Mon Jun 01 2026

Logo

અમરેલીમાં બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહામંત્રી પર હુમલો...

2026-03-08 22:35:02
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: અમરેલી જિલ્લાના દામનગર ખાતે એક સનસનાટીભરી ઘટના બની હતી. ઠાસા રોડ પર નવા બ્રિજનું ખાતમુહૂર્ત ચાલી રહ્યું હતું, ત્યારે ભાજપના જ ધારાસભ્ય જનક તળાવીયાની હાજરીમાં દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા (વજા) પર ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર હિરાભાઈ નવાપરાએ અચાનક આવીને આ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. લોહીલુહાણ હાલતમાં પ્રકાશભાઈને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ સુધારા પર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું

ઘટના અંગે ધારાસભ્ય જનક તળાવીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ હુમલો અંગત પારિવારિક અદાવતને કારણે થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ખાતમુહૂર્તની વિધિ શરૂ હતી તે દરમિયાન જ ઠાસા ગામના વતની એવા હિરાભાઈ નવાપરાએ ઉશ્કેરાઈને આ કૃત્ય આચર્યું હતું. જાહેરમાં અને તે પણ શાસક પક્ષના નેતાઓની હાજરીમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.