મુંબઈઃ એક્ટ્રેસ ક્રિતી સેનનની રક્ષાબંધન સંબંધિત એડને લઈને વિવાદ વકર્યો છે. ખાસ કરીને એના આઉટફીટ પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. કંગના રણૌતે એના પર કોમેન્ટ કર્યા બાદ વાવડ એવા વહેતા થયા હતા કે, સોનુ નિગમે પણ એના કપડાને લઈને કોમેન્ટ કરી હતી. પણ આ વિવાદમાં ખોટી વાતનું ખંડન કરતા જાણીતા ગાયક સોનુ નિગમે કહ્યું હતું કે, આ સાચું નથી. સોનુએ એક મીડિયા રિપોર્ટનો સ્ક્રિનશૉટ શૅર કરતા સ્પષ્ટ કર્યું હતું કે, આ અંગે મેં કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
નકલી એકાઉન્ટ હતુ
હકીકત એવી છે કે, એક મીડિયા હાઉસે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે, સોનુ નિગમે હિન્દુ ધર્મ તથા ધૈર્યને લઈને ટિપ્પણી કરી છે. પણ સોનુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને મીડિયાને આકરા શબ્દોમાં ટકોર કરી છે. એવી પણ સ્પષ્ટતા કરી છે કે, આવું કોઈ નિવેદન મારૂ નથી. ખોટી પોસ્ટના આધાર પર ન્યૂઝ ચલાવી દેતા સોનુએ આવા બેજવાબદાર મીડિયા સામે ભડાશ કાઢી હતી. સમગ્ર વિવાદ એ સમયે શરૂ થયો જ્યારે મીડિયા પબ્લિકેશને એક ન્યૂઝ શૅર કર્યા. જેના હેડિંગમાં લખ્યું હતું કે હિન્દુ સહિષ્ણું છે અને એના ધૈર્યની પરીક્ષા ન લો. કૃતિ સેનન એડ વિવાદ પર સોનુ નિગમ.આ ન્યૂઝ સામે આવતા સોનુએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પરથી નારાજગી વ્યક્ત કરી હતી. સોનુએ લખ્યું કે, આ હું નથી અને આવું નિવેદન મેં ક્યારેય આપ્યું નથી.જાગો મીડિયા જાગો. જે નિવેદનને લઈ સોનુ નિગમનું હોવાનું માની લેવામાં આવ્યું, હકીકતમાં એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર બનાવેલુ એક પેરોડી અથવા નકલી એકાઉન્ટ હતું. જે સોનુ નામથી ચાલતું હતું. આ એકાઉન્ટ પરથી આ સ્ટેટમેન્ટ પોસ્ટ કરવામાં આવ્યું હતું.
સંસ્કૃતિ દિલમાં હોય નેકલાઈનમાં નહીં
સોનુ નિગમે સ્પષ્ટતા કરી હતી કે, હું ટ્વિટર પર છું જ નહીં. વગર હકીકત જાણ્યે ખોટા એકાઉન્ટ પરથી કરાયેલા ટ્વિટને એનુ ઓફિશિયલ એકાઉન્ટ માની લેવું અને એના આધારે ન્યૂઝ ચલાવી દેવા એ યોગ્ય નથી. આ પછી સાર્વજનિક રૂપે તેમણે હકીકત ઉઘાડી પાડી હતી. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં એ જાહેરાત છે જેમાં ક્રિતીએ બ્રાલેટ બ્લાઉઝ પહેરીને રક્ષાબંધનની ઉજવણી કરી છે. હકીકતમાં આ એક જાણીતી જ્વેલરી બ્રાંડની એડ હતી. જેમાં ક્રિતી બ્રાલેટ આઉટફિટમાં પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આને ભારતીય સંસ્કૃતિનું અપમાન ગણાવી દીધુ હતું. એક્ટ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં કંપની સામે ફરિયાદ કરવા સુધીનો મુદ્દો ઊઠાવ્યો હતો. ટ્રોલર્સને જવાબ આપતા એક્ટ્રેસ ક્રિતી સેનને કહ્યું કે, સંસ્કૃતિ દિલમાં હોય છે નેકલાઈનમાં નહીં. એથનિક ફેશનમાં સમય સાથે બદલાવ આવ્યો છે,પરંતુ આજે પણ સ્ત્રીઓનો પોતાની સંસ્કૃતિ પ્રત્યેનો આદર ફક્ત તેમના કપડાં દ્વારા માપવામાં આવે છે.
આવું કહેવાનું ક્યારે બંધ થશે?
સમાજની મહિલાઓએ શું પહેરવું જોઈએ, એ કહેવાનું ક્યારે બંધ કરશો? સંસ્કૃતિ અને પરંપરા વ્યક્તિના દિલમાં હોય છે એની નેકલાઈનમાં નહીં. આ તહેવાર રક્ષણ અને પ્રેમના બંધનનું પ્રતીક છે.હું અને નુપુર સેનન એકબીજાને રાખડી બાંધીએ છીએ. કારણ કે તેઓ એકબીજાનું રક્ષણ એ જ રીતે કરે છે જેમ એક ભાઈ કરે છે. કૃતિએ આગળ લખ્યું કે પાલતુ કૂતરાઓ સાથે પણ એ જ પ્રેમ શેર કરે છે, કારણ કે તેઓ પણ તેના પરિવારનો ભાગ છે.