Mon Sep 14 2026

Logo

ઘાસ, પાણી અત્યારથી જ ખૂટી પડતાં કચ્છના બન્ની પંથકના માલધારી પરિવારોની હિજરત શરૂ

2026-06-13 10:41:00
Author: Mumbai Samachar Team
ઘાસ, પાણી અત્યારથી જ ખૂટી પડતાં કચ્છના બન્ની પંથકના માલધારી પરિવારોની હિજરત શરૂ

ભુજ: રણપ્રદેશ કચ્છના ઓળખસમા ભાતીગળ બન્ની પંથકમાં જળસ્ત્રોતોના તળિયા ઝાટક થવાને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. પશુઓ માટે ઘાસચારા અને પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા, માલધારી પરિવારોએ પોતાના પશુધનને બચાવવા માટે અત્યારથી જ હિજરતનો આરંભ કર્યો છે.

બન્ની વિસ્તારના શેરવા, સરાડા, સાવલપુર, રંભુવાંઢ અને ભગાડિયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક પરિવારો પોતાના પશુઓ સાથે હિજરત કરી રહ્યા છે. આ પરિવારો પશુધનને જીવિત રાખવા માટે નિરોણા, રતનાલ, કુકમા, ખેડોઈ, ચાંદ્રાણી અને અંજાર જેવા વિસ્તારોમાં ખેતરોના શેઢા-પાળા પર અસ્થાયી પડાવ નાખીને વસવાટ કરી રહ્યા છે.

માલધારીઓના જણાવ્યા મુજબ, બન્નીમાં આ વર્ષે જળકુંડ અને કુદરતી જળસ્ત્રોતો સૂકાઈ જતાં પાણીની ભારે તંગી સર્જાઈ છે. બીજી તરફ, લીલો ઘાસચારો મળવો મુશ્કેલ બન્યો છે અને બજારમાં ઘાસચારા તથા ખોળ-ભૂસાના ભાવ આસમાને પહોંચતા આર્થિક રીતે પણ માલધારીઓ કમર તોડ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. અગાઉ જે રાયડાના પરારનો ચારો ઉપયોગમાં લેવાતો ન હતો, તેના ભાવ પણ હવે વધી ગયા છે.

હાલ ભુજ તાલુકાના વિવિધ વિસ્તારો જેવા કે શેખપીર ચોકડી, કુકમા, લાખોંદ, પદ્ધર અને મમુઆરામાં આશરો લઈ રહેલા માલધારીઓ ખેડૂતોની મંજૂરી મેળવીને મકાઈ, જાર, ડાભ અને શેરડીના પાંદડા જેવા ચારા પર પશુઓને નભાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પરિવારનું ગુજરાન ચલાવવું કે પશુઓને બચાવવા, તે મોટો પ્રશ્ન માલધારીઓને સતાવી રહ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)