અમેરિકાએ 5 અઠવાડિયામાં 35 અબજ ડૉલર ગુમાવ્યા; હવે ખર્ચ વસૂલવા અખાતી દેશો પર દબાણ વધાર્યું
તહેરાનઃ ઈરાનને આર્થિક રીતે પછાડીને અમેરિકા અડ્ડો જમાવવા માગે છે. ઈઝરાયલનો સાથ મળતા હવે યુદ્ધ અલગ મોરચા પર લડાઈ રહ્યું છે. ઈઝરાયલના ખભે બંદુક મૂકીને અમેરિકાએ રણનીતિ એવી વાપરી છે જેની માઠી માત્ર ઈરાનને જ નહીં અખાતી દેશોને પણ ભોગવવી પડી રહી છે. આર્થિક રીતે અમેરિકાને ફટકા પડ્યા બાદ હવે તે સમજી વિચારીને ઘા કરી રહ્યું છે. પહેલા પાંચ અઠવાડિયામાં જ અમેરિકાએ 35 અબજ ડૉલર સ્વાહા કરી દીધા. દૈનિક ધોરણે ભારતીય ચલણ અનુસાર ગણવામાં આવે તો આ 8300 કરોડ રૂપિયા થાય.
કરે કોઈ ભરે કોઈ જેવી સ્થિતિ
અમેરિકી સરકારના રક્ષા વિભાગનું કહેવું છે કે, મિસાઈલ મારો કરવામાં અને સમુદ્રમાં જહાજની મુવમેન્ટમાં પૈસાનો ખો બોલી રહ્યો છે. હવે અમેરિકા એવું ઈચ્છે છે કે, આ તમામ ખર્ચો અખાતી દેશ ચૂકવે. વર્ષ 1990-91ના યુદ્ધનો ઉલ્લેખ કરીને અમેરિકાએ કહ્યું કે, કુવૈત અને સાઉદી અરેબિયા એ અમેરિકાનો તમામ ખર્ચો ઊઠાવ્યો હતો.જાણકારોનું એવું માનવું છે કે, વારંવાર યુદ્ધનો કુલ ખર્ચો 200 અબજ ડૉલરથી પણ વધી જાય એમ છે. હવે આ યુદ્ધમાં પણ ખર્ચો ચૂક્તે કરવાનું દબાણ અમેરિકા અખાતી દેશોને કરી રહ્યો છે. વ્હાઈટ હાઉસ પ્રવક્તા કેરોલિન લેવિટે કહ્યું હતું કે, ટ્રમ્પ એવું ઈચ્છે છે કે, ઈરાન સાથેના યુદ્ધ અને સૈન્ય ઑપરેશન માટે થયેલો ખર્ચ અખાતી દેશ પણ ચૂકવે.
ટ્રમ્પ કોઈ મોટું નિવેદન આપી શકે
આ ખર્ચની વિગત અને અન્ય કેટલાક મુદ્દાઓ પર હજું સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. પણ એંધાણ એવા બાંધી શકાય છે કે, આવનારા સમયમાં ટ્રમ્પ આ ખર્ચને લઈને કોઈ મોટું એલાન કરી શકે છે અથવા કોઈ મોટી સ્પષ્ટતા કરી શકે છે. અખાતી દેશની સ્થિતિ તણાવગ્રસ્ત હતી એ હવે તમામ મોરચે સંવેદનશીલ બની રહી છે. સુરક્ષાની દ્રષ્ટિથી જોઈએ તો હાલ ત્યાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે તો આર્થિક રીતે પણ ખોટ ખાવાનો વારો આવ્યો છે. ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે અખાતી દેશને પણ ભારે નુકસાન થયું છે.
આર્થિક સ્ત્રોતને મોટો ફટકો
હવે અમેરિકાની તૈયારી અખાતી દેશ પર આર્થિક ભારણ વધારીને દબાણ ઊભું કરવાની છે. ઈરાને સાઉદી અરેબિયા, દુબઈ, બહેરીન જેવા પોતાના પાડોશી દેશ પર હુમલા કર્યા છે, જેની ભૌગોલિક કરતા આર્થિક અસર વધારે થઈ છે. કમાણીને કેટલાક રસ્તાઓનો ખો થઈ ગયો છે. ઈરાને એ સ્થાનો પર હુમલી કરી દીધો જે જે તે દેશની આર્થિક કરોડરજ્જૂ હતી.
