Sun Mar 08 2026

Logo

સુરતના વરાછામાં આતંક મચાવનાર કુખ્યાત ચિરાગ ગોટીનો પોલીસે વરઘોડો કાઢ્યો...

2 weeks ago
Author: Devayat
Article Image

સુરત: ચર્ચિત ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસના મુખ્ય સૂત્રધાર કુખ્યાત ચિરાગ ગોટીને આજે વરાછા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. અપહરણ, ખંડણી અને મારપીટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીને જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે વરાછા વિસ્તારમાં ઘટનાસ્થળે લઈ ગઈ, ત્યારે લોકોનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો હતો. વરાછામાં આતંક મચાવનાર ચિરાગ ગોટી પોલીસના વરઘોડામાં બે હાથ જોડીને ચાલવા મજબૂર બન્યો હતો. 

જોકે, હજારોની સંખ્યામાં ઉમટેલા રોષે ભરાયેલા લોકોએ ચિરાગ પર હુમલો કરી તેના કપડાં ફાડી નાખ્યા હતા. ધક્કા-મુક્કી અને ભારે અફરાતફરી વચ્ચે પોલીસે માંડ માંડ આરોપીનો જીવ બચાવી તેને સુરક્ષિત રીતે ગાડીમાં બેસાડ્યો હતો. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભોગ બનનાર પરિવાર અને સ્થાનિક રહીશોમાં એટલો રોષ હતો કે લોકો 'ચિરાગ ગોટીને ફાંસી આપો' તેવા બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. 

સુરતમાંથી ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ઝડપાયેલા કુખ્યાત ચિરાગ ગોટીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં ધરપકડના બીજા જ દિવસે, સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી, તેના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી સહિત કુલ સાત શખ્સો સામે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર કચેરી ખાતે અનેક પીડિતોએ ચિરાગ વિરુદ્ધ ત્રાસ અને ઉઘરાણીની ફરિયાદ કરી હતી. આ દરમિયાન ચિરાગના ચાર શૂટિંગ વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં તે હવામાં ફાયરિંગ કરતો, હથિયાર લઈને ઉભેલો અને લોકોને માર મારતો જોવા મળ્યો હતો.

પોલીસનું માનવું છે કે આ વીડિયો લોકોમાં ફાળ ફેલાવી નાણાં પડાવવા માટે સોશિયલ મીડિયા અને સાથીદારોમાં ફરતા કરવામાં આવ્યા હતા.પોલીસમાં ફરિયાદ મુજબ, પીડિતે આક્ષેપ કર્યો હતો કે ઓક્ટોબર 2021માં જ્યારે તેઓ જમીન સોદાના પેમેન્ટ માટે જઈ રહ્યા હતા, ત્યારે ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને સાથીદારોએ તેમને આંતરીને રૂ. 10 લાખની ખંડણી પડાવી હતી. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીને ચપ્પુ બતાવી દર મહિને રૂ. 2 લાખનાની માંગણી કરી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, 24 ઓક્ટોબર 2021ના રોજ ચિરાગ તેને કારમાં અપહરણ કરી પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં પિતા-પુત્રોએ મળીને તેને ગોંધી રાખી ઢોર માર માર્યો હતો અને મારપીટનો વીડિયો બનાવી પોલીસ પાસે જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

એસઓજીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, પોલીસને ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણી અને ટોર્ચરની અનેક ફરિયાદો અને વીડિયો પુરાવા મળ્યા છે. હાલ પોલીસે આ ટોળકી વિરુદ્ધ અપહરણ, ખંડણી, ગેરકાયદે અટકાયત અને ગુનાહિત કાવતરા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ચિરાગ ગોટી અગાઉ તેના ભૂતપૂર્વ ભાગીદાર અલ્પેશ મિયાણીની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવાના કેસમાં શરણે આવ્યો હતો અને હાલ તે ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર છે. સિંગણપોર અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં તેની સામે અગાઉ પણ પાંચ જેટલા ગુના નોંધાયેલા છે