Fri Apr 24 2026

Logo

‘આપણે એક જ જહાજ પર સવાર, ડૂબીશું તો સાથે ડૂબીશું’: મુસ્લિમોને અજિત ડોભાલે કેમ આવું કહ્યું?

2026-04-24 20:11:03
Author: Mumbai Samachar Team
Article Image

Zafar Sareshwala/X


નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ અને ભારતીય મુસ્લિમ સમુદાયના પસંદગીના લોકો વચ્ચે વડા પ્રધાન કાર્યાલયમાં 18 એપ્રિલના રોજ એક બેઠક યોજાઈ હતી. 14 સભ્યોના આ ગ્રુપમાં ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, કાર્યકરો, એક ડૉક્ટર અને એક પત્રકાર સામેલ હતા. 

આ બેઠકમાં મુસ્લિમ સમુદાયમાંથી આવતા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સામેલ હતા. બેઠક દરમિયાન એનએસએએ જણાવ્યું હતું કે ભારતમાં રહેતા હિન્દુઓ અને મુસ્લિમો એક જ જહાજના મુસાફરો જેવા છે. નોંધનીય છે કે આ બેઠકનો હેતુ પરંપરાગત વોટ બેન્કના રાજકારણથી આગળ વધીને મુસ્લિમ સમુદાયના વિકાસ, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતાના ભવિષ્ય પર ચર્ચા કરવાનો હતો.

લગભગ દોઢ કલાક સુધી મહેમાનોને ધીરજપૂર્વક સાંભળ્યા પછી અજિત ડોભાલે પ્રભાવશાળી ભાષણ આપ્યું હતું. તેમના એક વાક્યએ અહીં હાજર તમામ લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે કહ્યું હતું કે "આપણે (હિન્દુઓ અને મુસ્લિમો) એક જ જહાજમાં સવાર છીએ. આપણે સાથે તરીશું અથવા તો સાથે ડૂબીશું!"

પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પ્રખ્યાત શિક્ષણવિદ અને ઉદ્યોગપતિ ઝફર સરેશવાલા કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ડોભાલે દેશમાં ધર્મો વચ્ચે એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. "સરકારે અમને આમંત્રણ આપ્યું હતું અને આ એક સકારાત્મક સંકેત છે. બેઠકમાં અમે સમાન તકની વિનંતી કરી હતી. અમે કહ્યું કે મુસ્લિમો સાથે ભેદભાવ ન થવો જોઈએ અને વિશેષ સુવિધાઓ પણ મળતી જોઈએ નહીં.

સરેશવાલા સિવાય ડોભાલને મળનારા પ્રખ્યાત મુસ્લિમોમાં કેપી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ફારુક પટેલ, જર્મન સ્ટીલના સીએમડી ઈનામુલહક ઈરાકી, જર્મન સ્ટીલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈબરારુલહક ઈરાકી, નિટન વાલ્વ્સના સીઈઓ જુનેદ શરીફ, જીએલએસ સ્વિચગિયરના ડિરેક્ટર ઝફર લારી, દાઉદી બોહરા નેતા જમાત અલ્તાફ સાદિકોટનો સમાવેશ થાય છે.