(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કૉન્ટ્રેક્ટરમાં ફેરફાર અને બાંધકામમાં આવેલા અનેક અવરોધો બાદ છેક આઠ વર્ષના વિલંબ બાદ ગોરેગામનું જાણીતું ‘ટોપીવાલા માર્કેટ’ આખરે ૩૦ નવેમ્બરના રોજ આંશિક રીતે ખૂલવા જઈ રહ્યું છે.
ગોરેગામ (પશ્ર્ચિમ)માં રેલવે સ્ટેશન નજીક આવેલી ટોપીવાલા માર્કેટના પહેલા બે માળ, જેમાં ૨૦૬ દુકાન આવેલી છે, તે વેપારીઓ માટે ખોલવામાં આવશે, જેથી તેઓ ફરીથી પોતાનો વેપાર અહીંથી શરૂ કરી શકશે.
તાજેતરમાં ઉત્તર-પશ્ર્ચિમના સાંસદે ગયા અઠવાડિયે પાલિકાની આર-દક્ષિણ વોર્ડ ઑફિસ લાંબા સમયથી અટકેલા આ માર્કેટના પુનર્વિકાસના કામની સ્થિતિ જાણવા માટે આર- અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમ્યાન પાલિકાના અધિકારીઓને નવેમ્બરમાં આંશિક રીતે માર્કેટને ખુલ્લી મૂકવામાં આવવાની હોવાની ખાતરી આપી હતી.
ટોપીવાલા માર્કેટ ૨૦૧૮ની સાલથી બંધ હતી, જેના કારણે વેપારીઓની આજીવિકા પર ગંભીર અસર પડી છે. શાકભાજી તથા ફળોની દૈનિક ખરીદી માટે માર્કેટ પર નિર્ભર રહેતા સ્થાનિક રહેવાસીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વર્ષોથી રીડેવલપમેન્ટના નામે બંધ રહેલી બજારમાં ગાળો ધરાવનારા વેપારીઓ રસ્તા પર ધંધો કરવા મજબૂર બન્યા હોવાથી વિસ્તારમાં ભીડ અને ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થયો હોવાની ફરિયાદ પણ અનેક વખત પ્રશાસન સમક્ષ કરવામાં આવી હતી.
ગયા અઠવાડિયે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સ્થાનિક નગરસેવકે પ્રશાસનને ચેતવણી આપી હતી કે જો અધિકારીઓ ૩૦ નવેમ્બરના રોજ માર્કેટ ખોલવાના પોતાના વચનનું પાલન નહીં કરે તો પ્રશાસન જવાબદાર ગણાશે. જોકે પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ જમીનની અંદર રહેલા હાઈ-ટેન્શન વીજ કેબલોને ખસેડવા, ખડકાળ જમીનમાં ખોદકામ, કાયદાકીય જટિલતાઓ, કોવિડ-૧૯ મહામારી અને અગાઉના કૉન્ટ્રેક્ટરનો કરાર રદ થવાને કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. પ્રશાસન માર્ચ ૨૦૨૭ની સમયમર્યાદા પહેલાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાના પ્રયાસો કરી રહી છે.
ગોરેગામમાં રેલવે સ્ટેશન નજીક ૩,૪૩૮ ચોરસ મીટરના પ્લોટ પર બની રહેલા આ ૧૬ માળના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં ૨૦૬ દુકાનો (ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૧૨ અને પહેલા માળ પર ૯૪) હશે. આ ઉપરાંત તેમાં ૫૩ રહેણાક એપાર્ટમેન્ટ, ૮૦૦ બેઠક ધરાવતું ઓડિટોરિયમ અને ૧૯૨ વાહન માટે પાર્કિંગની સુવિધા હશે. બિલ્ડિંગની છત (રૂફટોપ) પર મનોરંજન માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.
આ પ્રોજેક્ટની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે ‘ગોરેગાંવ માર્કેટ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશન’ દ્વારા પાલિકાના માર્કેટ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જૂની માર્કેટ બિલ્ડિંગ અને તેની બાજુમાં આવેલું થિયેટર ૨૦૧૮માં તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ૧૨૫.૭૧ કરોડ રૂપિયાના ખર્ચે અહીં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. બાંધકામ લગભગ બે વર્ષ સુધી અટકી રહ્યું હતું અને ત્યારબાદ ૨૦૨૨માં ફરી શરૂ થયું.
જોકે, કોન્ટ્રેક્ટરનો કરાર પૂરો થયા બાદ આ પ્રોજેક્ટ ફરી એકવાર અવરોધમાં મુકાઈ ગયો. ખર્ચમાં વધારા પરની ૧૦ ટકા મર્યાદામાં છૂટ આપવાનો પ્રસ્તાવ પાલિકા દ્વારા ફગાવી દેવામાં આવ્યો, જેના પરિણામે મૂળ કરાર રદ કરવામાં આવ્યો હતો અને ૨૦૨૪માં બાકીના કામ માટે નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. લાંબા વિલંબ અને કરવેરામાં ફેરફારોને કારણે આ પ્રોજેક્ટનો ખર્ચ ૧૨૫.૭૧ કરોડ રૂપિયાથી વધીને ૨૦૨ કરોડ રૂપિયા થઈ ગયો છે.