રદેશમાં વ્યાપક પ્રવાસ કર્યો છે. મારા લોકો સાથે જોડાણ છે અને આ ત્રણ જિલ્લાઓ મારા માટે નવા નથી. ભાજપે મને આ તક આપી છે અને મને ચૂંટણી જીતવાનો વિશ્ર્વાસ છે,’ એમ તેમણે કહ્યું હતું.
કાર્યકરો પર ઉદ્યોગપતિને પસંદગી: વડેટ્ટીવારનો ભાજપ પર હુમલો
વિધાન પરિષદની ઉમેદવારી અરુણ લાખાણીને આપવામાં આવ્યા બાદ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે લાખાણીની ઉમેદવારી અંગે ભાજપ પર કટાક્ષ કર્યો હતો.
ભાજપ પાયાના કાર્યકરો કરતાં ઉદ્યોગપતિઓને પ્રાધાન્ય આપી રહ્યું હોય તેવું લાગે છે, એમ તેમણે અહીં પત્રકારોને જણાવ્યું હતું.‘કોંગ્રેસે ઉમેદવારો નક્કી કરી લીધા છે અને તેઓ સંપૂર્ણ તાકાતથી ચૂંટણી લડશે. નોંધપાત્ર સંખ્યાત્મક તાકાત હોવા છતાં, ભાજપે છેલ્લી ક્ષણ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં વિલંબ કર્યો, જે પક્ષમાં ચિંતા દર્શાવે છે,’ એવો દાવો વડેટ્ટીવારે કર્યો હતો.
ચંદ્રપુરની બેઠકનો ઉલ્લેખ કરતાં, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે કિસાન સેલના પક્ષના રાષ્ટ્રીય સચિવ અને અનેક રાજ્યોના પ્રભારી શૈલેન્દ્ર અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા છે.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાંથી 16 વિધાનસભા પરિષદ બેઠકો અને નાગપુર સ્વરાજ્ય સંસ્થામાંથી પેટા ચૂંટણી 18 જૂને યોજાવાની છે.આ ચૂંટણીઓ મહારાષ્ટ્રના સ્થાનિક સંસ્થાના મતવિસ્તારોમાંથી યોજાઈ રહી છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સભ્યો વિધાન પરિષદના સભ્યોને ચૂંટવા માટે ચૂંટણી મંડળ બનાવે છે. આ મતવિસ્તારો ઘણા જિલ્લાઓમાં ફેલાયેલા છે. (પીટીઆઈ)