Sun Nov 01 2026

Logo

પેટછૂટી વાત...

2026-11-01 10:12:00
Author: Vinod Bhatt
પેટછૂટી વાત...

વિનોદ ભટ્ટ

મારે એ કબૂલ કરવું જોઇએ કે મને જે કંઇ મળ્યું છે એ માત્ર ને માત્ર પ્રારબ્ધ  કહેતાં નસીબને લીધે જ મળ્યું છે, પુરુષાર્થને કારણે નહીં. દા. ત.  મારું નામ વિનોદ પાડનારને ક્યાં ખબર હતી કે આ છોકરો લખીને લોકોને હસાવવાના ચાળે ચડશે!... મારી જોડે ભણતા એક વિદ્યાર્થી-મિત્ર જીતુએ તો મને એક વાર મોઢામોઢ કહ્યું હતું કે ‘અલ્યા વિનુ,  સ્કૂલમાં તો તું સાવ બાઘા જેવો હતો ને આજે હાસ્યલેખક કેવી રીતે બની ગયો?’ તેને હું કેવી રીતે કહું કે હજી પણ હું એવો જ બાઘો છું. મારી બાઘાગીરીને લોકો હાસ્યમાં ખપાવી હસે છે.

મારા નામના અકસ્માતને આગળ વધારી કહું તો મારું નામ વિનોદને બદલે વિન્મણિશંકર પાડવામાં આવ્યું હોત તો મારા પિતાશ્રીના નામ ભવાનીશંકર લક્ષ્મીશંકર જોડે એનો મેળ ચોક્કસ મળી જાત, પણ પછીએ વિન્મણિશંકર ભટ્ટને ગુજરાતી પ્રજાને હસાવવા પાછળ કેટલો બધો પરસેવો પાડવો પડ્યો હોત! આપણે ત્યાં નંદશંકર તુળજાશંકર મહેતા, આનંદશંકર  ધ્રુવ, કમળાશંકર, અતિસુખશંકર તથા નર્મદાશંકર લાલશંકર દવે જેવા ઉત્તરાર્ધમાં ‘શંકર’વાળા અનેક સાહિત્યકારો ભૂતકાળમાં થઇ ગયા. આ બધામાંનો એક  પણ ‘શંકર’ પ્રજાને મલકાવી શકેલો ?- તો પછી  આ વિન્મણિશંકરનું શું  ગજું?
----
આપણા કેટલા લેખકોની એવી ફરિયાદ છે કે ગુજરાતી પ્રજાએ, ગુજજુઓએ તેમની યોગ્ય એટલે કે તેમની મરજી મુજબની કરવી જોઇએ એવી કદર કરી નથી, ગુજરાતીને  બદલે બંગાળી, મરાઠી કે સાઉથની કોઇ ભાષામાં તેઓ લખતા હોત તો એ પ્રજાએ તેમને જિગર (કે લિવર) ફાડીને પ્રેમ આપ્યો હોત. 

જ્યારે મારી વાત કરું તો હું તો ગાંગો તેલી છું. હું છાપામાં કટાર લખતો એક કટારચી છું. છાપામાં કોલમ લખનાર માટે સાહિત્યકાર જેવો શબ્દ ઘણો મોટો પડે, તો પણ કોઈ મને સાક્ષરનું સંબોધન કરે તો હું રાજી થઉં છું, કેમ કે સાક્ષર શબ્દના અર્થની મને જાણ છે. જેની પાસે અક્ષરજ્ઞાન હોય એને મરાઠીમાં ઉદારતાપૂર્વક સાક્ષર કહેવામાં આવે છે... મને એટલિસ્ટ મારા પૂરતું તો લાગે કે મારી આ દૂધભાષી પ્રજાએ મને મારી ઓકાત કરતાં, મારી શક્તિ કરતાંય  ઘણું વધારે માન આપ્યું છે ને હજીય આપ્યા કરે છે. સાચું કહું તો  ક્યારેક તો મને ખુદની અદેખાઇ આવી  જાય છે, એવું પણ થાય છે કે પ્રજાનું આ ઋણ  ફેડવા મારે આ ભૂમિ પર કેટલા જન્મ લેવા પડશે!

