Mon Oct 05 2026

Logo

ગુજરાત ATSની મોટી કાર્યવાહી; નકલી પાસપોર્ટ કેસમાં કોંગ્રેસ નેતાના પુત્રની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો....

2026-09-16 13:14:00
Author: Vimal Prajapati
ગુજરાત ATSની મોટી કાર્યવાહી; નકલી પાસપોર્ટ કેસમાં કોંગ્રેસ નેતાના પુત્રની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો....

અમદાવાદઃ ગુજરાતમાં નકલી પાસપોર્ટ કેસમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રનું નામ પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના દીકરા હરિકેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી  હરિકેશ પટેલનો પાસપોર્ટ કોઈ કેસમાં ઈડીએ જમા કરી રાખ્યો હતો. પાસપોર્ટ જમા હોવા છતાં પણ આરોપીએ કોઈ અન્ય રાજ્યમાંથી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ નકલી પાસપોર્ટના આધારે તેને વિદેશ યાત્રા પણ કરી હતી. આ કેસમાં હવે હરિકેશ પટેલની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

હરિકેશ પટેલ 2023માં નોંધાયો હતો મની લોન્ડ્રીગ કેસ

મળતી વિગતો પ્રમાણે હરિકેશ પ્રણવ પટેલે નકલી પાસપોર્ટ બનાવ્યો હોવાની ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એટીએસ દ્વારા તેની ધરકપકડ કરી લેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આરોપી હરિકેશ પટેલ 2023માં મની લોન્ડ્રીગ કેસમાં સામેલ હોવાનું પ્રકાશમાં આવ્યું ગતું. જેથી તેનો પાસપોર્ટ જમા કરી લેવામાં આવ્યો હતો. તે પછી કેસ કોર્ટમાં જતા કોર્ટે આરોપીને આગોતરા જામીન આપી દીધા હતા. જો કે, તેને ફરી ઈડીએ રદ્દ કરી દીધા હતાં. આ દરમિયાન તેનો પાસપોર્ટ પણ જમા જ હતો. 

આરોપીએ કેવી રીતે બનાવ્યો હતો નકલી પાસપોર્ટ?

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આવા નકલી પાસપોર્ટ માટે દુબઈમાં રહેતા એક મિત્રનો સંપર્ક કર્યો હતો. તેના મિત્રએ દિલ્હીના કોઈ એજન્ટ સાથે ઓળખાણ કરાવી હતી. આરોપીએ તે એજન્ટને 25 લાખ રૂપિયા આપીને રહેઠાણનું નકલી એગ્રીમેન્ટ પણ કરાવ્યું હતું. આ બધું પ્લાનિંગ કર્યાં બાદ આરોપીએ જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તેણે નવો પાસપોર્ટ બનાવી લીધો હતો. આ પાસપોર્ટના આધારે તેણે અનેક દેશોની યાત્રા કરી હતી. દુબઈ, બેંગકોક અને સિંગાપોર જેવા દેશોમાં આરોપી નકલી પાસપોર્ટના આધારે જ ગયો હતો. જો કે, હવે ફરી તે વિદેશ જાય તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

આરોપીનું સાયન્સ સિટી અને શાહીબાગ ખાતે મકાન આવેલું છે. આ પહેલા તેની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના નામે કેટલીક ખોટી કંપનીઓ પણ રજીસ્ટર્ડ હોવાનું પણ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે. આ કંપનીઓના નામે આરોપી ફ્રોડ કરતો હતો. અત્યારે ફરી આરોપીની ધરપકડ કરવામાં આવી અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.