Mon Nov 02 2026

Logo

હેં... ખરેખર! નાના-નાજુક-ભોળા ને વહાલા લાગતા પંખી છે સિરિયલ કિલર

2026-11-01 10:02:00
Author: Praful Shah
હેં... ખરેખર! નાના-નાજુક-ભોળા ને વહાલા લાગતા પંખી છે સિરિયલ કિલર

હેં... ખરેખર! - પ્રફુલ શાહ

દેખાવે નાના, નાજુક, ભોળા, વહાલા લાગે એવા ને પાછો મીઠો-મધુર સ્વર. અને હકીકત આપણા મનમાં ઊપજતી છબીથી તદ્ન વિરોધાભાસી. 

આ વાત છે એક પંખીની. કદ પ્રજાતિ પ્રમાણે સામાન્ય રીતે આશરે 25થી 35 સેન્ટિમીટર જ. રંગ પણ પ્રજાતિ પ્રમાણે રાખોડી, કાળો અને સફેદ. પ્રકૃતિમાં એક એવું પક્ષી છે, જેનો શિકાર કરવાની રીત જોઈને કોઈને પણ આશ્ર્ચર્ય થાય. એટલે જ એને બુચર બર્ડ કહેવાય છે. વધુમાં એ છે પક્ષીઓની દુનિયાનો સિરિયલ કિલર.

બુચર બર્ડ એટલે કે લટોરો (Shrike) પક્ષી લગભગ આખા ભારતમાં હોય છે. તે કોઈ ચોક્કસ કે મર્યાદિત વિસ્તાર પૂરતું સીમિત નથી, પરંતુ દેશના જુદા જુદા ભૌગોલિક ભાગોમાં તેની વસવાટ કરવાની ક્ષમતા ગજબનાક છે. ભારતમાં લટોરા પક્ષીની ઘણી પ્રજાતિઓ છે, જેમાં ‘ગ્રે શ્રાઈક’ અને ‘બે-બેક્ડ શ્રાઈક’ મુખ્ય છે.

તે ભારતમાં મુખ્યત્વે ખુલ્લાં મેદાનો અને ખેતરમાં જોવા મળે. લટોરો પક્ષીને શિકાર કરવા માટે ખુલ્લી જગ્યાઓ વધુ અનુકૂળ હોવાથી તે ભારતના ગ્રામીણ વિસ્તારો, ખેતરોની વાડ અને ઘાસવાળા ખુલ્લાં મેદાનોમાં વધુ દેખા દે છે.

ગુજરાત અને એમાં ય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના સૂકા, ઝાંખરાવાળા જંગલોમાં તેની વસ્તી વધુ જોવા મળે છે. બાવળ કે બોરડી જેવી કાંટાવાળી વનસ્પતિ તેના માટે શિકાર સંગ્રહ કરવાનું ઉત્તમ સ્થાન છે. ક્યારેક રોડની બાજુના વીજળીના તાર, ટેલિફોનના થાંભલા કે નાનાં વૃક્ષો પર તે શિકારની શોધમાં બેઠેલું જોવા મળે છે. લટોરો પક્ષી માત્ર ભારતના હિમાલયના અતિ ઠંડા કે ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારો અને ગાઢ વર્ષાજંગલો સિવાય લગભગ સર્વત્ર અનુકૂળ થઈને રહે છે.

નાનકડું પક્ષી બુચર બર્ડ એટલે કે લટોરો દેખાવમાં ભલે માસૂમ લાગે, પણ શિકારની પદ્ધતિ અત્યંત ક્રૂર અને અનોખી હોય છે. તે ઉંદર જેવાં નાનાં સસ્તન પ્રાણીઓ

અન્ય નાનાં પક્ષીઓ અને તેમનાં બચ્ચાંનો શિકાર કરે છે. તેના શિકારની યાદીમાં 

વિવિધ પ્રકારના કીટકો, તીડ, ગરોળી અને નાના સરિસૃપ પણ ખરા.

તે સામાન્ય રીતે ઊંચી ડાળી પર બેસીને શિકાર પર નજર રાખે છે. શિકાર દેખાય એટલે ચીલઝડપ મારીને  નીચે આવીને તેમને પકડી લે છે.

તે ગરોળી, દેડકા, ઉંદર કે નાના પક્ષીઓ પર ત્રટકે છે, ને પકડીને કાંટાવાળા ઝાડ, તીક્ષ્ણ ડાળીઓ કે લોખંડના કાંટાળા તાર પર ટાંગી દે છે. કસાઈની જેમ શિકારને લટકાવવાની આ આદતે તેને ‘બુચર બર્ડ’ કહેવડાવે છે.

આ પક્ષી શિકાર કરીને તરત ખાતું નથી, પરંતુ ક્યારેક પોતાના શિકારને ઝાડની કાંટાળી ડાળીઓ કે તીક્ષ્ણ અણીવાળી જગ્યાઓ પર ભોંકીને પણ રાખે છે. આ અનોખી ટેવને કારણે તેને લોકપ્રિય વર્ણનોમાં ‘સિરિયલ કિલર બર્ડ’ અથવા ‘બુચર બર્ડ’ તરીકે ઓળખાવવામાં આવે છે. 

(ક્રમશ:)