આમ જોવા જઇએ તો લેખક પાસે પોતાનું કશું જ નથી હોતું. તે જે  શબ્દો  કાગળ પર વેરે છે એ પણ તેની માલિકીના હોતા નથી. આ તમામ શબ્દો શબ્દકોશમાં પડેલા હોય છે.  તે શબ્દકોશની બહારનું કશું  લખતા નથી. છતાં લેખકના નામ હેઠળ  છપાતા  શબ્દોને વાંચનાર લખનારની માલિકીના ગણીને  નવાજે છે, તેને કનૈયાલાલ મુનશી, સ્વામી આનંદ કે પન્નાલાલ પટેલ બનાવે છે. એ રીતે જોઇએ તો આ શબ્દો લેખકને ભાવકના હૃદય સુધી લઇ જાય છે, વાચકને લેખકોનો શબ્દ સગો યા શબ્દસ્વજન બનાવી દે છે. થોડાક સમય પહેલાંની ઘટના છે. હું અને પત્ની ઑટોરિક્ષામાં એક મિત્રને મળવા જતાં હતો. મિત્રના ઘર પાસે અમે રિક્ષામાંથી ઊતર્યાં. રિક્ષાવાળાને ભાડું ચૂકવી હું આગળ વધ્યો. રિક્ષાવાળાએ મારી સામે આંગળી ચીંધતાં મારી પત્નીને પૂછયું : ‘આ ભાઇ વિનોદ ભટ્ટ છે?’ પત્નીએ ડોકું હલાવી હા પાડી, એટલે તે બોલ્યો : ‘આજે બપોરે જ તેમની એક વાર્તા વાંચી’. ‘કયા પુસ્તકમાં ?’ પત્નીએ જાણવા માગ્યું. તેણે માહિતી આપી. ‘ભગવાન રજનીશના ‘ગીતાદર્શન’ વોલ્યુમ-6માં રજનીશે તેમની એક વાર્તા ઉતારી છે અને વાર્તાની શરૂઆતમાં કહ્યું છે કે, ‘મેરા એક દોસ્ત હૈ વિનોદ ભટ્ટ, ઉસકી  યહ કહાની મૈંને ‘ધર્મયુગ’ મેં પઢી થી. ’ જેને લાખો લોકો વાંચે છે એવા ભગવાન રજનીશના  પુસ્તકમાં આપણા એક ગુજરાતી લેખકની વાર્તાની  નોંધ લેવાઇ એ જોઇ મને બહુ ખુશી થઇ.’ આ સાંભળીને મને એ વાતે વધારે આનંદ થયો કે પેટિયું કાઢવા અમદાવાદની સડકો પર રિક્ષા ચલાવતો આ યુવાન રજનીશનું વિચારપ્રેરક  પુસ્તક વાંચે છે. અને ભગવાન રજનીશ સાથે મારું નામ જોડાયેલું જાણી મને  પેલી ઉક્તિ યાદ આવી ગઇ : જરૂર પડ્યે ક્યારેક ભગવાન પણ સેતાનને ટાંકતો હોય છે.
----
અલબત્ત, મારા લેખનના નશાએ એક માણસને ઘણું દુ:ખ પહોંચાડ્યું આમ તો મારી દસ પેઢીમાંય લખવાના અપલખણે કોઇ નહોતું ચડ્યું. આ કારણે મેં લખવાનું શરૂ કર્યું ત્યારે મારા પિતા મારા પર ઘણા ખિજાતા. કવિ ન્હાનાલાલનો  દાખલો આપી મને તેઓ ઘણી વાર ટોકતા કે કવિઓના હાલ બહુ સારા નથી હોતા, એટલે ભૂખ મરવાનો આ ધંધો રહેવા ગઇ ભણવામાં મન પરોવ. એ  દિવસોમાં કવિ ડૉ. સુરેશ દલાલ કવિ અને કવિસંમલનોના એક સફળ સંચાલક લેખે મેદાને પડવાના બાકી હતા, એટલે તેમના નામનો ઢાલ તરીકે હું ઉપયોગ કરી શકેલો નહીં. અઢાર વર્ષની મારી કાચી ઉંમર હતી. (ઉંમર આજે જોકે વધી છે, 78ની થઇ છે, પણ સમજ એ ઉંમરે હતી એ કરતાં વધી છે 