હોટેલ, રેસ્ટોરાં, એરપોર્ટ, પોર્ટ, સમુદ્રી જળમાર્ગ, ક્રૂડ રિફાઈનરી અને કેટલાક પાયાના કારખાના નષ્ટ થયા, જે દેશ સુરક્ષાનો દાવો કરતા હતા એ દેશની છબી ખરડાઈ ગઈ. સિતરા, રુવૈસ અને રાસ તનુરા જેવી મોટી ક્રૂડ રિફાઈનરી સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. ઈતિહાસમાં પહેલીવાર સેનાએ કોઈના ડેટા સેન્ટર પર હુમલો કરી દીધો છે. સૂત્રોમાંથી વિગત એ પણ જાણવા મળી છે કે, એમેઝોન જેવી કંપનીઓનું જે ડેટાસેન્ટર પરથી કામ થતું એને પણ અસર થઈ છે.
એરસ્પેસ બંધ થતા નુકસાન
આનાથી હવે ડિજિટલ સુરક્ષાને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. બીજી તરફ દુબઈ જેવા સિટીમાં જ્યાં 80 ટકા આર્થિક પ્રવૃતિઓ ટુરિઝમ પર નિર્ભર છે એ ટુરિઝમની કમર તોડી નાંખી છે. આ યુદ્ધે ખાડીના તમામ દેશને પોતાની એરસ્પેસ બંધ કરવા માટે મજબૂર કર્યા. આનો અર્થ એ થયો કે, આ દેશના આકાશમાંથી કોઈ વિમાન પસાર ન થઈ શકે.રમઝાનના પવિત્ર તહેવાર દરમિયાન આ હુમલો થયો હતો.
ઘણા લોકો અહીં પૂજા-પાઠ કરવા અને ઈદ બાદ ફરવા માટે આવતા હોય છે. આ વર્ષે ખાસ કોઈ એવા પ્રવાસીઓ ન આવતા આશરે 40 અબજ ડૉલરની ખોટ થઈ છે. દુનિયાનું સૌથી વ્યસ્ત મનાતું દુબઈ એરપોર્ટ અનિશ્ચિત સમય સુધી બંધી કરી દેવાયું છે. કતાર જેવા દેશ જે દુનિયાને ગેસ સપ્લાય કરતું એેને પણ પોતાના કારખાને તાળા મારી દીધા છે.
આર્થિક રીતે ખોટ ખાઈને બેઠા
હવે થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને પોર્ટને વ્યવસ્થિત રીતે રન કરવામાં 25 અબજ ડૉલરનો ખર્ચ થશે. એવું અનુમાન છે. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે, આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું તો કુવૈત અને કતાર જેવા દેશની GDPના આંકમાં કડાકો જોવા મળશે.આવી સ્થિતિ વચ્ચે અખાતી દેશ તરફથી અમેરિકાને ચૂકવણું કરવું મુશ્કેલ છે. આ પાછળનું કારણ એ છે કે, આર્થિક રીતે આ તમામ દેશ બરબાદ થયા છે. કારખાના બંધ થઈ ગયા છે. કમાણીના રસ્તા હવે ક્યારે ખુલશે એ નક્કી નથી.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયું છે, જેના કારણે ક્રૂડ ઓઈલની આવક પર અનિશ્ચિતતા ઊભી થઈ છે. હવે માર ખાઈને, ખોટ ખાઈને બેઠેલા અખાતી દેશ અમેરિકાની આર્થિક મદદ કરશે કે અન્ય કોઈ રીતે એ કહી શકાય એમ નથી. નિષ્ણાંતો ત્યાં સુધી કહી રહ્યા છે કે, યુદ્ધની આગથી અમેરિકાને પણ ડામ તો લાગશે. કારણ કે, મોંઘવારીનો મુદ્દો ત્યાં પણ એટલો જ અસર કરે છે.
અમેરિકામાં ટ્રમ્પનો વિરોધ
અમેરિકા યુદ્ધમાં ઊતર્યું છે તો બીજી તરફ ટ્રમ્પનો વિરોધ અમેરિકામાં જ શરૂ થઈ ચૂક્યો છે. આ યુદ્ધના કારણે આગામી ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. ટ્રમ્પના વિરોધી અમેરિકામાં જ વધી રહ્યા હોય એવો માહોલ છે.
નોકરીના મામલે અમેરિકન ફર્સ્ટની પોલીસીના વિચારે ચાલનારા ટ્રમ્પે ટૂંક સમયમાં અમેરિકાને મંદીના મોજામાં ફસાવી દીધો. સામાન્ય પ્રજા પર આર્થિક બોજ વધી રહ્યા છે એવામાં નવી તકનું સર્જન કે વિકાસ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું નથી. વર્ષ 2008માં જે સ્થિતિ અમેરિકાની થઈ હતી એવી સ્થિતિ ફરીવાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.