Tue Sep 22 2026

Logo

સોમનાથ મંદિરની અનોખી પહેલ, હવે ઈકો ફ્રેન્ડલી પેકિંગમાં મળશે પ્રસાદ

2026-09-19 10:49:00
Author: Mayur Patel
સોમનાથ મંદિરની અનોખી પહેલ, હવે ઈકો ફ્રેન્ડલી પેકિંગમાં મળશે પ્રસાદ

સોમનાથઃ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દરરોજ હજારો લોકો આવે છે. શ્રાવણ મહિનો અને તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓની વિશેષ ભીડ હોય છે. આ દરમિયાન સોમનાથ મંદિર દ્વારા એક મોટો પર્યાવરણલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે સોમનાથ મંદિરનો પ્રસાદ પ્લાસ્ટિકના પેકિંગમાં નહીં પણ ઈકો ફ્રેન્ડલી પેકિંગમાં મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા તૈયાર કરાયેલી વિશેષ ડિઝાઇન લોન્ચ કરી હતી.

બે વર્ષથી ચાલતું હતું સંશોધન

મંદિર પરિસરની આસપાસ એકત્ર થતા અંદાજે 1.68 લાખ કિલોગ્રામ જેટલા પ્લાસ્ટિક કચરાની સમસ્યાને ડામવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે પ્રસાદ માટેની નવી ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો. NID, અમદાવાદ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષના સંશોધન બાદ આ પહેલ તૈયાર કરવામાં આવી છે, જે સિંગલ-યુઝ પ્લાસ્ટિકની જગ્યાએ ટકાઉ (સસ્ટેનેબલ) વિકલ્પ પૂરો પાડશે.

કેવી બનાવવામાં આવી છે ડિઝાઇન

સૂત્રોના જણાવ્યા મુજબ, આ પેકેજિંગ પર્યાવરણ સંરક્ષણ માટે મૌન સંદેશવાહક તરીકે કાર્ય કરશે, જે લાખો શ્રદ્ધાળુઓ સુધી રાષ્ટ્રીય સ્તરનો પર્યાવરણીય સંદેશ સીધો પહોંચાડશે. આ ડિઝાઇન ભગવાન શિવના ધાર્મિક પ્રતીકો અને વારસામાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. જેમાં હળદર અને સિંદૂર જેવા પરંપરાગત રંગોની સાથે નંદી અને પવિત્ર બિલીપત્રની ભાત કંડારવામાં આવી છે.