એવું કહેવાની  સ્થિતિમાં અત્યારે નથી.) એ વયે લખેલા ઢંગધડા વગરના હાસ્ય (! ) લેખોમાંથી  પસંદ કરીને ‘પહેલું સુખ તે મૂંગી નાર...’ પુસ્તકની સ્ક્રિપ્ટ મેં તૈયાર કરેલી,  પરંતુ  કોઇ પ્રકાશક એ પુસ્તક છાપવા  તો શું એને હાથ અડાડવાય તૈયાર નહીં.  ‘ગજરામારુ’,‘ઢોલામારુ’, ‘સદેવંત-સાવળિંગા’ને ‘સોળ સોમવાર’ની વારતા જેવી ધાર્મિક અને ડિટેક્ટિવ ચોપડીઓ છાપતા એક થર્ડ ગ્રેડ પ્રકાશક પાસે પુસ્તક છાપવાનો  પ્રસ્તાવ લઇને ગયો તો. તેણે મારા પુસ્તકની સામે નજર પણ  નાખ્યા  વગર મને એક અઘરો સવાલ પૂછ્યોે: ‘છોકરા, તારી ચોપડી છાપું તો તું મને શું આપે?’ હું પાછો વળી ગયો. અને બીજા  એક સેક્ધડ રેટ પ્રકાશકને મળ્યો.  તો તેણે જણાવ્યું : ‘બે હજાર રૂપિયાની જાહેરખબરો  લાવી આપો તો તમારું  પુસ્તક છાપું. જાહેરખબરોના પૈસા અગાઉથી મને આપી દેવાના, જેથી મારે ખોટો ઉજાગરો નહીં ને પુસ્તક પ્રગટ થયે તમને હું બાર-પંદર નકલો આપીશ. બાકીનું બધું આપણે (એટલે કે મારે) ભૂલી જવાનું.’ છેવટે એ પુસ્તક મેં મારા હિસાબે ‘ને જોખમે- સૉરી, મારી પાસે તો એટલી મોટી રકમ ક્યાંથી હોય મારા પિતાશ્રીના 1,200 રૂપિયા ખર્ચે પ્રગટ કર્યું. (ગ્રંથસૌજન્યમાં પિતાશ્રીનું  નામ લખવું ચૂકી જવાયું છે-અગેન શેરડી!) આ નાણાં તેમણે રાજીખુશીથી  આપ્યાં હતાં. આની પાછળ તેમની ગણતરી કદાચ એવી હશે કે આ ચોપડી બહાર પડ્યા પછી આ ગુડ ફોર નથિંગ લખવાની લતમાંથી બહાર આવી જશે. લખવાનો ઊભરો શમી જશે ને કામે ચડી જશે. એ વખતે તેમને કે મને પણ જાણ નહોતી કે લેખન પણ એક નશો છે... ત્યાં વળી છાપામાં લખવાની ઓફર સામેથી મળી-પીવું હતું ને પીઠું મળ્યું એમ જ સમજો ને!

ફરી પાછા નસીબ પર આવીએ. અમદાવાદના રાયપુર ચકલા, બઉઆની પોળ પાસેથી પસાર થઉં ત્યારે સામે ટિંગાડેલું ‘કુમાર કાર્યાલય’ નું પાટિયું જોવા મળે. આપણે તો છાપાના કોલમિયા, છાપાળવા લેખક, એટલે ‘કુમાર’ના ડહેલામાં  પગ મૂકવાની હામ જ નહીં, ને ‘કુમાર’ સામયિકની ધાક જ કંઇ ઔર. ‘કુમાર’માં છપાય તો જ લેખક, બાકી ઠીક મારા ભૈ. લખે છે. એક મિત્ર એક દિવસ  ‘કુમાર’ના તંત્રી બચુભાઇ રાવતનો પરિચય કરાવ્યો. બચુભાઇએ કદાચ વિવેક ખાતર કહ્યું કે ‘કુમાર’ને લાયક કશું લખાય તો મોકલજો. ‘કુમાર’માં  ટુકડે ટુકડે સાત વરસ સુધી લખવાનું સદ્ભાગ્ય મળ્યું. (ચોખવટ : હું મારા સદ્ભાગ્યની વાત કરું છું. ‘કુમાર’ની એને ખબર). છાપાના કોલમિયામાંથી લેખક તો મને ‘કુમારે’ જ બનાવ્યો એવું મારે પ્રામાણિકતાપૂર્વક કહેવું જોઇએ.

જેમને શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક ન મળ્યો હોય ત્યાં સુધી આ ચંદ્રક તેમને ગુજરાતી સાહિત્યના નૉબેલ પ્રાઇઝ જેટલો મોટોને વજનદાર લાગતો હોય છે. કોઇક તો ગુસ્સામાં બૂમો પાડે છે કે ‘ચાલો, ચંદ્રકોને ઓગાળી નાખીએ!’ ને એ મળ્યા બાજ પોતાનાં તિજોરી કબાટમાં ગોઠવી દે છે. જોકે આજે પણ આપણા મોટા ગજાના સાહિત્યકાર કનૈયાલાલ મુનશી અને વિદ્વાન સર્જકવિવેચક રામનારાયણ  વિ. પાઠકને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી. તે પછી શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક  માટે આ વિનોદ ભટ્ટનું શું ગજું! ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી! ક્યાં કનુ (મુનશી) ને ક્યાં આ વિનુ!... પણ આ શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રકેય મળ્યો. ભાગ્યાશાળીનાં ભૂત રળે એ  આનું નામ. જોકે મને રણજિતરામ ચંદ્રક મળ્યો ત્યારે  એક વિવેચક મને અભિનંદન  આપ્યા પછી ભોળાભાવે પૂછ્યું હતું : ‘હેં, વિનોદભાઇ, રણજિતરામ ચંદ્રક્નું તેજ હવે ઝાંખું પડી ગયું હોય એવું તમને નથી લાગતું?’

રણજિતરામ ચંદ્રક અર્પણ વખતે એચ. કે. હૉલ છલકાઇ ગયો હતો. મારા જીવનની એ ધન્ય ઘડી હતી. મારી મા પહેલી હરોળની ખુરસીમાં બેસીને તેના વિનુનો આ ચંદ્રકવિધિ  રસપૂર્વક અને પ્રસન્નતાથી જોતી હતી. વાતાવરણ  આનંદસભર હતું. પણ આ ઑડિયન્સમાં એક જણ ખૂટતું હતું- મારા પિતા. એ તો જોજનો દૂર. પહોંચ્યું પહોંચાય નહીં ત્યાં ચાલ્યા ગયા  હતા. એ ટાણે બોલતી વખતે મારા પિતા અનાયાસ યાદ આવી ગયા. તેઓ જો હાજર હોત ને અહીં બેઠા હોત તો એમને કદાચ પહેલીવાર લાગ્યું હોત કે તેમનો વિનુ તદ્દન ગુડ ફોર નથિંગ - સાવ કાઢી નાખવા જેવો તો નહીં જ હોય, બાકી મોટા-મોટા ને પ્રતિષ્ઠિત લોકો તેના સમારંભોમાં આટલી બહોળી સંખ્યામાં હાજર રહે! સાચું કહું તો હું એક સાવ મિડિઓકર - સાધારણ લેખક છું એવુંય મારા પિતા આગળ સાબિત કરી શક્યોે નહોતો. ખેર...!